Monday, September 26, 2022

|| तुम रक्षक काहू को डरना ||

આજે શિક્ષક દિન:પોરબંદરના કલેકટરે જિલ્લાના તમામ શિક્ષકોને શિક્ષકદિન નિમિતે પત્ર અને ઓડીયો મોકલ્યો

આજે તા. ૫ ના રોજ શિક્ષક છે. ત્યારે પોરબંદરના જિલ્લા કલેકટર અશોક શર્માએ જિલ્લાના તમામ શિક્ષકોને શિક્ષક દિનની શુભકામનાઓ પાઠવતો પત્ર અને ઓડીયો મોકલ્યો છે. ભગવાનના સ્વરૂપ એવા બાળકોના આદર્શ જીવનના ઘડતર તથા શિક્ષણ સાથે સાથે જીવનલક્ષી શિક્ષણ બાળકોને મળી રહે તે માટે સતત ફરજબધ્ધ કર્મયોગીઓને પાઠવેલો સંદેશો નીચે મુજબ છે.

આત્મીય શિક્ષક ભાઇ/બહેન,
શિક્ષક દિને સાદર વંદન!
આજનો દિવસ શુભ છે, અવિસ્મરણીય અને અત્યંત પ્રેરણાદાયી છે. કારણ કે કોઇપણ માણસના જીવનમાં માતાપિતા સાથે જ ગુરુનું સ્થાન સર્વોચ્ચ આદરપાત્ર છે. તૈત્તિરીય ઉપનિષદના દિક્ષાંત પ્રવચનમાં ‘માતૃદેવો ભવ’ અને ‘પિતૃદેવો ભવ’ સાથે જ ‘આચાર્યદેવો ભવ’નો મંત્ર છે. એક બાજુ ગુરુને દેવ સમાન પૂજ્ય ગણવા આદેશ આપે છે, તો બીજી બાજુ શિક્ષકને દેવતા જેવા જ્ઞાન-ગુણ સભર બનવા આહ્વાન કરે છે. આમ ‘ગુરુ’ શિર્ષક ગૌરવવંતું સન્માન છે અને એક મોટી જવાબદારી પણ છે, ખરું ને?
આજે પણ કોઇપણ મોટા સત્તાસ્થાને બિરાજેલી કે સમૃદ્ધ વ્યક્તિ પોતાના ગુરુદેવને જોઇને નિ:સંકોચ વંદન કરે છે. પોતાના વિદ્યાર્થીને સફળ અને સુખી જોઇને શિક્ષકનું હૃદય ગદગદ થઇ ઉઠે, તેમાં નવાઇ શી? બન્નેની આંખના ખૂણા અનાયાસ ભીના થઇ ઉઠે! આ વાત ગુરુ અને છાત્ર વચાળે બંધાતા નિર્દોષ અને પવિત્ર સંબંધનો બોલતોપુરાવો છે. આપને પણ આવો અનુભવ થયો હશે કે અવશ્ય થશે. મારા મનની એક વાત કહું, મિત્ર? જીવન-સાફલ્યની આવી મંગળ ઘટના મમળાવવાનો આ દિવસ છે.

આધુનિક સમયને નૉલેજ એજ અથવા જ્ઞાનયુગ કહે છે. જે દેશ જેટલો જ્ઞાનવાન એટલો જ એ સમર્થ. એટલે જ્ઞાની અને નિષ્ઠાવંત શિક્ષક મહાન રાષ્ટ્રના ઘડવૈયા છે. આજે જ્યારે ભારત વિશ્વનું સહુથી યુવા રાષ્ટ્ર છેત્યારે દરેક નાગરિક સુશિક્ષિત, શિસ્તબદ્ધ અને સમર્થ બને એ આપણું કર્તવ્ય છે. કઠોપનિષદનો યુવા-મંત્ર ટાંકીને સ્વામી વિવેકાનંદ કહેતા, “युवास्यात्साधु: युवाध्यायक: आशिष्ठो दृढिष्ठो बलिष्ठ:”! આદર્શ યુવા કેવા હોય? સાધુ એટલે સંસ્કારી હોય, નવું નવું શીખવાની જિજ્ઞાસા ધરાવતા હોય, શિસ્તબદ્ધ હોય, શરીરથી ખડતલ અને મનથી દૃઢ હોય! આવા યુવા કોઇપણ દેશની અણમોલ ધરોહર છે. આપણી શાળા અને આપણો વર્ગખંડ આ પાંચ લક્ષણોને વિદ્યાર્થીના જીવનમાં ઉતારવાની કાર્યશાળા બની રહો. આચાર્ય શબ્દમાં આચારનિષ્ઠાનો ભાવ છે. ગુરુ જેવું વિચારે, બોલે અને કરે;તેવું જ વિચારે, બોલે અને કરે છાત્ર!એ અર્થમાં આ પાંચ ગુણો જાતે કેળવીએ અને વિદ્યાર્થીઓમાં ઉતારીએ.મહાન વૈજ્ઞાનિક ડૉ.આલ્બર્ટ આઇન્સ્ટાઇન કહેતા કે Best way of educating is to be an example – તમારે જે ગુણો વિદ્યાર્થીમાં ખીલવવા હોય તેના સારુ જાતે ઉદાહરણ બનો!

