પોરબંદર નજીકના બળેજ ગામની ટોડારા સીમમાં ખાણ ખનીજ વિભાગના અધિકારીની ફરજમાં રૂકાવટ થતા પોલીસ ફરીયાદ નોંધાઈ છે.
પોરબંદરના ખાણ ખનીજ વિભાગમાં મદદનીશ ભુસ્તરશાસ્ત્રી તરીકે ફરજ બજાવતા મિતેષ મોતીરામ મોદી(ઉવ ૩૧)એ નોંધાવેલ પોલીસ ફરીયાદ મુજબ ,તેઓ તથા ખાણ ખનીજ ખાતાની ટીમના કર્મચારીઓ જેમાં માઈન્સ સુપરવાઇઝર, સર્વેયર, સિક્યુરિટી ગાર્ડ, ડ્રાઇવર વગેરે બળેજની દુધી સીમ વિસ્તારમાં ખાણોની તપાસ કરતા હતા. એ દરમિયાન ટોડારા પાટીયા પાસે પુંજા ઘેલા જાડેજાના નામની લીઝ મંજુર થઈ હતી. ત્યાં તપાસ કરવામાં આવી હતી. ત્યાં બોર્ડ મારવામાં આવેલ હતું.
જેમાં દર્શાવેલ નંબર ઉપર તપાસ કરવામાં આવતા જેની જવાબદારી હતી તે રામભાઈ નામની વ્યક્તિએ ફોન ઉપર એવું જણાવ્યું હતું કે, તેઓ બહારગામ છે. લીઝના કાગળ લઈને હું માણસને મોકલું છું. ત્યારબાદ દિપક જીવા પરમાર ડોક્યુમેન્ટ લઈને આવ્યો હતો. અને લિઝ વિસ્તારમાં ખરાઈ કરતા પથ્થર કટીંગના છ મશીન નજરે ચડ્યા હતા. અને લીઝ વિસ્તારમાં તપાસ કરતા અંદર પાણી ભરેલા જોવા મળ્યા હતા. તેમજ તાજુ કોઈ ખોદકામ પણ થયું ન હતુ. તેમ છતાં તા.૨૯-૬-૨૪ નો રોયલ્ટી પાસ નીકળેલો હતો. જેથી સરકારની રોયલ્ટીના પાસનો દુર ઉપયોગ થતો હોવાનું જણાવતા દીપક જીવા પરમારને લીઝ વિસ્તારમાં રહેલા પથ્થર કટીંગના છ મશીન પોલીસ મથકે રાખાવાનું કહેતા દીપકે પથ્થર કટીંગ મશીન પોલીસ સ્ટેશન લઈ જવા દેશે નહી તેમ કહ્યું હતું. તેમજ દીપકે સ્થળ હાજરી દરમિયાન કરેલ રોજકામમાં સહી કરવાનો ઇન્કાર કર્યો હતો. તેથી તેની સામે કાયદેસરની ફરજમાં રૂકાવટ કર્યાનો ગુન્હો નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.