પોરબંદર

પોરબંદર ની ફિશિંગ બોટ માં મધદરિયે એકાએક આગ લાગતા બોટ માં સવાર સાત ખલાસીઓ ના જીવ તાળવે ચોંટયા હતા.નજીક માં રહેલ અન્ય બોટ ના ખલાસીઓ એ તમામ નો જીવ બચાવી કોસ્ટગાર્ડ ને જાણ કરતા કોસ્ટગાર્ડ દ્વારા તમામ ની પ્રાથમિક સારવાર કરી પોરબંદર ખાતે લાવવામાં આવ્યા હતા.

પોરબંદરના કાનજીભાઈ ગોસિયા ની માલિકી ની હરસિદ્ધિ બોટ ગત ૧-3 ના રોજ કાંતિભાઈ દેવજીભાઈ પાટકર (ઉવ ૪૮)નામના ટંડેલ ની આગેવાની માં રમણ રંગાટી માસે (ઉવ ૩૫) માલાજી નવસા ઉંબાસલા (ઉવ ૨૦),કરશન હરી (ઉવ ૩૫),જયંતિ કેશુ પાટકર ૯ઉવ ૩૭),વાંસા રાડિયા જુવાબ (ઉવ ૩૭)અને નિમેશ નરભેરામ ડોબરિયા(ઉવ ૨૪)નામના ખલાસીઓ સાથે માછીમારી કરવા ગઈ હતી.અને તા 11 માર્ચના રોજ રોજ સાંજે 6-૩૦ વાગ્યે જયારે આ બોટ મધદરીયામાં હતી.ત્યારે બોટના એન્જીનમાં એકાએક ધડાકાભેર આગ લાગી હતી.અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.

આગ ઝડપી પ્રસરતા બોટ માં રહેલા ખલાસીઓ ને વાયરલેસ વડે મદદ માંગવાનો સમય પણ મળ્યો ન હતો.અને આગ વધવા લાગતા તમામ સાત ખલાસીઓ એ જીવ બચાવવા દરિયા માં ઝંપલાવ્યું હતું.અને દરિયા માં એકાદ કલાક તરતા રહ્યા હતા.તે દરમ્યાન નજીકમાં રહેલ કેટલીક બોટ ત્યાં પહોંચી હતી.જેમાંથી દેવ નામની બોટ ના ખલાસીઓ એ કોસ્ટગાર્ડની મદદ માંગતા કોસ્ટગાર્ડ દ્વારા પેટ્રોલિંગ શીપ રાજરતનને સાત ક્રૂ સાથેની હરસિદ્ધિ નામની ફિશિંગ બોટ નાવદ્રા થી અંદાજે 37 નોટીકલ માઈલ દુર સમુદ્રમાં આગમાં લપેટાઇ ગઇ હોવાની જાણ કરાઈ હતી.

અને રાજરતનને રિપોર્ટિંગ કરવામાં આવેલી જગ્યાએ શોધખોળ કરવાના અને તમામ સહાય પૂરી પાડવાના નિર્દેશો આપવામાં આવ્યા હતા.આથી રાજરતન પોતાની મહત્તમ ઝડપ સાથે સ્થળ પર પહોંચ્યું હતું.અને આગ બુઝાવવાનું કામ હાથ ધર્યું હતું.તમામ સાતેય ખલાસીઓ ને નજીકમાં રહેલી ગાત્રાળ માછીમારી બોટ દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા. અને તમામ ને રાજરતન શીપ પર લઇ જવામાં આવ્યા હતા.અને તેમને જરૂરી પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.

સતત બે કલાક સુધી સતત આગ બુઝાવવાની કામગીરી કરવામાં આવી હોવા છતાં બોટ ને બચાવી શકાઇ નહોતી અને છેવટે દરિયામાં ડુબી ગઇ હતી.બચાવી લેવામાં આવેલા ખલાસીઓ ને કોસ્ટગાર્ડ દ્વારા જાણ કરવામાં આવી હતી કે તેમની બોટ ના એન્જિન રૂમમાં આગ લાગી હતી.અને આગ બહુ ઝડપથી ફેલાઇ રહી હોવાથી તેમની પાસે પ્રતિક્રિયા માટે સમય રહ્યો નહોતો.

તમામ ખલાસીઓ ને રાજરતન શીપ દ્વારા ગત મોડી રાત્રે અંદાજે ત્રણેક વાગ્યે પોરબંદર લાવવામાં આવ્યા હતા અને સ્થાનિક પોલીસને સોંપવામાં આવ્યા હતા.ત્યાર બાદ તમામ ખલાસીઓ ને જુના બંદર નજીક આવેલ એક મંદિર માં રાખવામાં આવ્યા હતા.જ્યાંથી પોલીસે તમામ ની પુછપરછ હાથ ધરી છે.બોટ સળગી ને ખાખ થઇ જતા બોટ માલિકને અંદાજે 35 લાખ રૂપિયા જેટલી નુકશાની થઈ હતી.

જુઓ આ વિડીયો