વડોદરા સ્થિત ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લીમીટેડ દ્વારા જીયુવીએનએલ તથા તેની સંલગ્ન કંપનીઓ માટે સ્પોર્ટ્સ તેમજ કલ્ચરલ સ્પર્ધાઓનું આયોજન કરાયું હતું. જેમાં પોરબંદર પીજીવીસીએલનાં ત્રણ મહિલા કર્મયોગીએ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે.
રમત ગમત અને સાંસ્કૃતિક વારસાવારસાના જતનમાં ગુજરાત એક આગવી ઓળખ પ્રસ્થાપિત કરી રહ્યું છે. એમાંય મહિલાઓની ભાગીદારી અને યોગદાનને પ્રોત્સાહન આપવામાં આવતા વિશેષ સિદ્ધિઓ મળી રહી છે. આ યાત્રામાં સરકારી કર્મયોગીઓ પણ પાછળ નથી.
ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લીમીટેડ, વડોદરા દ્વારા દર વર્ષે જીયુવીએનએલ તથા તેની સંલગ્ન કંપનીઓ માટે સ્પોર્ટ્સ તેમજ કલ્ચરલ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે. પીજીવીસીએલ, પોરબંદર ખાતે પણ બહોળી સંખ્યામાં મહિલા કર્મચારીઓ ફરજ બજાવે છે, જેમાંથી વર્ષ ૨૦૨૩-૨૪ માં ત્રણ મહિલા કર્મચારીઓએ ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લીમીટેડ, વડોદરા આયોજીત સ્પર્ધાઓમાં પોતાના સામાજિક જીવનની તેમજ પીજીવીસીએલની ફરજ બજાવવા ઉપરાંતનો સમય કાઢીને પોતાનું ઉત્કૃષ્ટ યોગદાન આપી રમતગમત ક્ષેત્રે પરફોર્મન્સ કર્યું છે. આ મહિલા કર્મચારીઓ પ્રથમ ઇન્ટર કંપનીની ટીમમાં અને ત્યારબાદ જીયુવીએનએલની નેશનલ ટીમમાં પસંદગી પામ્યા હતા.
તેઓએ ગત વર્ષ ૨૦૨૩-૨૪ માં ઓલ ઇન્ડિયા ઈલેક્ટ્રીસીટી સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડ(AIESCB) દ્વારા હરિયાણા રાજ્યના કુરુક્ષેત્ર ખાતે આયોજિત ટુર્નામેન્ટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. પીજીવીસીએલ, પોરબંદર ખાતે બજાવતા એચ.કે બરેજા સીનીયર આસીસ્ટન્ટ, તેઓએ ચેસ રમતમાં ટીમ ઇવેન્ટ કેટેગરીમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. તથા જુનીયર આસીસ્ટન્ટ તરીકે વર્તુળ કચેરી, પોરબંદર ખાતે ફરજ બજાવતા એ.એ.બેલીમ કેરમ રમતના ખેલાડી છે, તેઓએ ટીમ ઇવેન્ટ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે. તેમજ જુનીયર આસીસ્ટન્ટ તરીકે કિર્તીમંદિર પેટા વિભાગીય કચેરી, પોરબંદર ખાતે ફરજ બજાવતા જે.એમ.પંડ્યા બેડમિન્ટન રમતના ખેલાડી છે, તેમણે ટીમ ઇવેન્ટ કેટેગરીમાં ચોથું સ્થાન પ્રાપ્ત કર્યું છે.
આમ પોરબંદર જિલ્લામાં નારી વંદન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે પોરબંદર પીજીવીસીએલ વિભાગમાં ફરજ બજાવતા આ ત્રણ મહિલાઓએ પણ તેમની ફરજની સાથો સાથ રમતગમત ક્ષેત્રે મેડલો પ્રાપ્ત કરી પીજીવીસીએલ વિભાગની સાથે પોરબંદરને ગૌરવ પ્રદાન કર્યું છે.