તાજેતરમાં જ ગૃહમંત્રીએ આર.ટી.આઈ.ના નામે તોડ કરનારાઓ સામે કડક પગલા લેવા આદેશ આપ્યો હતો અને પોરબંદરમાં પણ છેલ્લા કેટલાક સમયથી અમુક શખ્શો માહિતી માંગ્યા બાદ તોડ કરતા હોવાની ફરિયાદો પોલીસ સુધી પણ પહોંચી છે ત્યારે રાણાવાવના આર.ટી.આઇ. એકટીવિસ્ટે પોરબંદરના વેપારી પાસે ચાર લાખની ખંડણી માંગતા કીર્તિમંદિર પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાતા ભારે ચકચાર મચી છે.
પોરબંદરના મેમણવાડામાં રહેમાની મસ્જિદ પાસે રહેતા અને લાતી બજારમાં આવેલ પટેલ ટીમ્બર નામની દુકાન ખાતે પટેલ એન્ટરપ્રાઈઝ નામની પેઢી ચલાવીને ઈમારતી લાકડાનો વેપાર કરતા યુનુસ યુસુફભાઈ અફીણી (પટેલ) દ્વારા કીર્તિમંદિર પોલીસ મથકમાં રાણાવાવના આર.ટી.આઈ. એકટીવિસ્ટ વિનોદ હેમરાજ પરમાર સામે ખંડણી માંગ્યાની ફરિયાદ નોંધાવી છે જે ફરિયાદમાં યુનુસે એવુ જણાવ્યુ છે કે વર્ષ ૨૦૨૨ની સાલમાં રાણાવાવ મુકામે એક જુનુ મકાન જગ્યા સાથે પાવર ઓફ એટર્ની સાથે અઘાટ વેચાણ દસ્તાવેજથી ભરેલ કબ્જે ખરીધ્યુ હતુ અને તા. ૧-૪-૨૦૨૧ના રોજ રાણાવાવ સીટી સર્વે શાખામાં તેનો દસ્તાવેજ કરીને કબ્જો સંભાળ્યો હતો અને આ મિલ્કતમાં એક જુના ભાડુઆત છે જેમને યુનુસે મકાન ખરીદી બાબતે વાત કરી હતી અને યુનુસને મકાનનો દસ્તાવેજ કર્યાની નકલ માંગી હતી. આથી યુનુસે એ નકલ તેમને આપી દીધી હતી.
એ પછીના છ મહિના બાદ રાણાવાવના આર.ટી.આઈ. એકટીવિસ્ટ વિનોદ હેમરાજ પરમારે રાણાવાવની સીટી સર્વે કચેરીમાં ફરિયાદી યુનુસ અફીણીની પ્રોપર્ટી બાબતે આર.ટી.આઇ. કરીને એ દસ્તાવેજ ખોટો હોવાનું જણાવ્યુ હતુ આથી તેમા માંગ્યા મુજબના કાગળો યુનુસે રજૂ કર્યા હતા. ત્યારબાદ પોરબંદરના છાયા વિસ્તારમાં રહેતા યુનુસના મિત્ર વીરભદ્રસિંહ સજુભા જેઠવા સાથે ભાગીદારીમાં તેમના નામે પાવર ઓફ એટર્ની સાથે અઘાટ વેચાણ દસ્તાવેજથી એક પ્રોપર્ટી ભરેલ કબ્જે ખરીદી હતી અને તેનો દસ્તાવેજ તા. ૨૫-૬-૨૩ના રાણાવાવ સીટી સર્વે શાખામાં કરાવીને તેનો કબ્જો પણ ફરીયાદીએ સંભાળી લીધો હતો.
