પોરબંદરના સીમર ગામની શ્રી શારદા વિદ્યામંદિર હાઇસ્કુલના આચાર્ય દ્વારા રજુ થયેલી કૃતિ રાજ્ય કક્ષાના ઇનોવેશન ફેસ્ટિવલ માટે પસંદગી પામી છે.
દર વર્ષે ગુજરાતની શાળાઓમાં કંઈક અલગ રીતે- કાંઈક નવીનતમ ,બાળ વિકાસ માટે ઉપયોગી થાય તેવા ઇનોવેશન કરતા ઇનોવેટિવ ટીચરો માટે GCERT ગાંધીનગર દ્વારા ઇનોવેશન ફેર નું આયોજન જિલ્લા કક્ષાએ અને ત્યારબાદ રાજ્ય કક્ષાએ કરવામાં આવે છે.
આવું જ આયોજન પોરબંદર જિલ્લા માટે શ્રી રામબા ડાયેટ દ્વારા પટેલ વિદ્યાર્થી આશ્રમ મુકામે તારીખ 9 અને 10 જાન્યુઆરીના રોજ યોજાઇ ગયું હતું.
સૌપ્રથમ આ ઇનોવેશન ફેરમાં પોરબંદર જિલ્લાના 50 જેટલા શિક્ષકોએ કૃતિઓ રજૂ કરી હતી. જેમાં શારદા વિદ્યામંદિર હાઇસ્કુલ સીમરના આચાર્ય ધવલભાઈ ડી. ખુંટી દ્વારા પણ પોતાની કૃતિ ‘Let’s enjoy science with activity’ રજૂ કરવામાં આવી હતી.
સીમર હાઈસ્કૂલના આચાર્ય દ્વારા રજુ થયેલી આ કૃતિએ જિલ્લા કક્ષાના ઇનોવેશન ફેસ્ટિવલમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. શાળામાં વિજ્ઞાન શિક્ષક અને વિદ્યાર્થીઓ દ્વારા વિજ્ઞાનને લગતી જુદી જુદી પ્રવૃત્તિઓથી વિદ્યાર્થીઓ વિજ્ઞાનમાં રસ લેતા થાય તેમ જ સાયન્સ સેમીનાર અને સાયન્સને લગતી પ્રવૃત્તિઓમાં જિલ્લા કક્ષાએ, રાજ્યકક્ષા અને રાષ્ટ્ર કક્ષાએ ભાગ લેતા થાય તેમજ વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસમાં વધારો થાય તેવા પરિણામો સાથેની આ કૃતિ એ જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું.
શાળાના આચાર્ય ધવલભાઈ, વિજ્ઞાન શિક્ષક કેશુભાઈ ઓડેદરા તેમજ બાળકોના સહિયારા પ્રયાસોને કારણે આવી પ્રવૃત્તિઓથી સીમર હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય બાળવિજ્ઞાન પરિષદમાં રાજ્ય કક્ષા અને રાષ્ટ્ર કક્ષા સુધી પહોંચી શક્યા છે. આગામી તારીખ 26 થી 28 ના રોજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ઇડર ખાતે રાજ્યકક્ષાના ઇનોવેશન ફેસ્ટિવલમાં આ કૃતિ રાજ્ય કક્ષાએ પોરબંદર જિલ્લાના માધ્યમિક શાળાનું પ્રતિનિધિત્વ કરશે . આ સિદ્ધિ બદલ શાળાના આચાર્ય તેમજ સમગ્ર શાળા પરિવાર અને વિદ્યાર્થીઓને ટ્રસ્ટના પ્રમુખ વી.ડી. કારાવદરા, જિલ્લા શિક્ષણ અધિકારી કણસાગરા,પ્રચાર્ય ડાયેટ રાઠોડ ,જિલ્લા ઇનોવેશન સેલના કોર્ડીનેટર યુ. ડી. મહેતા ,ટ્રસ્ટના અન્ય ટ્રસ્ટીગણ, ગામના સરપંચ અને વાલીગણે ખૂબ જ શુભેચ્છાઓ પાઠવી છે.
