કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર દ્વારા પ્રેરિત જિલ્લા વહીવટી તંત્ર, પોરબંદર તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારી કચેરી દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત જિલ્લા કક્ષાના કલા મહાકુંભ, નવરાત્રી રાસગરબા અને યુવા ઉત્સવનો પ્રારંભ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ મંજુબેન કારાવદરાના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું.
રાજ્યના સાંસ્કૃતિક વારસાનું જતન થાય, કલા, સાહિત્ય અને સંસ્કૃતિમાં આગવી ઓળખ ધરાવતા અલગ-અલગ વય જૂથમાં સમાવિષ્ટ કલા પ્રવૃતિઓ બે દિવસ સુધી જિલ્લા કક્ષાના કલા મહાકુંભનું તાજાવાલા હોલ પોરબંદર ખાતે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વકતૃત્વ, નિબંધ લેખન, કાવ્ય લેખન, ગઝલ શાયરી લેખન, લોકવાર્તા, દુહા-છંદ-ચોપાઇ, તબલા, હાર્મોનિયમ (હળવું),ઓર્ગન, સ્કુલ બેન્ડ, શાસ્ત્રીય કંઠ્ય સંગીત (હિન્દુસ્તાની), સુગમ સંગીત, લગ્નગીત, સમુહગીત, લોકગીત/ભજન, લોકનૃત્ય, રાસ, ગરબા, ભરતનાટ્યમ, કથ્થક, ચિત્રકલા, એકપાત્રીય અભિનય તથા સર્જનાત્મક કારીગરી જેવી સ્પર્ધાઓ યોજાશે.
આ તકે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મંજુબેન કારાવદરાએ કલા મહોત્સવમાં ભાગ લીધેલા તમામને શુભકામનાઓ પાઠવવાની સાથે કહ્યું કે, આપણા લોકગીતો, કલા,સંસ્કૃતિ, રાસ વગેરે આપણી સંસ્કૃતિને ધબકતી રાખવા રાજ્ય સરકાર દ્વારા કલા મહોત્સવ જેવા કાર્યક્રમોનું આયોજન કરીને નવોદિત કલાકારોને પ્રોત્સાહિત કરવાની સાથે આપણી સંસ્કૃતિને જાળવી રાખવામાં મહત્વનું યોગદાન પૂરું પાડ્યું છે. તથા વિજેતા કલાકારોનું સન્માન પણ કરવામાં આવે છે.
આ તકે જિલ્લા યુવા વિકાસ અધિકારી પટેલ, કલા મહાકુંભના પોરબંદર તાલુકાના કન્વીનર અરૂણાબેન મારૂ, રાણાવાવ તાલુકાના કન્વીનર ઘેલુભાઇ કાંબલિયા તથા નિર્ણાયકો ઉપસ્થિત રહ્યા હતા.





