પોરબંદર બોટ એસોસિએશન દ્વારા મત્સ્યઉદ્યોગ ખાતાના નવા નવા કાળા કાયદાઓ માચ્છીમારોને પુરેપુરા બેરોજગાર બનાવી દેશે તેવી દહેશત સેવી આ અંગે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે.
પોરબંદર માચ્છીમાર બોટ એસો.ના પ્રમુખ મુકેશભાઈ પાંજરીએ મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી છે કે, માચ્છીમારોના પ્રશ્નો બાબતે સતત ચિંતિત રહીને માચ્છીમારોનાં હિતમાં નિર્ણય લ્યો છો. તેથી અમો ભલીભાતી વાકેફ છે. ત્યારે માચ્છીમારોની અનેક પાયાની સુવિધા જેવી કે, પાકીંગ, ડ્રેજીંગ, પીવાનું મીઠું પાણી, ફાયર સેફટી જેવી અનેક સુવિધાઓ સરકારની વહીવટી મંજુરીઓમાં અટવાયેલી છે. જયારે છેલ્લા બે-ત્રણ વર્ષની કોરોનાના લીધે માચ્છીમારો બેરોજગારીમાં ધકેલાતા જાય છે. ત્યાં મત્સ્યોદ્યોગ દ્વારા નવા નવા કાળા કાયદાઓ બનાવવામાં આવે છે, જે માચ્છીમારોને પુરેપુરા બેરોજગાર બનાવી દેશે. આ માટે જુદા જુદા મુદાઓની રજુ કરાયા છે. તે તાત્કાલીક ધોરણે રદ કરવા અપીલ કરી છે.
ડીઝલ કાર્ડનો પ્રશ્ન
મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા એવો હુકમ કરવામાં આવેલ છે કે જે બોટ એક વર્ષ સુધી માચ્છીમારી ન કરેલ હોય, તેવા માચ્છીમાર ને મળતી ડીઝલ સહાયની પરમીટ રદ કરી દેવી. તો શું માચ્છીમાર બોટ માલિક પોતાના આર્થિક કે અન્ય કોઈ કારણોસર પોતાની બોટ બંધ રાખે તો તે માચ્છીમાર ને સહાય નહી. આ કયો અંગ્રેજનો કાયદો ગણવાનો!
ડીઝલ વહેલુ મળતા બાબતે રજુઆત તા. ૧ લી ઓગસ્ટ ૨૦૨૨ થી માચ્છીમારીની સીઝન ચાલુ થતી હોય છે. માચ્છીમારોની માંગ અનુસાર ડીઝલ પુરવઠો પાંચ દિવસ પહેલા બોટોને આપવા અપીલ કરવામાં આવેલ તે મત્સ્ય ખાતા દ્વારા સ્વીકારી લેવામાં આવેલ અને તા. ૨૭ જુલાઇત થી ડીઝલ પુરવઠો બોટમાં આપવાનો આદેશ કરેલ પરંતુ તે ડીઝલ વેટ રીબેટ મુકત આપવાની જાહેરાત કરવામાં આવેલ તે માચ્છીમારો સાથે છેતરપીંડી અને મજાક સમાન છે. જો ડીઝલ આપવું છે તો વેટ રીબેટવાળું ડીઝલ આપવું જોઈએ.
માચ્છીમારોને લગતી ઓનલાઈન કામગીરીનો પ્રશ્ન બોટોને લગતી તમામ પ્રકારની સેવાઓ બોટ રજીસ્ટ્રેશન, માલીકી ફેરફાર, પોર્ટ ટ્રાન્સફર, નવા ફીશીંગ લાયસન્સ, બોટ મોર્ગેજ, ફીશીંગ લાયસન્સ રીન્યુઅલ વગેરે માટેની અરજીઓ ઓનલાઈન સ્વીકારવામાં આવશે તેવો પરિપત્ર આપેલ છે. જયારે મત્સ્યોદ્યોગ વિભાગ તા. ૨૨ જુન ૨૦૨૨ થી મેન્યુયલી કામગીરી બંધ કરવામાં આવેલ છે. પણ આજદીન સુધી ઓનલાઈન ચાલુ કરવામાં આવેલ નથી. જયારે ટુંકા દિવસોમાં માચ્છીમારી સીઝન ચાલુ થવાની હોય ત્યારે આ કામગીરી બંધ કરવામાં આવતા માચ્છીમાર બોટ માલિકને મુશ્કેલીઓ થઇ રહી છે. તેથી આવા પરિપત્રોને રદ કરવો જરૂરી છે.
