પોરબંદર

પોરબંદર ના સાંદીપની હરિમંદિર ખાતે ચાલી રહેલા ૧૪ માં પાટોત્સવ દરમ્યાન આજે રાજ્યપાલ ના હસ્તે આતિથ્ય ભવન નું ઉદ્ઘાટન કરાયું હતું
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પોરબંદરના સાંદીપની શ્રીહરિ મંદિર પાટોત્સવ ૨૦૨૦ માં ઉપસ્થિત રહીને ભાગવતાચાર્ય ભાઇશ્રી રમેશભાઇ ઓઝાની ઉપસ્થિતિમાં આશ્રમમાં નિર્માણ પામેલા નવા આતિથ્ય ભવનનુ ઉદઘાટન કર્યુ હતું.
આ પ્રસંગે રાજ્યપાલએ જણાવ્યુ કે, ભારતીય પરંપરાનું શિક્ષણ માણસને ખરા અર્થમાં માણસ બનાવે છે. માનવતા, ભાઇચારો અને વસુધૈવ કુટુંબકમ્ ની વિચારધારા ભારતીય વેદ સંસ્કૃતિમાં રહેલી છે, શિક્ષણ સૌથી મોટુ સેવાકાર્ય છે. રાજ્યપાલએ કહ્યુ કે, ભાઇશ્રીનું મિશન ફક્ત મંદિર નિર્માણ કરવુ તે નથી, ઉત્તમ શિક્ષણ પુરૂ પાડવુ તે પણ છે. માણસ માણસનો શત્રૂ ન બને તે માટે વેદનુ શિક્ષણ માણસને માણસ બનાવી બીજાના દુ:ખમા સહભાગી થવાનો વિચાર આપી વિશ્વએ એક પરિવાર બનીને રહેવાનુ શીખવે છે.
આત્માના વિકાસ થકી પરમાત્મા સુધી પહોંચવાની વાત કરી રાજયપાલએ કહ્યું કે, જન્મથી મૃત્યુ વચ્ચે માણસ બીજા લોકોનું ભલુ કરે, બીજાને દુખમાં સહભાગી થાય ત્યારે જીવન સાર્થક થતું હોય છે તેમ જણાવી સંસ્થાના દાતાઓની આ સેવાકીય પ્રવૃતિને પ્રોત્સાહિત કરી હતી.
તેઓએ વધુંમાં પ્રાકૃતિક ખેતીનાં મહત્વ અંગે વિચાર વ્યક્ત કર્યો કે પ્રાકૃતિક ખેતી કરવાથી પર્યાવરણ, પાણી કે ફળ ફળાદી દૂષિત નથી થતા અને સમાજ પણ બિમારી મૂક્ત બને છે. ખેતીમાં રાસાયણીક ખાતરના ઉપયોગના કારણે અનેક બિમારીઓ સમાજમાં વધી રહી છે ત્યારે પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતોને વાળવા ગુજરાતમાં એક લાખ જેટલા ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળવાના અભિયાનમાં સંકલ્પબધ્ધ થયા છે.
આ પ્રસંગે ભાઇશ્રી રમેશભાઇ ઓઝાએ આતિથ્ય ભવનના નિર્માણમાં રૂા.૫ કરોડનો આર્થિક સહયોગ પુરો પાડનાર તાપડીયા પરિવાર સહિત દાતાઓ, શિલ્પીઓ, ટ્રસ્ટીઓને આશિર્વચન પાઠવી કહ્યુ કે, સુદામાની તપોભૂમિ તથા મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરમાં સુંદર અને ભવ્ય ભવનનું નિર્માણ થયુ છે. સાધન સંસાધન તમારા માટે છે. માણસ પૈસા માટે નથી, પૈસા માણસ માટે છે. જ્યારે આવાસમાં કોઇ નિવાસ કરનાર ન હોય ત્યારે આવાસ નકામું બની જાય છે. શ્રીહરિ મંદિર ખાતે નિર્માણ પામેલ આતિથ્ય ભવનમાં રહેવાની સગવડતાની સાથે આયુર્વેદ અને નેચરોપેથીનું શિક્ષણ વિદ્યાર્થીઓને પ્રાપ્ત થશે. જેથી અહિંના વિદ્યાર્થીઓને વેદ અધ્યાત્મના શિક્ષણ સાથે વિજ્ઞાનનું શિક્ષણ પણ મળી રહેશે.
આ પ્રસંગે રાજ્યપાલના હસ્તે અને ભાઇશ્રી રમેશભાઇની ઉપસ્થિતિમાં આતિથ્ય ભવનના મુખ્યદાતા બજરંગલાલ તાપડીયા અને પરિવારજનો તેમજ સંસ્થા સાથે વર્ષોથી જોડાયેલા તુષારભાઇ જાની ઉપરાંત આતિથ્ય ભવનના આર્કિટેક, કોન્ટ્રાકટર તેમજ મીસ્ત્રી અને શિલ્પીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ભાઇશ્રી રમેશભાઇ ઓઝાએ રાજ્યપાલનું મોમેન્ટો આપીને સ્વાગત કર્યું હતું. કાર્યક્રમના પ્રારંભે તુષારભાઇએ શાબ્દિક સ્વાગત અને સંસ્થાના ઋષિકુમારોએ શ્ર્લોકથી સૌનું સ્વાગત કર્યું હતું. કાર્યક્રમ બાદ રાજ્યપાલએ સાંદીપની વિદ્યાનિકેતન સ્થિત ગૌશાળાની પણ મુલાકાત લીધી હતી.
કાર્યક્રમના પ્રારંભે મહાનુભાવોએ શહિદ દિન નિમિત્તે બે મિનિટનું મૌન રાખી મહાત્મા ગાંધીને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા. સાંદીપની ખાતેના આ કાર્યક્રમમાં મધુસુદન મહેતા, મહાવીર પ્રસાદ તાપડીયા, શિવરતન તાપડીયા, ભરતભાઇ ઓડેદરા, ગોયાણી, ઇન્ચાર્જ કલેકટર વી.કે.અડવાણી, પોલીસ અધિક્ષક ડો.પાર્થરાજસિંહ ગોહિલ અને અધિક કલેકટર રાજેશ તન્ના તેમજ સાંદીપનીના મહેમાનો, ઋષિકુમારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

જુઓ આ વિડીયો

Advertisement