પરમ ભાગવત કથાકાર, પ્રવચનકાર અને શિક્ષણક્ષેત્રના લોકહિતચિંતક પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની દિવ્ય પ્રેરણાથી સાંદીપની વિદ્યાનિકેતન દ્વારા વર્ષ–૨૦૧૪ થી ગુરુપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ શિક્ષણ ક્ષેત્રમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપનારા વિશિષ્ટ સારસ્વતોનું મુખ્ય ત્રણ એવોર્ડ દ્વારા અને એ સાથે જેઓ પ્રાથમિક-માધ્યમિક શાળામાં શિક્ષણમાં નવાચારથી કાર્ય કરે છે એવા ગુજરાતના દરેક જીલ્લામાંથી એક શિક્ષકનું ગુરુ ગૌરવ એવોર્ડ દ્વારા ભાવપૂજન કરવામાં આવે છે.જેમાં આ વર્ષે પણ પૂજ્ય ભાઈશ્રીનના સાન્નિધ્યમાં તા.૧૯-૦૭-૨૦૨૪ થી ૨૦-૦૭-૨૦૨૪ એમ બંને દિવસોમાં અનુક્રમે શૈક્ષણિક રમકડાની પ્રદર્શની, શૈક્ષણિક સંવાદ તેમજ ગુરુ ગૌરવ અવોર્ડ સમારોહ યોજાશે. આ સિવાય તા.૨૧-૦૭-૨૪ના રોજ અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો દ્વારા ગુરુપૂર્ણિમા ઉત્સવ યોજાશે.
શૈક્ષણિક રમકડાની પ્રદર્શની, શૈક્ષણિક સંવાદ અને ગુરુગૌરવ એવોર્ડ સમારોહ
તા. ૧૯-૦૭-૨૪, શુક્રવારના રોજ સવારે ૧૧ થી બપોર પછી 3:૩૦ સુધી સાંદીપનિ વિદ્યાનિકેતનની શ્રી બાબડેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલયમાં ભાવપૂજન માટે ચયનિત થયેલા શિક્ષકો દ્વારા શૈક્ષણિક રમકડાની પ્રદર્શની યોજાશે. અત્રે ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ – ૨૦૨૦માં રમકડા દ્વારા શિક્ષણ એ શિક્ષણમાં રમકડાનો ઉપયોગને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.
તા.૨૦-૦૭-૨૪, શનિવારના પહેલા સત્રમાં સવારના ૯:૩૦ થી ૧૨:૩૦ દરમ્યાન પૂજ્ય ભાઈશ્રીના સાન્નિધ્યમાં મુખ્ય ત્રણ એવોર્ડી મહાનુભાવ પોતાના જીવનના શૈક્ષણિકક્ષેત્રમાં કરેલા કાર્યોના અનુભવ વ્યક્ત કરશે. આ સાથે શ્રીસોમનાથ સંસ્કૃત યુનીવર્સીટી, વેરાવળના કુલપતિશ્રી સુકાંત સેનાપતીજી સત્રના મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહેશે અને પ્રસંગોચિત ઉદ્બોધન કરશે.. બપોરપછીના સત્રમાં 3:૩૦ થી ૬:૩૦ દરમ્યાન પૂજ્ય ભાઈશ્રી અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગુરુ ગૌરવ એવોર્ડ સમારોહ સંપન્ન થશે. જેમાં રાજ્ય શિક્ષણમંત્રી શ્રીપ્રફુલ્લભાઈ પાનશેરીયા, પોરબંદર ધારાસભ્યશ્રી અર્જુનભાઈ મોઢવાડીયા, શ્રીસોમનાથ સંસ્કૃત યુનીવર્સીટીના કુલપતિશ્રી સુકાંત સેનાપતીજી, ભક્ત કવિ નરસિંહ મેહતા યુનીવર્સીટીના કુલપતિશ્રી ચેતનભાઈ ત્રિવેદી તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિ રહેશે.
ગુરુ ગૌરવ એવોર્ડ સમારોહમાં પ્રતિવર્ષ ત્રણ મહાનુભાવોનું વિશેષ એવોર્ડ દ્વારા ભાવપૂજન કરવામાં આવે છે જેમાં.