રાજયસરકારમાંથી મળતી સહાયની રજૂઆત
માચ્છીમારોને વર્ષોથી રાજય સરકાર દ્વારા મળતી સહાયો જેવી કે મશીન, વાયર રોપ્સ, જી.પી.એસ. વગેરે ઉપયોગી સહાયો ઉપર સબસીડી મળતી તે અચાનક મત્સ્યોદ્યોગ દ્વારા અરજી કર્યા બાદ છ મહિને ડ્રો કરીને આપવી તેવો નિર્ણય કરેલ છે. તો માચ્છીમારોને તેની બોટને એક એક દિવસનો ખર્ચનો બોજો વધતો હોય છે અને જો ઉપયોગી સહાયો તેમને સમયસર ન મળવાથી તેમની બોટ બંધ રાખવાથી તેમનો પરિવાર અને તેમની પાછળ અન્ય લાખો લોકોની રોજીરોટી ઉપર ગંભીર અસર થવાની છે.તોપહેલાની જેમ તાત્કાલી મંજુરી મળે તેવી અપીલ કરી છે .
બોટ સર્વે કામગીરીનો પ્રશ્ન
મત્સ્યોદ્યોગ નિયામક કચેરી દ્વારા ઘણી બોટોનું સર્વે કરવાનું હજુ બાકી છે. તા. ૧ લી ઓગસ્ટ ૨૦૨૨ થી માચ્છીમારીની સીઝન ચાલુ થતી હોય છે. ત્યારે બોટ માલિકોને પ્રથમ ફીશીંગ ખુબ જ અગત્યની હોય છે. ત્યારે મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા બોટ માલિકોને સુચના આપવામાં આવેલ કે સાત દિવસની અંદર સર્વે કરાવી લેવું અને જે બોટ સર્વે થયેલ હશે તેમને જ માચ્છીમારી કરવા માટે ટોકન ઈસ્યુ કરવામાં આવશે. માટે આવા સમયે મત્સ્યોદ્યોગ વિભાગ દ્વાર ફરજીયાતપણે બોટ માલિકને દબાણ કરીને અન્યાય કરવામાં આવે છે.
પાકીસ્તાન ખાતે પકડાયેલ માચ્છીમારનાં પરિવારને નિર્વાહ ભથ્થાનો પ્રશ્ન
પાકીસ્તાન ખાતે પકડાયેલ ભારતીય માચ્છીમાર પાકીસ્તાન ખાતેની જેલમાંથી છુટે નહીં ત્યાં સુધીનાં સમયગાળા માટે માચ્છીમારોના કુટુંબના જીવનનિર્વાહ માટે દૈનિક રૂા. ૩૦૦/- ની આર્થિક સહાય ચુકવવામાં આવે છે. તે ઠરાવ ને બદલી ને મત્સ્યોદ્યોગ દ્વારા નવો ઠરાવ કરવામાં આવેલ છે કે જે માચ્છીમાર પકડાય છે. તેમની પત્નીને જીવન નિર્વાહ ભથ્થુ માટે ઓનલાઈન અરજી કર્યા બાદ સહાય મળવાપાત્ર રહેશે. પરંતુ આપને જણાવવાનું કે આ ઓનલાઈન અરજી કરાવવામાં માચ્છીમારનાં પરીરવારને ઘણી મુશ્કેલીઓ પડી શકે છે. તે માટે પહેલા જે ફીશરીઝ વિભાગમાં ડોકયુમેન્ટસ જમા કરવાના થતા હતા તે રીતે ડોકયુમેન્ટ લેવા જોઇએ. જેથી માચ્છીમારના પરિવારને સરળતા રહે તેમજ પાકીસ્તાન ખાતે પકડાયેલ ભારતીય બોટનાં માલીકોને જીવન નિર્વાહ ભથ્થુ મળે તેવી જોગવાઈ થવી જરૂરી છે.
માછીમારોનો વિશ્વાસમાં લઇ નિયમો ઘડો
માચ્છીમારો ૭૦ થી ૮૦ ટકા અશિક્ષિત, અજ્ઞાન હોય છે. તેમના માટે ઓનલાઈન સુવિધાઓનો ખ્યાલ હોતો નથી ત્યારે મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા કાયદા અને હુકમો માચ્છીમાર ઉપર ઠોકી બેસાડવામાં આવેલ છે. જેનાથી માચ્છીમારો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. માટે આપને અપીલ છે કે જયારે મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા કાયદા અને હુકમો ઘડવામાં આવે ત્યારે માચ્છીમાર સમાજ અને બોટ એસોસીએશનના ઓગેવાનો સાથે સંકલન કરી અને વિશ્વાસમા લઇને નવા નિયમો ઘડવા જોઈએ. ઉકત સમસ્યા બાબતે આપ હંમેશા માચ્છીમારોની સાથે છો અને સાથે રહેશો તેવી અમોને પુરેપુરી ખાત્રી છે. ઉપરોકત અમારા મુદાઓ ઉપર ગંભીરતા પૂર્વક વિચારણા કરી આ સમસ્યાઓનો વહેલામાં વહેલી તકે નિકાલ કરવામાં આવે એવી પોરબંદર માચ્છીમારો બોટ એસો.ના પ્રમુખ મુકેશભાઈ પાંજરીએ રજૂઆત કરી છે.