કેટલાક વ્યવહારુ આયામો જોઇએ, વારુ? સૌ પહેલી શિસ્ત એટલે સમયપાલન. આપે પેલી કહેવત સાંભળી જ હશે કે Time & Tide wait for none!સમય અને સાગરનું મોજું કોઇની રાહ જોતું નથી. શાળાની દરેક પ્રવૃત્તિ ચુસ્ત સમયસારણી મુજબ થાય. વિદ્યાર્થીઓમાં એક એક ક્ષણને દાંતથી પકડવાની ટેવ પાડવામાં જો આપણે સફળ રહ્યા તો ઘણું મોટું કામ કરી શકાય. પોતે વાવેલ પાકને નુકશાન કરતા એક એક નિંદામણને કુશળ ખેડૂત જેમ પોતાના ખેતરમાંથી ખેંચી કાઢે તેમ એક એકનબળાઇનેહાંકી કાઢીએ. તે પછી અસ્વચ્છતા હોય કે અવ્યવસ્થા હોય. મને એક સરસ રૂપક યાદ આવે છે. જેમ એક કુંભકાર એક હથેળીથી માટલાને અંદરથી ટેકો આપે અને બીજા હાથે બહારથી ટપારીને મજબૂત બનાવે તેમ શિક્ષકે વિદ્યાર્થીના વ્યક્તિત્વને ઘડવાનું છે. એક આંખમાં અમી અને બીજી આંખમાં શિસ્તની લગામવાળું આદર્શ માતાનું સ્વરૂપ શિક્ષકને સચોટ રીતે બંધ બેસે છે.

સંપ, સહકાર અને સેવાનાં ઉપવનમાં ભેદભાવ,ઇર્ષ્યાઅને દ્વેષ જેવા કાંટા શોભે ખરા? યાદ રાખીએ કે બચપણમાં જ સાચું બોલવાની અને સારું કરવાની જેને ટેવ પડે તે વ્યક્તિ ક્યારેય પાછી પડતી નથી. શાળા તો સમાનતા, સ્વતંત્રતા અને બંધુતાના લોકશાહી મંત્રોને આત્મસાત્ કરવાની વ્યાયામશાળા છે. નાતજાત કે લૈંગિક ભેદભાવો ભૂલીને સાથે ભણતા, રમતા અને જમતા બાળકોનું દર્શન બાળકૃષ્ણના સાક્ષાત્ દર્શન સમું આહ્લાદક છે! આવા દેવદુર્લભ કાર્યના આપ અધિકારી છો, તે શું ઓછા ગૌરવની વાત છે?