૧, લાઈફ ટાઇમ એચીવમેન્ટ એવાર્ડ : જેઓએ પોતાનું સંપૂર્ણ જીવન શિક્ષણના ક્ષેત્રમાં વિતાવીને સમાજને ઉત્તમોત્તમ યોગદાન આપ્યું એવા મહાનુભાવ
૨, શ્રેષ્ઠ ગુરુ ગૌરવ એવોર્ડ : એવા એક શિક્ષક કે જેઓએ શાળામાં શ્રેષ્ઠતમ કાર્ય કરીને પોતાની શાળાના વિકાસમાં શૈક્ષણિક પ્રવૃતિઓ અને અન્ય પ્રવૃત્તિઓ દ્વારા નોંધપાત્ર યોગદાન આપ્યું હોય.
૩. ઉત્તમ વિદ્યામંદિર એવોર્ડ ; એક એવું વિદ્યાલય કે શિક્ષણના ક્ષેત્રે ખુબજ શિષ્ટ-વિશિષ્ટ કાર્ય કરેલુ હોય.
આ રીતે આ વર્ષે શિક્ષણક્ષેત્રે અનુપમ કાર્યકરનારા ત્રણ મહાનુભાવોને વિશેષ એવોર્ડથી તેમજ સમગ્ર ગુજરાતના પ્રત્યેક જીલ્લામાંથી એક શિક્ષક કે જેઓએ શિક્ષણમાં રમકડાનો ઉપયોગ દ્વારા ઉત્તમ શિક્ષણ કાર્ય કરાવ્યું હોય એવા ૩૪ શિક્ષકોનુ તથા સંસ્કૃત ભાષા-શિક્ષણમાં જેઓએ અભૂતપૂર્વ યોગદાન આપ્યું છે એવા ૫ શિક્ષકો એમ કુલ ૩૯ શિક્ષકોનું શ્રેષ્ઠ શિક્ષક તરીકે ગુરુ ગૌરવ એવોર્ડથી પૂજ્ય ભાઈશ્રી અને મહાનુભાવો દ્વારા ભાવપૂજન કરવામાં આવશે. મુખ્ય ત્રણ એવોર્ડીઓમાં આ વર્ષે ડૉ.રક્ષાબેન દવે, ભાવનગરને લાઈફટાઇમ એચીવમેન્ટ અવોર્ડથી, શ્રી ઉમાકાન્તભાઈ રાજ્યગુરુ – તળાજાને શ્રેષ્ઠ ગુરુ ગૌરવ એવોર્ડથી તથા તપોવન વિશ્વવિદ્યાલય, ઘુમલી, ભાણવડનું ઉત્તમ વિદ્યામંદિર એવોર્ડથી ભાવપૂજન કરવામાં આવશે.
ગુરુપૂર્ણિમા ઉત્સવ
તા. ૨૧-૦૭-૨૪, રવિવારે ગુરુપૂર્ણિમા વ્યાસપૂર્ણિમાના શુભ અવસરે સાંદીપનિ વિદ્યાનિકેતનના શ્રીહરિમંદિરમાં અનેકવિધ કાર્યક્રમો સાથે ગુરુપૂર્ણિમા મહોત્સવ સંપન્ન થશે. જેમાં શ્રીહરિમંદિરના સર્વે શિખરો પર પૂજાવિધિપૂર્વક નૂતન ધ્વજારોહણ સંપન્ન થશે. ત્યાર બાદ પૂજ્ય ભાઈશ્રી દ્વારા વિધિવત વ્યાસપૂજન કરવામાં આવશે અને એ સાથે પૂજ્ય ભાઈશ્રી અને ઉપસ્થિત ભકતો દ્વારા ગુરુપાદુકાપંચકનો પાઠ સંપન્ન થશે. ગુરુપૂર્ણિમાના વિશેષ અવસરે પૂજ્ય ભાઈશ્રી દ્વારા ગુરુસદુપદેશ પ્રવચન આપવામાં આવશે અને પ્રવચન બાદ ગુરુપૂર્ણિમાના મુખ્ય યજમાન, દેશ-વિદેશથી પધારેલા ભાવિકો અને ઋષિકુમારો દ્વારા સદ્ગુરુપૂજન સંપન્ન થશે.
