પોરબંદર
આગામી સમયમાં વિવિધ વિભાગોમાં ખાલી થયેલ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ માટેની જગ્યાઓ ભરવા માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ યોજાવાની છે.આ સ્પર્ધાત્મક પરીક્ષાઓ સરળતાથી કેવી રીતે પાસ કરવી તેના માટે જેસીઆઈ અને પોરબંદર પોલીસ દ્વારા માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
“ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ”(GPSSB) દ્વારા ગ્રામ પંચાયત તલાટી માટે 3437 અને જુનિયર ક્લાર્ક માટે 1181 જગ્યાઓ ભરવા જાહેરાત કરવામાં આવી હતી.આ બને પોસ્ટ માટે આગામી મેં મહિના બાદ સ્પર્ધાત્મક પરીક્ષાઓ યોજાવાની સંભાવના છે,આથી આ બંને પરીક્ષાઓ તથા અન્ય વિભાગોની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયારી કરતા પોરબંદર વિસ્તારના ઉમેદવારોને પરીક્ષાલક્ષી માર્ગદર્શન આપવા ગોઢાણીયા કોલેજ ખાતે જેસીઆઈ અને પોરબંદર પોલીસ દ્વારા માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.આ સેમિનારમાં ફેકલ્ટી તરીકે ડી.વાય. એસ.પી ભરત પટેલ અને રાજકોટથી દેવશીભાઈ મોઢવાડીયાએ ખાસ ઉપસ્થિત રહી સ્પર્ધાત્મક પરીક્ષાઓની પધ્ધતિ, માળખું અને ક્યા વિષયોમાં કઈ પ્રકારના પ્રશ્નો પુછાય શકે તથા કઈ પ્રકારથી તૈયારી કરવામાં આવે તો સરળતાથી યાદ રાખી શકાય તે તમામ બાબતોની ઊંડાણ પુર્વક માહિતી આપવામાં આવી હતી.
આ સેમિનારમાં નાયબ પોલીસ કમિશનર વડોદરા જે.સી.કોઠીયા,જેસીઆઈ પોરબંદરના સ્થાપક પ્રમુખ લાખણશી ગોરાણીયા,પૂર્વ ઝોનપ્રમુખ બિરાજ કોટેચા,ઝોન ઉપપ્રમુખ હાર્દિક મોનાણી,રાણાભાઈ ઓડેદરા,રાજુભાઇ લાખાણી, શાંતિબેન ભૂતિયા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહી વિધાર્થીઓને મોટિવેશન આપ્યું હતું.સેમિનારને સફળ બનાવવા પ્રોજેક્ટ ચેરમેન મિત મદલાણી,રુચિત ગંધા અને જેસીઆઈ પોરબંદરની સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી.
જુઓ આ વિડીયો