પોરબંદરમાં ટ્રેન શન્ટિંગના કારણે જુદા જુદા રેલ્વે ફાટક દિવસના ૨૦ થી વધુ બંધ થઇ રહ્યા છે. તેના નિરાકરણ માટેનો એકમાત્ર ઉપાય રેલ્વેસ્ટેશનને શહેરથી દુર ખસેડવું એ જ છે તેમ જણાવીને રાજયસભા સાંસદે વેસ્ટર્ન રેલ્વેના જનરલ મેનેજર સાથે ચર્ચા કરી હતી. તે ઉપરાંત સૌરાષ્ટ્રના રેલ્વે તંત્રને લગતા પડતર પ્રશ્નોનું નિરાકરણ કરવા પણ માંગ કરી હતી.
સૌરાષ્ટ્રને રેલ્વેને લગતા પ્રશ્નો બાબતે વેસ્ટર્ન રેલ્વેના જનરલ મેનેજર અશોકકુમાર મિશ્ર સાથે રાજયસભાના સાંસદ રામભાઈ મોકરીયાએ વિગતે રજૂઆત કરી હતી. જેમાં રાજકોટ થી ઉપડતી સૌરાષ્ટ્ર મેલ અગાઉના જુના સમય મુજબ સાંજના ૧૭:૩૫ વાગે રવાના થાય. રાજકોટથી હરીદ્વાર જવા માટે અઠવાડીયામાં એક ટ્રેન છે તેના બદલે ત્રણ દિવસ ટ્રેન ચલાવો. પોરબંદર ખાતે હાલમાં રેલ્વેસ્ટેશન સીટી વચ્ચે છે અને ચાર ફાટક આવેલ છે. જેથી ત્યાં ઓવરબ્રીજ કે અન્ડરબ્રીજ બની શકે તેવી કોઈ શકયતા નથી જેથી ટ્રાફીકની સમસ્યા નિવારવા માટે અને ભવિષ્યનો વિચાર કરતા આદિતપરાના ગામ પાસે સરકારી વિશાળ જગ્યા છે. તેથી રેલ્વેસ્ટેશન સીટી બહાર લઇ જવામાં આવે તો ઘણી સમસ્યા ઉકેલી શકાય.
ભક્તિનગર રેલ્વેસ્ટેશન રાજકોટથી ૨ કી.મી. દુર છે અને ભાવનગર ૧૮૫ કી.મી. દુર થાય છે. આ રેલ્વેસ્ટેશન રાજકોટ સીટીમાં આવેલ છે. છતા ભાવનગર ડીવીઝનમાં આવે છે તો આ બાબતે નવેસરથી હકચોક્ષી કરવા રજૂઆત કરી કોઈ નાની સમસ્યા ઉદ્ભવે છે. તો પણ ભાવનગર સુધી રજૂઆત કરવાની થતી હોય તેના બદલે રાજકોટ ડીવીઝનમાં આ વિસ્તારનો સમાવેશ થાય તો સ્થાનિક લેવલે પ્રશ્ન ઉકેલી શકાય.
જુનાગઢ જીલ્લામાં શાપુર સરાડીયા કુતિયાણા જુની રેલ્વેલાઈન બંધ છે તેને જલ્દીથી પુનઃ જીવીત કરીને રાણાવાવ સુધી લંબાવવા રજૂઆત કરી છે. સૌરાષ્ટ્રમાં જયાં પણ રેલ્વે વિસ્તારમાં વેસ્ટ લેન્ડ પડી છે. આ લેન્ડનો ઉપયોગ વૃક્ષો વાવવા અને મોલ કે વાણીજય હેતુસર વિકસાવી શકાય અને રેલ્વેને ફાયદો થાય તેમજ ગેરકાયદેસર દબાણો હટાવવા જણાવ્યું છે. રાજકોટ ખાતે એઈમ્સ, ક્રિકેટ સ્ટેડીયમ વિગેરે આવેલ હોય ભકિતનગર તથા ખંડેરી પાસે વેસ્ટલેન્ડ પડી છે ત્યાં સેટેલાઈટ સ્ટેશન બનાવવા રજૂઆત કરી, ભવિષ્યમાં ખુબ જરૂરી પુરવાર થાશે. રાજકોટ ડબલ ટ્રેક થઇ ગયો હોવાથી રાજકોટ સુધી હવે શતાબ્દી, વંદે ભારત તેમજ લાંબા અંતરની ટ્રેનો દોડાવવા રજૂઆત કરી તેમજ ગાંધીધામ ભુજ કચ્છ સુધીની નવી ટ્રેનો ચાલુ કરવા રજૂઆત કરી, રાજકોટ થી પોરબંદર વાયા જેતલસર ટ્રેન એક જ જાય છે તેને બદલે ટ્રેન સંખ્યા વધારવાની રજુઆત કરી તેમજ કોરોના પછી ઘણી ટ્રેનોમાં બેડીંગ તથા ફુડની વ્યવસ્થા નથી તે કરવા રજૂઆત કરી હતી.


