પોરબંદરના ઘેડ પંથક માં ચણા નું વાવેતર કરવામાં આવે છે. ત્યારે ગઈકાલે તા 10 થી ટેકા ના ભાવે ચણા ની ખરીદી નો પ્રારંભ કરાયો છે. જીલ્લા માં ટેકાના ભાવે ચણા ના વેચાણ માટે ૧૧૬૪૮ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.
પોરબંદર જિલ્લામાં મગફળી અને ચણાના પાકનું ઉત્પાદન મોટાપ્રમાણમાં થાય છે. તેમાં પણ શિયાળાની ઋતુમાં ઘેડ પંથક માં ચણાના પાકનું મોટા પ્રમાણમાં વાવેતર થાય છે. આ વર્ષે પણ જીલ્લા માં ૪૫ હજાર હેકટરમાં ચણાનું વાવેતર નોંધાયું છે. સરકાર દ્વારા ચણાની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે. આ વર્ષે પણ ટેકાના ભાવે ખરીદીનું આયોજન કર્યુ છે. જેમાં કુતિયાણા તાલુકામાં ૫૮૬૮, પોરબંદર તાલુકામાં ૪૫૮૩ અને રાણાવાવમાં ૧૧૯૭ ખેડૂત મળી કુલ ૧૧૬૪૮ ખેડૂતોએ ટેકાના ભાવે વેચાણ માટે રજીસ્ટે્રશન કરાવ્યું છે.
ગત વર્ષે જિલ્લામાંથી ૧૦૦ કરોડ ઉપર ચણાની ખરીદી સરકારે કરી હતી. તાલુકા સંઘનાં પોપટભાઇએ જણાવ્યું હતું કે એક ખાતા દીઠ ૧૨૫ મણ ચણાની ખરીદી કરાશે. ૨૦ કિલો ચણાનો ભાવ ૧૦૬૭ નકકી કરાયો છે. ખેડૂતોને એસએમએસ તથા કોલ કરી ને મારફત ખરીદી સેન્ટર ઉપર બોલાવવામાં આવશે. ખેડૂતોએ પોતાનો પાક સાફ-સફાઇ કરી રાખવા અપીલ કરાઇ છે. યાર્ડ ખાતે પૂર્વ ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા, જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઇ મોઢવાડીયા સહિત વિવિધ અગ્રણીઓ ની ઉપસ્થિતિ માં ટેકા ના ભાવે ચણા ની ખરીદી નો પ્રારંભ કરાયો છે.
ઉલ્લેખનીય છે કે ચણા નું સૌથી વધુ વાવેતર ઘેડ પંથકમાં થાય છે. તેનો મુખ્ય કારણ ચોમાસાની ઋતુમાં નદીઓનાં અને ડેમોના પાણી ઘેડ પંથકમાંથી થઇને દરીયામાં ભળે છે. પરંતુ ઘેડ પંથકમાં આ પાણી લાંબો સમય સુધી રહેતો હોવાથી મોટા પ્રમાણમાં ચણાના પાકનું ઉત્પાદન થાય છે. આ વિસ્તારનાં ખેડૂતો એક જ મૌસમ લઇ શકે છે.
