જુનાગઢથી ઘર છોડી એસટી મારફત દ્વારકા જતા ૧૪ વર્ષના કિશોરને એસ.ટી.ના સ્ટાફે તેના પરિવારને સોપ્યો હતો.
જુનાગઢ એસ.ટી.ડેપોમાં કંડકટર તરીકેની ફરજ બજાવતા એન.કે. ભારાઈની ડયુટી જુનાગઢ પોરબંદર – દ્વારકાના રૂટમાં હતી. તે બસ માં ૧૪ વર્ષનો કિશોર પણ જુનાગઢથી દ્વારકા જવા માટે બેઠો હતો. બસ કુતિયાણા નજીક પહોંચી તે અરસામાં જી.એસ.આર.ટી.સી.ના એક વ્હોટસઅપ ગ્રુપમાં એક કિશોર ઘરેથી કોઈને કહ્યા વગર ભાગી ગયો હોવાના અને જો કોઈ ને મળે તો તેના પિતાને જાણ કરવાની વિનંતિ વાળો મેસેજ આવ્યો હતો. આ મેસેજમાં તે કિશોરનો ફોટો જોયા પછી કંડકટર ભારાઈને તેની બસમાં મુસાફરી કરી રહેલા કિશોર ઉપર શંકા જતા તેણે નામ સરનામા વિશે પુછપરછ કરી હતી. પરંતુ કિશોરે ગોળ ગોળ જવાબ આપી સાચી હકિકત દર્શાવી ના હતી.
આથી બાળક ખોટુ જ બોલે છે તે બાબત પાક્કી થતા કંડકટર ભારાઈએ પોરબંદર ડેપોના એ.ટી. આઈ એચ.આર.ઓડેદરાને આ બાબતથી વાકેફ કર્યા હતા. ઓડેદરા પણ એ સમયે કુતિયાણા થી પોરબંદર ડેપો ખાતે પોતાની ફરજ પર આવતા હતા. આ બસ કુતિયાણાના બસ સ્ટેન્ડમાં પહોંચી ત્યારે મુસાફરોની ચડ ઉતરમાં આ બાળક કંડકટરનું ધ્યાન ચુકવીને છટકી ગયો હતો. આથી ઓડેદરાએ તે બાળકની શોધખોળ કરતા બસ સ્ટેન્ડથી થોડે દુરના વિસ્તારમાંથી બાળક મળી આવ્યો હતો. આથી તેના વાલીને ઓળખ માટે વીડિયો કોલિંગથી વાત કરતા વાલીએ બાળક તેનું હોવાનું જણાવતા ઓડેદરાએ કમલાબાગ પોલીસ સ્ટેશને આ બાબતની જાણ કરી હતી.
અને એસ.ટી. ડેપો મેનજર પી.બી. મકવાણાની રૂબરૂમાં આ બાળકનો તેના વાલી સાથે મિલાપ કરાવ્યો હતો પોતાની ફરજ બજાવી એક પરિવારના મિલનની આ અદભુત ક્ષણોના યશભાગી બની પોરબંદર ડેપોનું ગૌરવ વધારવા બદલ વિભાગીય નિયામક રાવલ, ડેપો મેનેજર મકવાણા આસી.ટ્રાફિક ઇન્સ્પેક્ટર એચ.એમ.રૂઘાણી, ટી.આઈ. એસ.જે.કડછા તથા ડેપોના સમગ્ર કર્મચારીઓએ એ.ટી.આઈ ઓડેદરા તેમજ કંડકટર . ભારાઇને અભિનંદન પાઠવ્યા હતા.