મને કોઇ પૂછે કે જીવનમાં મોટામાં મોટો આનંદ ક્યો? કોઇ સંકોચ વગર કહીશ કે ‘વિસ્મય’નો આનંદ સર્વશ્રેષ્ઠ છે. આપ માનશો? દરેક બાળક વિસ્મયની વિરાસત લઇને આવે છે. ઉદાહરણ તરીકે, મેઘધનુષ્યના કે પતંગિયાને જોઇ બાળકની આંખોમાં વિસ્મયનો દીવો કેવો ટમટમી ઉઠે છે! આપણે પણ આ બધું અનુભવ્યું છે પણ જેમ મોટા થઇએ તેમ તેમ વિસ્મયનો આનંદકોષ ઘટતો જાય. શિક્ષક મિત્રો, જો આપણી શાળા, વર્ગખંડ, પ્રયોગશાળાકે પ્રવાસ-પર્યટન વિસ્મયની ખીલવણીનાં આયામો બની રહે, તો કમાલ થાય.
બાળકોને સવાલ પૂછવા દો. કોઇ સવાલ મૂર્ખ કે અર્થહીન નથી. એ તો જિજ્ઞાસાની પાવન વેદી છે, જેના પર આપણે શિક્ષણનો મહાયજ્ઞ સંપન્ન કરવાનો છે. વર્ગખંડ જેટલો ક્રિયાશીલ અને ગતિશીલ એટલું ઘનિષ્ઠ શિક્ષણ. એવું જ અગત્યનું છે, શિક્ષણનું પ્રવૃત્તિલક્ષી હોવું.દા.ત. ઊર્મિગીતો વાંચીને ભણી શકાય ભલા? એ તો તનમનને ઝણઝણાવી દેતા તાલથી જ ભણાય! મને યાદ છે કે હાઇસ્કૂલમાં મારા ગુજરાતીના શિક્ષક વર્ગખંડમાં મહારાણા પ્રતાપ અને વીર ભામાશાનું નાટક ભજવતા. અમે તેમાં જુદા જુદા પાત્રો બનતા અને સંવાદો બોલતા. તેની અમારા માનસ પર એવી પ્રબળ અસર થતી કે દિવસો સુધી આ નાટકનાં પાત્રોનાં સપનાં આવતાં!
આપણી શાળાના વર્ગખંડ જેટલું જ મહત્ત્વ પ્રાર્થનાસભા, રમતગમતના મેદાન, પુસ્તકાલય, પ્રયોગશાળા કે કૉમ્પ્યુટર લેબનું છે. આ બધી તો વિદ્યાર્થી માટે મનગમતી જગ્યા હોવી જોઇએ. પ્રત્યેક વિદ્યાર્થીને પ્રવૃત્તિમાં ભાગ લેવા પ્રેરણા આપીએ. જો કે આ દરેક પ્રવૃત્તિમાં આવડત કે કૌશલ્ય જેટલું જ મહત્ત્વ સહભાગીતા, ખેલદીલી અને ટીમવર્કને અપાવું જોઇએ. વાસ્તવમાં તે વ્યક્તિત્વ ઘડતરનાં ટાંકણાં છે. જે ભવિષ્યમાં ખૂબ અગત્યનાં બની રહેવાનાં છે.

આપણો સમાજ ગુણગ્રાહી છે. એટલે જ શિક્ષકના પ્રદાનને વધાવવા ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિને આપણે ગુરુવંદના કરીએ છીએ. આજે જે શિક્ષક ભાઇબહેનોના વિશિષ્ઠ પ્રદાન બદલ સન્માન થયું છે, તેમને અભિનંદન. જો કે આદર્શ ગુરુને એટલી વાતથી સંતોષ હોય છે કે તેના છાત્ર સંસ્કારી, સમર્થ, સફળ અને સુખી છે. આત્મસંતોષથી મોટું કોઇ ફળ નથી. ‘મારું કાર્ય મહાન છેઅને એ હું પૂરી નિષ્ઠાથી કરીશ’ સંકલ્પ પોતે જાતને અર્પેલું મોટામાં મોટું બહુમાન છે.
વહાલી શાળાને છોડતી વેળા દીક્ષાંત વિદ્યાર્થી અથવા સેવાનિવૃત્તિ સમયેકોઇ સમર્પિત શિક્ષક શરીરનો અદકેરો અંશ છૂટો પડવાની વેદના અનુભવીને રડી પડેત્યારે આપણું મીશન સફળ થયું છે, તે લાગ્યા વગર રહેતું નથી. આવી સફળતા અને સાર્થકતાની સહુને હાર્દિક શુભકામના અને રાષ્ટ્રનિર્માણના મહાકાર્યમાં અમૂલ્ય પ્રદાન બદલ ઋણ-સ્વીકાર!
આપનો આત્મીય,
અશોક શર્મા

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે