પોરબંદર મહાનગરપાલિકા જાહેર થયા ના દોઢ માસ બાદ પ્રથમ વખત બે કોમર્શીયલ મિલ્કત સીલ કરવામાં આવી છે. જો કે મિલ્કત અંગે વધુ વિગત મીડિયા ને આપવા પર ડેપ્યુટી કમિશનરે પ્રતિબંધ ફરમાવતા અનેક ચર્ચાઓ જાગી છે.
પોરબંદર નગરપાલિકા હતી ત્યારે સતત છેલ્લા ૩ માસ સુધી વેરા વસુલાત ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી અને ૧૫૦ થી વધુ મિલકત સીલ કરાઈ હતી. અને ૩૦ થી વધુ મિલકત ટાંચ માં લેવાની પણ કાર્યવાહી શરુ કરાઈ હતી. પરંતુ ૧-૧-૨૫ ના રોજ મહાનગરપાલિકા જાહેર થયા બાદ વેરા વસુલાત ઝુંબેશ અંતર્ગત સીલ મારવાની કામગીરી ઠપ્પ હતી. ત્યારે લાંબા સમય થી વેરો બાકી હોય તેવી ૨ કોમર્શીયલ મિલ્કત સીલ કરવામાં આવી છે. અને ૪ જગ્યા એ ઢોલ નગારા વગાડી બાકી નીકળતો ટેક્સ ૨ દિવસ માં ભરપાઈ કરવા સુચના અપાઈ છે.
જો કે સીલ કરાયેલ મિલકતો અંગે તથા કેટલો વેરો વસુલ થયો છે. અને કેટલો બાકી છે. તે સહિતની વિગતો અંગે ટેક્સ વિભાગ ના મીતેશભાઇ કોટેચા ને પૂછતા તેઓએ આ સમગ્ર વિગત મીડિયા ને આપવાની ડેપ્યુટી કમિશ્નર મનન ચતુર્વેદી એ નાં પડી હોવાનું જણાવ્યું હતું. જેના પગલે અનેક ચર્ચાઓ જાગી છે. કારણ કે નગરપાલિકા હતી ત્યારે તમામ વિગત મીડિયા સમક્ષ જાહેર કરવામાં આવતી હતી. અને એરપોર્ટ સહીત કરોડો ની રકમ ના બાકીદારો ના નામ પણ જાહેર થયા હતા. ત્યારે હવે વિગત છુપાવતા અનેક ચર્ચાઓ જાગી છે.
એરપોર્ટ ની ૩ કરોડ થી વધુ ની વેરાની રકમ બાકી છે. એ સિવાય અનેક સરકારી મિલ્કતો ની પણ કરોડો ની રકમ બાકી છે. તેમ છતાં ત્યાં સીલ કરવાના બદલે દસ-પંદર હજાર જેવી રકમ ના નાના બાકીદારો હોય ત્યાં સીલ કરવામાં આવતા મિલકત ધારકો માં રોષ જોવા મળે છે.



