પોરબંદર

પોરબંદરમાં અનેક સંસ્થાઓ પ્રાણી-પક્ષીઓ માટે સેવાકાર્ય કરે છે જેમાં સૌથી નોખી-અનોખી સંસ્થા કે જે માત્ર વોટસએપ ગ્રુપના માધ્યમથી ચાલી રહી છે.તે ગ્રુપ ફોર બર્ડ એન્ડ એનીમલના સભ્યોએ ૫૦ અને ૧૦૦ ફુટ ઉંડા કુવામાં પોતાના શરીર ઉપર દોરડા બાંધીને જીવના જોખમે તેમાં ઉતરીને બે બિલાડી અને એક શિયાળને હેમખેમ બહાર કાઢીને નવજીવન આપતા તેમની કામગીરીને સૌ કોઇ ગ્રામજનોએ બિરદાવી હતી.

પોરબંદરમાં ગ્રુપ ફોર બર્ડ એન્ડ એનીમલ નામના વોટસએપ ગ્રુપ દ્વારા અત્યાર સુધીમાં ૧૦ હજારથી વધુ જીવોને નવજીવન આપવામાં આવ્યું છે ત્યારે વધુ ૩ અઘરા રેસ્કયુ ગ્રુપના સ્થાપક ડો. નેહલબેન કારાવદરાના નેતૃત્વમાં યુવાનોએ કર્યા હતા.જેમાં નજીકના બખરલા ગામે વાડીવિસ્તારમાં આવેલા ૧૦૦ ફુટ ઉંડા કુવામાં બે બિલાડીઓ ફસાઇ ગઇ હોવાની માહિતી મળતા આ ગ્રુપના યુવાનો ભરતજી ઓડેદરા અને વિપુલ ચુડાસમાએ હિંમતભેર પોતાના શરીર ઉપર દોરડા બાંધીને ઉંડા કુવામાં જીવના જોખમે ઉતરીને બન્ને બિલાડીઓને હેમખેમ બહાર કાઢી હતી.

ત્યારબાદ એ જ રીતે નજીકના સીમાણી ગામે પણ વાડીવિસ્તારમાં ૫૦ ફુટ ઉડા કુવામાં એક શિયાળ પડી ગયું હોવાની માહિતી પણ આ ગ્રુપના સભ્યોને અપાઇ હતી. આથી પળનોયે વિલંબ કર્યાં વગર તેઓ ત્યાં પહોંચી ગયા હતા અને ઉંડા કુવામાં દોરડા બાંધીને ત્યાં પણ તે ઉતર્યા હતા અને શિયાળને બહાર કાઢી લીધું હતું. આ શિયાળ બિમાર હોવાથી ૧૯૬ર એનીમલ હેલ્પલાઇનને જાણ કરવામાં આવી હતી અને ડો. શ્રીવાસ્તવે તેની પ્રાથમિક સારવાર કર્યા બાદ પક્ષીઅભ્યારણ્ય ખાતે પહોંચાડો દીધું હતું અને એ રીતે શિયાળને પણ નવજીવન અપાયું હતું.
અત્યાર સુધીમાં દસ હજારથી વધુ જીવોને નવજીવન

અત્યાર સુધીમાં આ ગૃપ દ્વારા અત્યાર સુધીમાં પોરબંદર જીલ્લો અને તેને અડીને આવેલા અન્ય જીલ્લાઓમાં જઇને દસ હજારથી વધુ મુંગા જીવોને સ્વસ્થ કરીને તેમના આર્શીવાદ મેળવ્યા છે. દરરોજ સરેરાશ ર૦ થી રપ પશુ-પક્ષી અને અન્ય જીવોને સારવાર આપવામાં આવે છે. તેમાં ૧૯૬ર વાન, પશુ તબીબો સહિત અન્ય જીવદયા પ્રેમીનો સહયોગ મળે છે. અનેક જીવો જીંદગીની અંતિમ ક્ષણો હોય તેમ તરફડીયા મારતા હોય ત્યારે તેમને આ ગ્રુપ દ્વારા સમયસરની તાત્કાલીક સારવાર આપીને નવું જીવન અપાયાના અસંખ્ય દાખલાઓ બન્યા છે ત્યારે તેઓની કામગીરીને બિરદાવાઇ હતી. આમ,પોરબંદરના ગુપ ફોર બર્ડસ એન્ડ એનીમલ્સની ટીમ સોશ્યલ મીડીયાનો સાચા અર્થમાં સદઉપયોગ કરી રહી છે.
જુઓ આ વિડીયો