પોરબંદર ૧૮૧ અભયમ ટીમે આપઘાત કરવા નીકળેલી મહિલા ને કેન્દ્રીય વિદ્યાલય પાસે અટકાવી તેનું કાઉન્સીલીંગ કરી હાલ સખી વન સ્ટોપ સેન્ટર ખાતે આશ્રય અપાવ્યો છે.
મહિલાઓ પર થતિ હિંસા અટકાવવા તથા પીડિતાને મદદ કરવા માટે ૧૮૧ અભયમ સતત ૨૪ કલાક મહિલાઓ માટે કાર્યરત રહે છે. પોરબંદર અભયમ ૧૮૧ની વધુ એક પ્રશસનીય કામગીરી સામે આવી છે. પોરબંદર અભયમ ૧૮૧ને કોલ મળ્યો હતો કે, એક મહિલા આપઘાત કરવા નિકળી છે, જેને હાલ કેન્દ્રીય વિદ્યાલય નજીક રોકવામાં આવી છે. જાગૃત નાગરિકનો કોલ મળતા જ પોરબંદર અભયમ ૧૮૧ મદદ માટે તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી હતી. આપઘાત કરવા નિકળેલી પરણીતાનું કાઉન્સિલિંગ કરતા અને પરિવારજનો સાથે વાતચીત કરતા જાણવા મળ્યું કે આ મહિલાની માનસિક સ્થિતિ છેલ્લા ઘણા સમયથી સારી નથી. અને આપઘાત કરવાની વાતો કર્યા રાખે છે.
ઊંડાણપૂર્વક કાઉન્સિલિંગ કરતા જાણવા મળ્યું કે મહિલાને કોઈ પારિવારિક ઝગડો નહોતો અન્ય કોઈ સમસ્યા જાણવા મળી નહિ. મહિલા આપઘાતની વાતો કરે છે આ મહિલાનું સાસરું ગીર સોમનાથ જિલ્લાના એક ગામ છે. મહિલાની તબિયત સારી ન રહેતી હોવાથી હાલ પોરબંદર પિયર આવી છે, જ્યાં તેમના પરિવાર જનોએ દવાખાના લઈ જવાનું કહેતા મહિલા પરિવારજનો સાથે આવતી ન હતી. આ દરમિયાન મહિલાએ ૫૦ રૂપિયાની માંગ માતા પાસે કરીને દવા પીવાની વાત કરી, માતાએ પૈસા ન આપતા આ મહિલા ઘરેથી આપઘાત કરવાના ઇરાદે ભાગી હતી.
તેમની પાછળ તેમના પરિવારજનો દોડ્યા હતા. કેન્દ્રીય વિદ્યાલય નજીક પહોંચતા સામેથી આવતા વાહનમાં પોલીસ જવાનની મદદ લેવામાં આવી હતી. આ દરમિયાન એક જાગૃત નાગરિકે ૧૮૧માં કોલ કર્યો હતો, ત્યારબાદ ૧૮૧ અભયમ ટીમ સ્થળ પર પહોંચી કાઉન્સિલગ કરી સમગ્ર વિગત જાણી હતી. મહિલાની માનસિક સ્થિતિ સારી ન હોય અને પરિવારજનો પાસે મોબાઇલ ફોન ન હોવાથી ૧૮૧ ટીમને ફરી કોલ કરવામાં સમસ્યા આવી શકે છે. જેથી આ મહિલાને હાલ પોરબંદરની સખી વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય આપવામાં આવ્યો છે, ત્યાં તેની દેખરેખ અને કાળજી રાખવામાં આવી રહી તેમજ સારવાર માટે હોસ્પિટલે લઈ જવામાં આવશે. ૧૮૧ અભયમ ટીમના નિરૂપા બાબરીયા, કોન્સ્ટેબલ કિરણ ચાવડા, ડ્રાઇવર કિશન દાસા સહિતની ટીમના સભ્યો સરાહનિય કામગીરી કરી હતી.