પોરબંદરના બખરલા ગામે દોઢ વર્ષ પૂર્વે પાણી ની નહેર કાઢવાના મનદુઃખ માં ખેડૂતની ફાયરીંગ કરી હત્યા થઇ હતી. જે મામલે પોલીસે હત્યા માં વપરાયેલ હથીયાર આપનાર ને દોઢ વર્ષ બાદ ગોધરા ખાતે થી ઝડપી લીધો છે.
પોરબંદરના બખરલા ગામે જેઠાવાળી સીમ વિસ્તારમાં રહેતા ખીમાભાઈ ગીગાભાઈ ખુંટી ખેતરમાં સિંચાઈ માટે પાણીની પાઇપલાઇન જમીનની અંદર નાખી રહ્યા હતા. આ પાઇપલાઇન નાખવા માટે પડતર જમીનમાં નહેર ખોદવામાં આવી હતી. આ નહેર ગામ માં જ રહેતા અરજન નરબત ખુંટીએ જે.સી.બી. દ્વારા બુરાવી દીધી હતી. આથી આ અંગે ખીમાભાઈ (ઉવ ૬૦)અને તેનો ભત્રીજો અરજનની વાડીએ સમજાવવા માટે ગયા હતા. જે દરમ્યાન ઉશ્કેરાયેલા અરજને તેની પાસે રહેલ દેશી બનાવટ ની પિસ્તોલ વડે 6 થી 7 જેટલા રાઉન્ડ ફાયરીંગ કર્યા હતા.
જે ફાયરીંગમાં કિશોરને પગના ભાગે ગોળી લાગી હતી. જયારે ખીમાભાઈને એક ગોળી છાતીના ભાગે લાગતા તેઓ ત્યાં જ પડી ગયા હતા અને ઘટના સ્થળે જ તેનું મોત થયું હતું. જે મામલે પોલીસે તે સમયે ખીમાભાઈ ની હત્યા અંગે ગુન્હો નોંધી આરોપી અરજન ની ધરપકડ કરી હતી. અને દેશી બનાવટ ની પિસ્તોલ અંગે પુછપરછ કરતા આ પિસ્તોલ તેને પરપ્રાંતીય શ્રમિક સુનીલ બાબુભાઈ શિંગાડ (રે મહુડીપાડા ,હિમતગઢ,મધ્યપ્રદેશ)નામના શખ્શે આપી હોવાની કબુલાત આપી હતી. આથી પોલીસે તેના વિરુધ પણ ગુન્હો નોંધ્યો હતો. પરંતુ સુનીલ દોઢ વર્ષ થી નાસતો ફરતો હતો ગઈકાલે પેરોલ ફર્લો સ્કવોડ ને બાતમી મળી હતી કે સુનીલ ગોધરા ખાતે છે આથી પોલીસ તુરંત ત્યાં દોડી ગઈ હતી અને સુનીલ મળી આવતા તેની ધરપકડ કરી પોરબંદર લાવી વધુ પુછપરછ હાથ ધરી છે.