બળેજ ગામે તા.પં ના મહિલા સદસ્ય ના પતી એ પથ્થરની ખાણમાં મશીન પકડાવ્યા હોવાની શંકા રાખી 3 શખ્સો એ તેના પર હુમલો કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
બળેજ ગામે રહેતા અને તાલુકા પંચાયત ના મહિલા સદસ્ય હીરીબેન દાસા ના પતી હરદાસભાઈ ઓધડભાઈ દાસા(ઉવ ૬૨)એ માધવપુર પોલીસ મથકમાં નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તા 12 ના બપોરે વાગ્યે માલદે ભુરા પરમારે ફોન કરી થોડું કામ હોવાનું જણાવી તેઓને ખોડીયાર હોટલે બોલાવતા તેઓ ત્યાં ગયા હતા જ્યાં માલદે એ “અમારી ખાણમાં ચાલતા મશીનો તમે પકડાવ્યા છે” તેમ કહેતા હરદાસભાઈ એ આ બાબતે પોતાને કઈ ખબર ન હોવાનું જણાવ્યું હતું આથી માલદે તે તેના બીજા પાર્ટનર દિલીપ સાથે વાતચીત કરવાનું કહેતા તેઓ માલદેની કારમાં બેસીને ગોરસર ટોલનાકા થી નાગબાઈ મંદિર તરફ જતા રસ્તે બંધ ઓરડી હતી ત્યાં ગયા હતા.
ત્યા બળેજનો ગાંગા કારા કડછા હાથમાં લાકડાનો ધોકો લઇ ને દિલીપ કરસન પરમાર મંડેર વાળો તથા રણજીત ઉર્ફ રાણીઓ હાજા કડછા કડછ વાળો સાથે ત્યાં આવ્યો હતો અને ગાંગા એ “તમારી અમારી ખાણો તમે પકડાવેલ છે” તેમ કહેતા હરદાસભાઈ એ ખાણો પકડાવી ન હોવાનું કહેતા તે ઉશ્કેરાઈને ગાળો બોલવા લાગ્યો હતો અને ધોકા વડે હરદાસભાઈ પર હુમલો કર્યો હતો એ દરમિયાન દિલીપ અને રણજીતે પણ ગાળો કાઢી ઢીકા પાટુનો માર માર્યો હતો. દરમ્યાન માલદે એ વચ્ચે પડીને છોડાવ્યા હતા અને કારમાં જ બેસવા જતા હતા ત્યારે ત્રણેય શખ્સો એ તેઓને મારી નાખવાની ધમકી આપી હતી ફરિયાદમાં એવું જણાવ્યું છે કે બળેજમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા રેડ કરવામાં આવી હતી જેમાં ગાંગા અને દિલીપ કરસનના મશીન પકડાયા હતા જેનું મનદુઃખ રાખીને બનાવ બન્યો હોવાનું જણાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.