ગુરુ ગૌરવ એવોર્ડ સમારોહ એટલે શિક્ષકોમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો અવસર – પૂજ્ય ભાઈશ્રી
પૂજ્ય ભાઈશ્રી શ્રીરમેશભાઈ ઓઝા દ્વારા સમાજ ઉત્થાન માટે કથાના માધ્યમ દ્વારા શિક્ષણ, લોકશિક્ષણ તથા સામાજિક શિક્ષણનું કાર્ય દેશ-વિદેશમાં થઇ રહ્યું છે. સાંદીપનિ ગુરુ ગૌરવ એવોર્ડ સમારોહને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ એ નામ પાછળ પૂજ્ય ભાઈશ્રીની મહેચ્છા એવી રહી છે કે શિક્ષણ સાથે ઓતપ્રોત બનીને વિદ્યાયજ્ઞમાં આહુતિ આપનાર શિક્ષક સમુદાય સાંદીપનિમાં એકત્રિત થાય, તેમની સમક્ષ શિક્ષણ જગતના તજજ્ઞો આત્મચિંતન કરે અને ગુરુપૂર્ણિમાના પાવન પર સાંદીપનિ વિદ્યાનિકેતનમાંથી ગુરુનું ગૌરવ પ્રાપ્ત કરી શિક્ષક ભાઈ-બહેનો પોતપોતાના ક્ષેત્રમાં સંલગ્ન બને.
પ્રારંભમાં વર્ષ ૨૦૧૦ થી ૨૦૧૩ સુધી પોરબંદર જીલ્લાના શિક્ષક ભાઈ-બહેનોનું ‘ગુરુ ગૌરવ એવોર્ડ’ અંતર્ગત પૂજ્ય ભાઈશ્રીના કરકમળોથી ભાવપૂજન કરવામાં આવતું હતું. ત્યારબાદ વર્ષ ૨૦૧૪ થી ૨૦૧૮ સુધી સૌરાષ્ટ્ર અને ગુજરાતના અમુક જિલ્લાઓમાંથી શિક્ષકોની પસંદગી કરીને ભાવપૂજન કરવામાં આવતું હતું અને એ ઉપરાંત વિશેષતઃ શિક્ષણના ક્ષેત્રે પોતાનું જીવન સમર્પિત કરનારા ત્રણ મહાનુભાવોનું વિશિષ્ટ એવોર્ડથી સન્માન કરવામાં આવતું હતું. ત્યારપછી વર્ષ ૨૦૧૯ થી દર ગુરુપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ ગુજરાતના તમામ જીલ્લામાંથી ૩૩થી વધુ શિક્ષકોનું તથા ત્રણ વિશેષ મહાનુભાવોનું લાઈફટાઇમ એચીવમેન્ટ એવોર્ડ, ઉત્તમવિદ્યા મંદિર એવોર્ડ તથા શ્રેષ્ઠ ગુરુ ગૌરવ એવોર્ડથી ભાવપૂજન કરવામાં આવી રહ્યું છે.
આ જ ઉપક્રમમાં આ ૨૦૨૪ના વર્ષમાં ગુરુપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ ત્રણ વિશેષ મહાનુભાવોનું ત્રણ વિશેષ એવોર્ડથી ભાવપૂજન કરવાનું છે તેમાં લાઈફટાઇમ એચીવમેન્ટ એવોર્ડથી ડૉ.રક્ષાબેન દવે-ભાવનગર, ઉત્તમ વિદ્યામંદિર એવોર્ડથી તપોવન વિશ્વવિદ્યાલય, ઘુમલી, ભાણવડ અને શ્રેષ્ઠ ગુરુ ગૌરવ એવોર્ડથી શ્રી ઉમાકાન્તભાઈ રાજયગુરુ, તળાજાનું તેમજ ગુજરાતના તમામ જીલ્લાના ૩૮ જેટલા શિક્ષકોનું પૂજ્ય ભાઈશ્રી તથા મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભાવપૂજન કરવામાં આવશે. આ વર્ષે આ સમગ્ર ઉપ્રકમ તા. ૧૯-૦૭-૨૦૨૪ અને ૨૦-૦૭—૨૦૨૪ના રોજ સાંદીપનિ વિદ્યાનિકેતનના સભાગૃહમાં યોજાશે.
લાઈફ ટાઇમ અચીવમેંટ એવોર્ડી – ડૉ.રક્ષાબહેન દવે- ભાવનગર
દ્વિભાષી મુંબઈ રાજની પાટનગર એવી મુંબઈ નગરીમાં આઝાદીના પરોઢે આજથી 6 દશક પહેલાં 8 વર્ષની એક નાની બાળકી કવિતા લખીને તેના પિતાને બતાવી રહી છે. પોતાના વિચારોને વ્યક્ત કરવા માટે કવિતા જેવુ માધ્યમ કરવાની સૂઝ કદાચ આ વિદુષી જન્મજાત લઈને આવી હશે. 15 વર્ષની ઉંમરે જીએ પહેલી વાર પ્રવચન આપ્યું ત્યારે તેનું ગુંજ બીજા અનેક દશક સુધી ગુંજવાની હશે તેની નોંધ કદાચ માં સરસ્વતી સિવાય ભાગ્યેજ કોઈએ લીધી હશે. એક કેવો યોગાનુયોગ કહેવાય કે તેમની જન્મ તારીખ 21 ફેબ્રુઆરી એ વિશ્વ ભાષા દિવસ પણ છે!
આ બાળકી આજે ગુજરાતી ભાષાનું ભાષારત્ન એટલે ડૉ. રક્ષાબેન દવે. 1973 માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી ગોલ્ડ મેડલ સાથે તેઓએ માસ્ટર કર્યું. અને જ્યારે આ દેશમાં નવી શિક્ષણ નીતિ આવી ત્યારે 1986 માં વિદ્યા-વાચસ્પતિની ઉપાધિ મેળવીને વૈધિક શિક્ષણનું ઉચ્ચત્તમ શિખર આરોહિત કર્યું. વળી આ શિખર પર પહોંચીને અન્ય વિદ્યા મીમાંશુઓને ત્યાં પહોંચાડવા માર્ગદર્શક પણ બન્યાં છે.
તેઓની સર્જન યાત્રાની શરૂઆત ‘સૂરજમુખી’ થી કરી. ‘સૂરજમુખી’ ના આમુખમાં મૂર્ધન્ય કવિશ્રી સુંદરમે ‘આધુનિક મીરાં’ કહેલાં. કાવ્ય પુસ્તકો, પ્રવચન પુસ્તકો, વિવેચન પુસ્તકો, બાળ સાહિત્ય, જેવા બહુવિધ સર્જનક્ષેત્રોમાં 80 જેટલાં પુસ્તકો પ્રકાશિત થયાં છે. એમાંય, બાળ સાહિત્યમાં બાળ કવિતાઓ, બાળ વાર્તાઓ અને બાળ નાટકો એમ ત્રણેય ક્ષેત્રમાં તેમનું પ્રદાન તેમની બહુમુખી પ્રતિભાના દર્શન કરાવે છે.
એક શિક્ષણવિદ્ અધ્યાત્મ ક્ષેત્રે ખેડાણ કરે ત્યારે ધાર્મિક ગ્રંથો – વિચારોને સરસ્વતીની પાંખ મળે છે. અને પરિણામે સમાજમાં ગૂઢતા સરળ બને છે. ડૉ. રક્ષાબેને પોતાના સર્જન દરમિયાન ભગવત ગીતા, વિષ્ણુ સહસ્ત્રનામ જેવા વિષય પર વ્યાખ્યાન અને પુસ્તકો પ્રકાશિત થયાં છે. તેઓની આ જ્ઞાન સાધનાને ગિજુભાઈ બધેકા ગોલ્ડ મેડલ, નારસિંહ મહેતા પુરસ્કાર જેવા અનેક પુરસ્કારો દ્વારા સન્માનિત કરેલી છે.
શ્રેષ્ઠ ગુરુ ગૌરવ એવોર્ડ – શ્રી ઉમાકાંતભાઈ રાજ્યગુરુ – તળાજા
ઉમાકાંતભાઈ રાજ્યગુરુ: એક વ્યક્તિની વિદ્યાપીઠ!
‘ઉમાકાંતભાઈ, શું કરો છો?’ કોઈએ ફોન કર્યો.
‘ગુજરાતી અને સંસ્કૃત શીખવું છું’
‘પણ તમે તો નિવૃત થઈ ગયા છો ને?’
‘હા, પણ તે નિકરીમાંથી! શિક્ષક થોડો માટી જાઉ?’