આ પ્રોપર્ટી યુનુસે ભાગીદારીમાં ખરીદી હોવાની આર.ટી.આઈ. એકટીવિસ્ટ વિનોદ હેમરાજ પરમારને જાણ થતા તેણે દસ્તાવેજ ખોટો હોવાનું જણાવી આર.ટી.આઈ. કરી હતી અને ફરિયાદીએ તેને માંગ્યા મુજબના કારણો રજૂ કર્યા હતા. ત્યારબાદ એ પ્રોપર્ટીના ભાડુઆતોને ઉશ્કેરણી કરીને યુનુસના વિરોધમાં અસંતોષ પેદા કરી વિનોદે અરજીઓ કરાવી હતી અને છેલ્લા ત્રણ-ત્રણ વર્ષથી પ્રોપર્ટીઓ અંગે આર.ટી.આઈ. કરીને યુનુસને વિનોદ હેરાન કરતો હતો.રાણાવાવના ગુલામનબી બુખારી અને અનીશબાપુ મારફતે વિનોદ પરમારે ફરિયાદી યુનુસને મળવાની વાત કરી હતી અને નગરપાલિકાની ચૂંટણી સમયે યુનુસ રાણાવાવ ગયો ત્યારે વિનોદ સાથે મુલાકાત થઇ હતી અને વિનોદને પ્રોપર્ટી બાબતે આર.ટી.આઈ. કરવા અંગે વાત કરતા તેણે એવુ જણાવ્યુ હતુ કે ‘હું પોરબંદર રૂબરૂ આવીને તમને મળી જઇશ’
તા. ૨૧-૨-૨૦૨૫ના ફરિયાદી યુનુસ અફિણી તથા તેમના મહેતાજી મુકેશ અમૃતલાલ રાજ્યગુરુ તથા લાતી ઉપર કામ કરતા ઇકબાલ મજીદ ગલેરીયા અને ઇમરાન ફકીર હાજર હતા ત્યારે ફરીયાદી યુનુસ તેની ઓફિસમાં હતો અને વિનોદ ફોન કરીને તેની ઓફિસે મળવા આવ્યો હતો તથા ત્યાં ચા-પાણી પીને રાણાવાવની ખરીદેલી પ્રોપર્ટી બાબતે વાતચીત કરી હતી. ફરિયાદીએ આર.ટી.આઈ. નહી કરવા વિનોદને સમજાવ્યો હતો પરંતુ તેણે ‘જો તમારે હેરાન ન થવુ હોય તો મને એક પ્રોપર્ટીના રૂા. બે લાખ લેખે બે પ્રોપર્ટીના ચાર લાખ રૂપિયા આપવા પડશે અને જો તમે નહીં આપો તો હું તમને હેરાન કરી નાખીશ અને બીજી કોઈ પ્રોપર્ટી ખરીદશો તો તેમાં પણ હેરાન કરીશ’ તેમ કહીને બળજબરીથી ચારલાખ રૂપિયાની ખંડણી માંગી હતી. જે તમામ વાતચીત ફરીયાદીની ઓફિસમાંઆવેલા સી.સી.ટી.વી. કેમેરામાં રેકર્ડ થઇ છે અને જરૂર પડયે રજૂ કરવાની પણ પોલીસને તૈયારી બતાવતા કીર્તિમંદિર પોલીસમાં રાણાવાવના આર.ટી.આઈ. એકટીવિસ્ટ વિનોદ હેમરાજ પરમાર સામે ગુન્હો દાખલ થયો છે તેથી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
મહત્વનું છે કે પોરબંદરમાં પણ મહાનગરપાલિકા ખાતે અરજીઓ કરીને અને વિગતો માંગીને મિલ્કતો સીલ કરાવવા માટે અમુક શખ્શો ઘણા સમયથી સક્રિય બન્યા છે ત્યારે તે અંગે પણ પોલીસ સુધી માહિતી પહોંચતા આ મુદ્દે પણ નવાજુની થાય તેવુ ચર્ચાઇ રહ્યુ છે.બીજી તરફ વિનોદ સામે પણ વધુ પોલીસ ફરિયાદ નોંધાય તેવી ચર્ચાઓ ચાલી રહી છે