પોરબંદરના બોખીરા વિસ્તારમાં બનાવાયેલી આવાસ યોજનામાં વધુ એક ફ્લેટમાં વહેલી સવારે સ્લેબનો કેટલોક ભાગ ધરાશાયી થયો હતો. જો કે બનાવ વખતે મહિલા બાથરૂમમાં હોવાથી કોઈ ઈજા થઇ ન હતી.
પોરબંદર ના બોખીરા વિસ્તાર માં બીએસયુપી યોજના હેઠળ શહેરી ગરીબો માટે ૨૪૪૮ આવાસ નું નિર્માણ કરાયું છે. જેમાં ૨૦૦૦ થી વધુ આવાસ ની ડ્રો કરી ફાળવણી પણ કરવામાં આવી છે. પરંતુ આ આવાસ યોજના ના મકાન બનવાના શરુ થયા ત્યાર થી જ તેના નબળા કામ ને લઇ ને વિવાદ માં રહ્યા છે. અને અવારનવાર આવાસ ના સ્લેબ માંથી પોપડા ખરવાના બનાવ પણ બનતા રહે છે.
ત્યારે આવાસ યોજનાના બિલ્ડીંગ નં-૪૬ ના બ્લોક નં ૪૭ માં રહેતા અને બંદર વિસ્તારમાં પાનનો વ્યવસાય કરતા મનોજભાઈ જુંગીના ફ્લેટમાં વહેલી સવારે ૫:૩૦ વાગ્યા આસપાસ અચાનક જ સ્લેબ નો કેટલોક ભાગ ધરાશાયી થયો હતો. સદભાગ્યે તેમના પત્નીને અષાઢીબીજની શોભાયાત્રામાં જવાનું હોવાથી વહેલા ઊઠ્યા હતા. અને તેઓ બાથરૂમમાં હતા. ત્યારે સ્લેબ ધરાશાયી થતા તેઓને કોઈ ઈજા થઇ ન હતી.
મનોજભાઈએ જણાવ્યું હતું કે એક વર્ષ પહેલા પણ આ રીતે જ ફ્લેટના બીજા રૂમમાં સ્લેબ ધરાશાયી થયો હતો. ત્યારે અને આ વખતે પણ ઘરવખરી ને નુકશાન થયું છે બીજા અનેક ફ્લેટ આ રીતે જ જર્જરિત હોવાથી અવારનવાર આવા બનાવ બને છે. અનેક ફ્લેટ નું હજુ લોકાર્પણ થયું નથી તે પહેલા જ જર્જરિત થયા છે. ચોમાસા માં ઉપર ના માળે આવેલ અનેક ફ્લેટ માં પાણી પડે છે. દીવાલો માં ઠેરઠેર તિરાડો પડી ગઈ છે અને લોકો ભય ના ઓથાર તળે જીવી રહ્યા છે. ત્યારે પાલિકા એ કોઈ મોટો અકસ્માત સર્જાય તે પહેલા સમારકામ હાથ ધરવું જોઈએ તેવી પણ માંગ તેઓએ કરી છે.