આ છે ઉમાકાંતભાઈ.
ક્યારેક એમ થાય કે હું એકલો છું તો શું કરી શકું? આવ્યા સમયે ઉમાકાંત ભાઈને યાદ કરવા પડે. છેલ્લાં આઠ દાયકાથી એક માણસ સતત મથ્યા કરે, ભાષાને બાળકો કેમ સારી રીતે સમજી શકે, શીખી શકે તે માટે અથાક પ્રયત્ન કર્યા કરે તેવું વ્યક્તિત્વ એટલે ઉમાકાંતભાઈ.
ક્યાંક પાણીની કથરોટમાં હાથ બોળીને છંટકાવ કરીએ ને જેમ પાણીના બિંદુઓ છૂટાં છવાયા વેરાય જાય અને જે ભાત પડે એવો ઘોઘા તાલુકો ઉમાકાંતભાઈનું જન્મ સ્થળ. ‘પરીક્ષા’ ની ખોટી જોડણીના કારણેજેણે એક શિક્ષકની બદલી મોડી કરેલીએવા ભાષાના આગ્રહી સર પ્રભાશંકર પટ્ટણીના ગમે જન્મેલા ઉમાકાંતભાઈમાં પણ ભાષાનો વારસો ઠાંસી ઠાંસીને ભરેલો.
શરૂના દિવસોમાં ‘અધ્યાપન પ્રવીણ’ કરીને પ્રાથમિક શિક્ષક તરીકે વિદ્યાર્થીઓમાં પે’લ પાડવાની પહેલ કરેલી. પણ ભણતરનું ભૂખ હજુ ધરાઇ ન હતી. એટલે ગુજરાતીમાં અને પછી સંસ્કૃતમાં એમ બેવડી અનુસ્નાતકની પડાવી મેળવી. વળી બંને પડાવી જુદી જુદી યુનિવર્સિટીમાં. 12 વર્ષ એટલે એક તપ કહેવાય. ઉમાકાંતભાઈનું પહેલું તપ એટલે પ્રાથમિક શિક્ષક. બાર વર્ષ પછી તેઓ માધ્યમિક શાળાના શિક્ષક તરીકે જોડાયા. જ્યાં તેમણે બે વનવાસ – 28 વર્ષ કાર્ય કર્યું. આ દરમિયાન લગભગ 1200 જેટલાં વિદ્યાર્થીઓ તેમની પાસેથી ભાષા શીખીને ગયા.
ઉમાકાંતભાઈનું બીજું અનેરું પાસું એટલે તેમના આખ્યાનો. ‘કૂવારબાઈનું મામેરું’ અને બીજા અનેક આખ્યાનો આજે આખ્યાન પરંપરાને પુનર્જીવિત કરે છે.
ઉત્તમ વિદ્યામંદિર એવોર્ડ, તપોવન વિશ્વવિદ્યાલય, ઘુમલી, ભાણવડ
બરડા ડુંગરની ધરતીના કોઈક પૂણ્ય હશે કે ત્યાં અનેક વિરલાઓ પકયાં છે. અને આવ્યા વિરલાઓએ ધરતીનું ઋણ ફેડવાં માટે જુદાં જુદાં યજ્ઞ કરેલાં છે. એ પછી માનવ સેવા યજ્ઞ હોય કે, અન્નદાન યજ્ઞ હોય. આવો જ એક યજ્ઞ આજથી બરાબર 21 વર્ષ પહેલાં 21 વર્ષના નવજુવાને બાપીકી 18 વીઘા જમીન વેંચીને શરૂ કરેલો. ‘તપોવન વિશ્વ વિદ્યાલય’ એ આ પુરુષાર્થનું પરિણામ છે. કહે છે કે સપનાંને સાકર કરવા માટે યોગ્ય સમયે જાગવું પડે છે. ભીમશીભાઈ આવા પારકી છઠ્ઠીના જાગતલ. દેશના છેવાડેથી દેશહિત માટે યોગ્ય શિક્ષણ માટે વિચારવું તે સહેલું નથી હોતું. પણ આજે 21 વર્ષનો એ વડલો ઘણાને છાંયડી આપે છે.
