પ્રતીકાત્મક તસ્વીર

પોરબંદર

પોરબંદર પાલિકા દ્વારા શહેર માં જાહેર સ્થળો એ નોનવેજ નું વેચાણ કરતા રેકડી ધારકો ને હટાવવા આયોજન કરાઈ રહ્યું છે.ત્યારે રેકડી ધારકો એ તે વરસો થી વેચાણ કરતા હતા તે ચોપાટી નજીક ની જગ્યા ફાળવવા રજૂઆત કરી છે.અને અન્ય કોઈ સુવિધા વગર ની જગ્યા ફાળવવામાં આવશે તો વિરોધ ની ચીમકી પણ ઉચ્ચારી છે.

રાજ્યમાં કેટલાક શહેરો માં તંત્ર દ્વારા જાહેરમાં ઈંડા અને માંસ, મટનનું વેચાણ કરતી લારીઓ ઉભી રાખી શકાશે નહીં તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.ત્યારે પોરબંદર માં પણ આ અંગે આયોજન ઘડાઈ રહ્યું છે.અને શહેરમાં રસ્તો રોકી નોનવેજ નું વેચાણ કરતી લારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.ત્યારે આ અંગે રેકડી ધારકો ના અગ્રણી બાવન બાદરશાહી એ એવું જણાવ્યું છે કે દોઢ દાયકા પહેલા તત્કાલીન પાલિકા પ્રમુખ દ્વારા શહેર ના તમામ નોનવેજ લારી ધારકો ને ચોપાટી પાર્ટીપ્લોટ નજીક જગ્યા ફાળવવામાં આવી હોવાથી ૫૦ થી વધુ લારી ધારકો ત્યાં જ પોતાની રોજીરોટી રળતા હતા.અને ત્યાં તેઓની કોઈ ફરિયાદ પણ ન હતી.

પરંતુ એક વરસ પહેલા પાલિકા દ્બારા તેઓને હટાવવાની કાર્યવાહી કરતા લારી ધારકો હાઈકોર્ટ સુધી ગયા હતા.પરંતુ તેનો કોઈ નિર્ણય આવે તે પહેલા પાલિકા એ પોલીસ રક્ષણ સાથે લારી ધારકો ને ત્યાંથી હટાવ્યા હતા.આથી હાલ આ તમામ લારી ધારકો શહેર ના અલગ અલગ વિસ્તાર માં લારી રાખી વ્યવસાય કરી રહ્યા છે.જેથી જો તમામ લારી ધારકો ને તેની મૂળ જગ્યા ચોપાટી પાર્ટી પ્લોટ પાસે જગ્યા ફાળવવામાં આવે તો રેકડી ધારકો સ્વેચ્છા એ પોતપોતાની જગ્યા ખાલી કરવા તૈયાર છે.પરંતુ તે સિવાય કોઈ અન્ય જગ્યા કે જ્યાં સુવિધા નો અભાવ હોય કે રેકડી ધારકો ને અનુકુળ ન હોય તેવી જગ્યા ફાળવવામાં આવશે.તો તેનો રેકડી ધારકો દ્વારા વિરોધ કરવામાં આવશે તેવું પણ જણાવ્યું છે.

જુઓ આ વિડીયો