પોરબંદર સ્થિત ડો. વી.આર.ગોઢાણીયા કોલેજ કેમ્પસ ખાતે ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ના વિદ્યાર્થીઓ માટે તણાવ મુક્ત પરિક્ષા કઈ રીતે આપવી તે માટે શિબિર યોજાઈ હતી. જેમાં જિલ્લા કલેકટર અશોક શર્માએ વિદ્યાર્થીઓ સાથે મોકળા મને સંવાદ કરી પરીક્ષાનો ભય દૂર કરવા માટે સફળતાની ટીપ્સ આપી હતી.
કલેક્ટર અશોક શર્માએ આ તકે વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરતા જણાવ્યું હતું કે, પરીક્ષામાં આવેલા માર્ક તમારા વ્યક્તિત્વની પારાશીશી નથી. મને પણ બોર્ડમાં સારા માર્ક્સ આવ્યા ન હતા તેમ છતાં મહેનતથી હું આજે સારા પદ પર ફરજ બજાવું છું. વિદ્યાર્થીઓએ ગોખણપટ્ટી કરવી જોઈએ નહીં, વિષય સમજીને અભ્યાસ સાથે મનન અને શ્રવણ કરવું પણ ખૂબ જરૂરી હોય છે. લખવાની ટેવ પાડવાની સાથે બુલેટ પોઇન્ટ પણ બનાવવા જોઈએ. વિદ્યાર્થીઓએ મોબાઈલનો ઉપયોગ ફક્ત ને ફક્ત શૈક્ષણિક હેતુ માટે જ કરવો જોઈએ.
આ સાથે કલેકટરે નિષ્ફળતા મળ્યા પછી સફળ થયેલા વૈજ્ઞાનિકો, ચિંતકોના ઉદાહરણો આપી નિષ્ફળતા મળે તો આનંદ સાથે શીખતા રહેવા અનુરોધ કર્યો હતો. નિષ્ફળતાથી ડરવું નહીં પણ સફળતા માટેનો સંકલ્પ કરવા અપીલ કરી જીવનમાં આવતા પડકારોને ઝીલી આગળ વધવું જોઈએ તેમ કહ્યું હતું. આ સાથે જ જે વિદ્યાર્થીઓમાં પરીક્ષાનો ડર હોય તેવું સાથે રૂબરૂ પ્રશ્નોત્તરી દ્વારા વિદ્યાર્થીઓના પ્રશ્નોનું નિરાકરણ કરી સફળતાની ટીપ્સ આપી બોર્ડની પરીક્ષામાં પોરબંદર જિલ્લાનું સો ટકા પરિણામ આવે તેવી આશા વ્યક્ત કરી હતી.
શિબિરમાં ઉપસ્થિત જિલ્લા શિક્ષણ અધિકારી કે.ડી.કણસાગરાએ વિદ્યાર્થીઓને ભાઈ મુક્ત બની પરીક્ષા આપવા અનુરોધ કરી શૈક્ષણિક પરીક્ષાઓ જીવનની અંતિમ પરીક્ષા નથી હોતી તેમ કહ્યું હતું. ગોઢાણિયા બી.એડ.કોલેજના ડાયરેકર અને કેળવણીકાર એ.આર.ભરડા ભાઈએ વિદ્યાર્થીઓને કહ્યું કે, મહાપુરુષોના જીવન ચરિત્રો અને ઈતર વાંચન માણસને તણાવ મુક્ત બનાવે છે. ફક્ત મહેનત જ આગળ વધવાનો એક માત્ર માર્ગ છે. ડર વગર પરીક્ષાઓનો સામનો કરી આગળ વધવા કહ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ની પરીક્ષામાં ઘણા વિદ્યાર્થીઓ નાસીપાસ થઈ જતા હોય છે. ત્યારે કોઈ વિદ્યાર્થી નાસીપાસ થઈને અવળું પગલું ન ભરે તે માટે રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ અવારનવાર શાળા કોલેજોમાં શિબિરો યોજાતી હોય છે. ડો. વી. આર.ગોઢાણિયા કોલેજ કેમ્સ ખાતે યોજાયેલ તણાવ મુક્ત પરીક્ષા શિબિરમાં અલગ અલગ સ્કૂલના ઘો. ૧૦ અને ઘો ૧૨ ના વિદ્યાર્થીઓ તથા શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.