પુરુષાર્થ સંકૂલ એટલે 1000 કરતાં વધુ વિદ્યાર્થીઓના તપની ભૂમિ. અહીં સવારે પાંચ વાગે કાર્યનો દિવસ ઊગે છે. યોગ એટલે જોડાવું. અહીં દિવસભારના કામોને ‘યોગ’ શબ્દ વડે પ્રયોજ્યા છે. યોગ, ધ્યાન, શુદ્ધિયોગ, પ્રશિક્ષણ યોગ, આહાર યોગ, વિહાર યોગ, વિશ્રામ યોગ અને નિંદ્રા યોગ! સંસ્થાના તમામ કામો યોગ છે. જોડાણ છે, જીવન અને મનનું, જીવન અને તનનું, અંતે બાળકને જીવનયોગી બનાવીને તૈયાર કરવાની નેમ જો રાખી છેઃ
સવારના પહોરમાં વિદ્યાર્થીઓ યોગ કરીને જીવનમાં શરીર અને મનનું સાયુજ્ય કેળવે છે. આ યોગ એ માત્ર શારીરિક શ્રમ પૂરતાં નથી પરંતુ તેની સાથે મનોદય થાય તે પણ જરૂરી છે. બાળક ઈચ્છે તો તે રમતો પણ રમી શકે છે. ગિજુભાઈ કહેતાં કે શિક્ષણની શરૂઆત શરીર તંદુરસ્તીથી થાય છે. તપોવનમાં શરીર તપ એ દિવસની શરૂઆત છે. મનશુદ્ધિ બાદ તન શુદ્ધિ કરી બાળકો અલ્પાહાર કરે છે. અહીં શિક્ષણ એ પ્રશિક્ષણ છે. એટલે કે બાળક શિક્ષણ મેળવવા માટે જ નહીં પણ તેનો વ્યવહાર સાથે ઉપયોજન કરી તેને લોકોપયોગી બનાવવાનુ સપનું છે. બપોર સુધી શિક્ષણ કાર્ય થાય અને ત્યાર પછી સર્જનાત્મકતાને દૈનિક જીવનનું પાસું ગણેલું છે. સાંજે બાળકો રમે અને રાષ્ટ નિર્માણના પાઠ ભણે. રાત્રે સૂતા પહેલાં પુરાણ, વેદ કે સત્ય ઘટનાઓ વિશે વિડીયો વગેરે જોઈ બીજા દિવસની પ્રતિક્ષામાં નિંદ્રાધીન થાય છે. એક સંપૂર્ણ દિવસનું ક્ષણે ક્ષણનું આયોજન. પૂર્ણતાની દિશાની પહેલ.
આ તપોવનમાં શિક્ષક એટલે સંસ્થાની કરોડરજ્જુ. જેમ શિક્ષણ બાળકેન્દ્રી હોવું જોઈએ એમ સંસ્થા શિક્ષક કેન્દ્રી. શિક્ષકનું વાંચન અને ક્ષિતિજ વિસ્તરે તે માટે સંસ્થા સતત પ્રયત્નશીલ રહે છે. વર્ષે લખો રૂપિયાનું બજેટ કેવળ શિક્ષકોના ક્ષમતા વર્ધન માટે. કોરોનાની મહામારી વખતે તપોવનમાં શિક્ષણની જ્યોત સતત પ્રજ્વલિત રાખનાર શિક્ષકોના ઘરનો ચૂલો લોન લઈને પણ સતત પ્રજ્વલિત રાખેલો. વળી કોરોના કાળમાં વિદ્યાર્થીઓને નિ:શુલ્ક ભણાવેલાં.
આજે 21 વર્ષના વાહણા વાયા પછી ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની એક આખી પેઢી તૈયાર થઈ છે. જે સંસ્થાની મૂડી છે. એવો એકપણ દિવસ ન હોય કે જ્યારે ભૂતપૂર્વ વિદ્યાર્થી ન આવ્યાં હોય. કારણ આ સંસ્થામાં કોઈ વિદ્યાર્થી ભૂતપૂર્વ થતું જ નથી, બધાં અભૂતપૂર્વ હોય છે! અહીંથી ઇસરોના સાયન્ટિસ્ટ તૈયાર થયાં છે, શિક્ષકો તૈયાર થયાં છે, ફૌજી તૈયાર થયાં છે ને ખેડૂતો પણ તૈયાર થયાં છે.