પોરબંદર
વિદેશમાં ફસાયેલા ભારતીય નાગરિકોને દેશમાં પરત લાવવા માટે ભારત સરકાર દ્રારા વંદે ભારત મિશન યોજના બાદ ભારતીય નૌસેના દ્રારા શરૂ કારાયેલ ઓપરેશન “સમુદ્ર સેતુ”ના ભાગરૂપે આજે તા.૧૧ જુનના રોજ આઇ.એન.એસ. શાર્દુલ જહાજ મારફત ગુજરાતના ૨૩૩ નાગરિકોને ઇરાનથી પોરબંદર લાવવામાં આવ્યા હતા. જેમાંથી મોટા ભાગ ના વલસાડ,નવસારી તરફ ના માછીમારો છે ગુજરાત સરકારવતી જિલ્લા વહિવટીતંત્ર દ્રારા ઇરાનથી આવેલા તમામ નાગરિકોને મેડીકલની ટીમ દ્રારા મેડીકલ ચેકઅપ તથા તેઓના સામાનને સંપૂર્ણ સેનેટાઇઝ કરાયા બાદ તમામને સુરક્ષીત જિલ્લા કવોરન્ટાઇન કરવામાં આવ્યા છે. અહીં તેઓને રહેવા જમવાની સુવિધા આપવામાં આવશે. તથા કવોરન્ટાઇનનો સમયગાળો પૂર્ણ થયે તેઓને પરત પોતાના વતન મોકલવામાં આવશે.

જુઓ આ વિડીયો

ઇરાનથી પોરબંદર બંદર પર જહાજ મારફત આવેલા તમામ નાગરિકોને વ્યવસ્થા પુરી પાડવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દ્રારા ટીમ બનાવવામાં આવી હતી. જેમના નોડલ ઓફિસર તરીકે પોરબંદર પ્રાંત અધિકારી કે.વી.બાટીની નિમણૂક કરાઇ હતી. નોડલ ઓફિસરે આ સંદર્ભે જણાવ્યુ કે, કલેકટર ડી.એન.મોદી તથા જિલ્લા વિકાસ અધિકારી વી.કે.અડવાણીનાં માર્ગદર્શન હેઠળ ઇરાનથી આવેલા તમામ નાગરિકોનાં માલ સામાનનું પોરબંદર નગરપાલીકા દ્રારા સેનીટાઇઝ કરાયા બાદ ગુજરાત મેરીટાઇમ બોર્ડના હોલમાં તમામ નાગરિકોનું મેડીકલ ચેકઅપ કરાયા બાદ તેઓને પોરબંદરની ગોઢાણીયા કોલેજ, આત્મા, પોલીટકનીક તથા વનાણા નર્સિંગ કોલેજ ખાતે તેઓને જિલ્લા ક્વોરન્ટાઇન કરાશે. તમામ પ્રક્રિયા ભારત સરકારના COVID-19ના જે પ્રોટોકોલ છે તેને અનુસરીને માસ્ક થી લઇને રહેવા જમવાની સંપૂર્ણ સુવિધા પુરી પાડવામાં આવશે. આજે પોર્ટ પર તમામ પ્રવાસીઓને જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા કોરોના સામે જાગૃતિ વિષયક ICE કિટ આપવામાં આવી હતી જેમાં સાત માસ્ક, સેનેટાઈઝર અને સાહિત્ય સાથેની બેગ આપવામાં આવી હતી. હવે રોજેરોજ નીયત મુદત સુધી તમામની આરોગ્ય તપાસણી અને ટેમ્પરેચર પણ માપવામાં આવશે.
જહાજ મારફત ઇરાનથી આવેલા વલસાડ જિલ્લાના માછીમાર રાજેશભાઇ ટંડેલે કહ્યુ કે, હું છેલ્લા સાત મહિનાથી ઇરાનમાં માછીમારી કરતો હતો. કોરોના મહામારીના કારણે અમારા કરતા ઘરના સભ્યોને ખુબ જ અમારી ચિંતા થતી હતી. પણ ભારત સરકાર અમારા માટે દૂત બનીને આવી અને સહી સલામત સંપૂર્ણ સુવિધા સાથે જહાજ મારફત અમને પોરબંદર લાવવામાં આવ્યા જે ખુબ જ આનંદની વાત છે.
અન્ય માછીમાર કિશોરભાઇ સલેટે કહ્યુ કે, રસ્તે જહાજમાં હતા ત્યારે વિચાર્યું પણ ન હતુ કે પોરબંદર જિલ્લા તંત્ર દ્રારા આવી સરસ સુવિધા આપશે. મેડીકલ ચેકઅપથી રહેવા જમવાની સંપૂર્ણ સુવિધા પુરી પાડવા બદલ સરકારનો ખુબ ખુબ આભાર.
વલસાડના હસમુખભાઇ ટંડેલે કહ્યુ કે, કામધંધેથી રાત્રે ઘરના ફળિયા પાસે પહોંચ્યે અને જે ખુશીનો અહેસાસ થાય તેવો આનંદ પોરબંદર પહોંચીને થયો છે. અહીં આવ્યા પછી લાગે છે કે હું સંપૂર્ણ સુરક્ષીત છુ, સલામત છુ. પોરબંદર જિલ્લા વહીવટીતંત્રએ આ કામગીરી એક ઇવેન્ટ તરીકે સફળતાપૂર્વક પાર પાડી હતી. જિલ્લા તંત્ર અગાઉથી જ સંપર્કમાં રહી જહાજમાંથી ઉતરતા પ્રવાસીઓના લગેજ સાથેનું સેનેટાઇઝેશન અને બસમાં પણ સોશ્યલ ડિસ્ટન્સ સાથે અગાઉથી લિસ્ટ બનાવી પ્લાનિંગ કરવામાં આવ્યું હતું. આ કામગીરી સફળતાપૂર્વક થતા જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીએ સમગ્ર ટીમને અભિનંદન આપ્યા હતા.