કુતિયાણા ના ચારણનેસ માં રહેતા યુવાને ૧૦ વર્ષ પહેલા બીમાર માતાની સારવાર માટે વીસ હજાર રૂપિયા ૧૦ ટકા ના ના વ્યાજે લીધા હતા. તેના એક લાખ વીસ હજાર રૂપિયા ચૂકવ્યા હોવા છતાં વ્યાજખોર શખ્સ દ્વારા વધુ પૈસા ભરવા દબાણ કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
કુતિયાણા તાલુકાના મોહબતપરા પાસે આવેલા ચારણનેસમાં રહેતા અને પશુપાલનનો વ્યવસાય કરતા કિસા પોલાભાઈ.ભારાઈ(ઉવ ૪૦)એ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ પોતે પશુઓને રાખીને દૂધનો વેપાર કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેની માતા ડાયબેન ઈ.સ.૨૦૧૨ માં બિમાર થયા હતા. તેથી તેની સારવાર માટે પૈસાની જરૂરીયાત ઉભી થતા ઉભીધાર ખાતે રહેતા પરબત કારાભાઈ વાંદા પાસેથી વીસ હજાર રૂપિયા માસિક દસ ટકા વ્યાજે લીધા હતા. અને ૨૦૧૫ ની સાલ સુધી માસિક ૧૦% લેખે રેગ્યુલર વ્યાજ ભર્યું હતું.
જો કે રકમ લીધા અંગે કોઈપણ પ્રકારના ચેક કે લખાણ અપાયું ન હતું. ઈ.સ.૨૦૧૫ પછી પૈસાની સગવડ નહી થતા ત્રણ વર્ષ સુધી વ્યાજ ભર્યું ન હતું. અને ઈ.સ.૨૦૧૮ માં પોતાની એક ભેસ ભરૂચના વેપારીને વેચીને પરબત ને ૨૦,૦૦૦ રૂપિયાની મૂળ રકમ આપવા માટે ગયો ત્યારે એ વીસ હજાર રૂપિયા લઇ લીધા હતા. અને ત્રણ વર્ષના વ્યાજના ૭૨,૦૦૦ રૂપિયા તારે આપવાના છે. તેમ કહ્યું હતું.આથી કિસાએ તેને મારી પાસે હાલમાં પૈસાની સગવડ નથી થશે. ત્યારે આપી દઈશ કહ્યું હતું.
ત્યારપછી ચારણનેસ ખાતે રહેતા રામા ગોગન શામળાની હત્યા થઈ હતી. હત્યાના આ કેસમાં તે પોરબંદરની ખાસ જેલમાં સજા કાપતો હતો. અને જેલમાંથી છુટીને બહાર આવ્યો ત્યારે એવું જાણવા મળ્યું કે વ્યાજખોર પરબત કિસાભાઈના પત્ની અને પુત્ર પાસે પણ વ્યાજની ઉઘરાણી કરવા આવ્યો હતો. અને જેલમાંથી બહાર આવ્યા પછી ચારેક વખત પરબત તેના ઘરે આવીને વ્યાજના પૈસા ભરવા દબાણ કરતો હતો.અને આજ સુધીના વ્યાજના રૂપિયા એક લાખ બેતાલીસ હજાર થયા છે તે ભરી જજે કહીને પૈસા ભરવા માટે વારંવાર દબાવતો હતો.
ઈ.સ.૨૦૨૦ માં ચોક્કસ તારીખની ખબર નથી પણ એક બપોરે તે જમતો હતો ત્યારે વ્યાજખોર પરબતે ફોન કરીને તેવું જણાવ્યું હતું કે,વ્યાજના રૂપિયા ભરી જા નહી તો મારે ધક્કો થશે.આથી કિસાએ તેને હાલ મારી પાસે સગવડ નથીતેમ કહ્યું હતું આથી વ્યાજખોરે કુલ એક લાખ વીસ હજાર રૂપિયા આપી જા એટલે આપણો હિસાબ પૂર્ણ થઇ જાયતેમ કહ્યું હતું. આથી બે-ત્રણ દિવસ પછી કિસાભાઈએ તેની બે ભેસ હેલાબેલી રહેતા ખીમા.દેવા.રબારીને વહેચી હતી,અને તેના એક લાખ વીસ હજાર રૂપિયા આવતા એ તમામ રૂપિયા પરબતને ચૂકવી દીધા હતા.
ત્યારપછી ફરીથી પરબતે તેને મળીને વ્યાજના બાકીના બાવીસ હજાર રૂપિયા મને આપવાના નીકળે છે તે મને આપી દેજે તેમ કહ્યું હતું. આથી કિસાએ હાલ મારી પાસે સગવડ નથી થશે. ત્યારે થોડા દિવસમાં આપી દઈશ તેમ કહ્યું હતું .આમ છતાં તેની પાસે પૈસાની ઉઘરાણી કરવામાં આવતી હોવાથી ફોનના ઓડિયો રેકોર્ડીંગની કલીપ સહિત પુરાવાઓ પોલીસને આપીને પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.