પોરબંદર
પોરબંદર પાલિકામાં છેલ્લા પાંચ વર્ષથી મહેકમ કરતાં વધુ કર્મચારીની ભરતી કરી દર વર્ષે સરકારી તિજોરીને એક કરોડથી વધુનું નુકશાન કરવામાં આવી રહ્યું હોવાના આક્ષેપ કોંગી અગ્રણી એ કર્યા છે.અને છેલ્લા પાંચ વર્ષમાં આઠ કરોડથી વધુ રકમનું કૌભાંડ આચરાયું હોવાનું જણાવી વિજીલન્સ મારફત તપાસ ની માંગ કરી છે.

જુઓ આ વિડીયો 

પોરબંદર ના કોંગી અગ્રણી રામદેવ મોઢવાડિયા એ વિજીલન્સ કમીશન,એસીબી,શહેરી વિકાસ વિભાગ ના અગ્ર સચિવ સહિતના ને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે પોરબંદર પાલિકામાં સત્તાધીશોની સાંઠગાંઠથી વર્ષ 2015, 16 મા 121 જેટલા લાગતા વળગતા લોકોની ગેરકાયદેસર રીતે ભરતી કરવામાં આવી હતી.અને પાલિકાની તિજોરીને રૂપિયા 1,05,57,502 ની રકમનો ચૂનો લગાડવામાં આવ્યો હતો.

તેવી જ રીતે 2017,18માં પણ મહેકમ કરતાં વધારે 321 જેટલા ગેરકાયદેસર લાગતા વળગતા કર્મચારીઓની ભરતી કરી 1,34,41,141 રૂપિયાનું ચુકવણું કરી દેવામાં આવ્યું હતું.શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા મહેકમ કરતાં વધુ કર્મચારીઓની ભરતી માટે નિયમ બનાવવામાં આવ્યા છે.

નગરપાલિકાઓના મહેકમનું લઘુતમ માળખું તેમજ માપદંડ નક્કી કરવામાં આવ્યા છે. તા. 22 જાન્યુઆરી 2004ના ઠરાવની શરત નંબર 3 તેમજ તા. 1 જૂન 2010ના ઠરાવની શરત નં. 4 અન્વયે લઘુમતી મહેકમ ઉપરાંત વધારાની જગ્યા મંજૂર કરવા માટે નગરપાલિકા નિયામક મારફત રાજ્ય સરકારની પુર્વ મંજુરી મેળવવી જરૂરી છે.પરંતુ પાલિકા દ્વારા લાગતા-વળગતા કર્મચારીઓની ગેરકાયદેસર રીતે ભરતી કરવામાં આવી હોય જેમાં કોઈ પ્રકારની નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવી નથી.

નગરપાલિકા નિયામક મારફત રાજ્ય સરકારની પુર્વ મંજુરી પણ લેવામાં આવી ન હતી અને પૂર્વ મંજૂરી વગર જ મહેકમ કરતાં વધુ લાગતા વળગતા કર્મચારીઓની ગેરકાયદેસર રીતે ભરતી કરી કરોડો રૂપિયાનું ચુકવણું કરવાના બહાને પાલિકાની તિજોરીને ચૂનો લગાવી દેવામાં આવ્યો છે.આ રીતે છેલ્લા પાંચ વર્ષ આઠ કરોડથી પણ વધુ રકમનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું રામદેવભાઈ એ જણાવ્યું છે.અને પાલિકા ના રોજમદાર કર્મચારીઓ માંથી કેટલાક કર્મચારી ઓ તો ગુનેગારો,હિસ્ટ્રીશીટર અને ગંભીર ગુનાઓ માં સંડોવાયેલા હોવાનું પણ જણાવ્યું છે.અને સમગ્ર બાબત ની તટસ્થ તપાસ થાય તેવી માંગ કરી છે.

Advertisement