પોરબંદર રેડક્રોસ સોસાયટીના જુના હોદેદારોની મુદત પૂર્ણ થતાં ચૂંટણી યોજાઈ હતી. તેમાં ચેરમેનના હોદ્દા માટે લાખણશી ગોરાણીયા અને જયેશ લોઢિયાએ ઉમેદવારી નોંધાવી હતી. મેનેજિંગ કમિટીના તમામ સભ્યોએ મતદાન કર્યા બાદ પરિણામ જાહેર થતાં લાખણશી ગોરાણીયા વિજેતા બન્યા હતા.
પોરબંદર રેડક્રોસ સોસાયટીના ચેરમેન અને મેનેજિંગ કમિટીની નવરચના માટે સામાન્ય સભા મળી હતી. તેમાં પોરબંદરની અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા જાણીતા સામાજિક આગેવાન લાખણશી ગોરાણીયા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીની પોરબંદર ડિસ્ટ્રિક્ટ બ્રાન્ચના ચેરમેન તરીકે ચૂંટાઈ આવ્યા હતા. આ ઉપરાંત વાઇસ ચેરમેન તરીકે શાંતિબેન ઓડેદરા, ઉપપ્રમુખ તરીકે અરવિંદ રાજ્યગુરુ, સેક્રેટરી અકબર સોરઠીયા અને ખજાનચી તરીકે ચંદ્રેશ કિશોર સહિતની સર્વાનુમતે પસંદગી કરવામાં આવી હતી. ઉપરાંત મેનેજિંગ કમિટીના સભ્યોમાં ડો. અશોક ગોહેલ, ત્રિલોક ઠાકર, બિંદુબેન થાનકી, દીપક વઢિયા, રામભાઈ ઓડેદરા, વિમલ હિંડોચા, રાજેન્દ્ર નાયર, ધર્મેન્દ્ર વાઘેલા, પ્રો.નયન ટાંક, ડો.જયેશ મોઢા, ડો.ચેતનાબેન બેચરા, જગદીશ થાનકી, કમલ શર્મા, કેતન પટેલ, પ્રકાશ જોશી, અલ્પેશ નાંઢા, જયેશ લોઢિયા વગેરેની પસંદગી કરવામાં આવી હતી.
■રેડક્રોસની સ્થાપના અને ઇતિહાસ.
1859માં ઓસ્ટ્રીયન અને ફ્રેન્ચ લશ્કર વચ્ચે ભયંકર યુદ્ધ થયું. આ યુદ્ધમાં થયેલી માનવ ખુવારી જોઈને જીનીવામાં જન્મેલા જિન હેન્ડરીનું હૃદય દ્રવી ઉઠ્યું. એ સમયે એમને ઘવાયેલા સૈનિકો અને લોકોની સારવાર માટે સ્થળ ઉપર કામચલાઉ રાહતના તમામ પ્રયત્નો શરૂ કરી દીધા હતા અને તેમની સાથે અનેક લોકો સ્વયં સેવક તરીકે કામમાં જોડાયા હતા.
આવી પરિસ્થિતિમાં પીડિત લોકોને રાહત આપે તેવી કોઈ એક કાયમી સંસ્થા હોવી જોઇએ એવો જિન હેન્ડરીને વિચાર આવ્યો. ત્યાર બાદ તેઓએ “સેલ્ફ રિનોની સ્મૃતિ” નામનું પુસ્તક લખ્યું. આ પુસ્તક સમગ્ર યુરોપની પ્રજાએ વાંચ્યું અને આખરે તેની ચળવળ રંગ લાવીને તા. 26/10/1863ના રોજ યુરોપના 14 દેશના પ્રતિનિધિઓ મળ્યા અને કરાર કર્યો જેના પરિણામ સ્વરૂપે ઘોર હિંસા સામે માનવતાનો શિતળ છાંયડો આપનારી સંસ્થા રેડક્રોસની સ્થાપના થઇ. ત્યાર બાદ આપણા દેશ ભારતમાં આઝાદી પહેલાં 1920માં રેડક્રોસની સ્થાપના કરવામાં આવી હતી.
■ રેડક્રોસને પાંચ વખત નોબેલ પારિતોષિક
અત્રે ઉલ્લેખનીય છેકે આફ્રિકાના ઝુલું યુદ્ધમાં મહાત્મા ગાંધીએ પણ રેડક્રોસના સ્વયં સેવક તરીકે બચાવ અને રાહત કામગીરી કરી હતી. આવી આ સેવાની સરવાણી વ્હેવડાવતી સંસ્થાને પાંચ પાંચ નોબેલ પારિતોષિકથી સન્માનિત કરવામાં આવી છે. ઇ.સ.1901માં ફાઉન્ડર જિન હેન્ડરી ડુનાન્ટને, ઇ.સ. 1917માં પ્રથમ વિશ્વયુદ્ધ વખતે, ઇ.સ.1922માં ડિટજોફ નાન્સેમ, ઇ.સ.1944માં બીજા વિશ્વ યુદ્ધ વખતે અને ઇ.સ.1963માં રેડક્રોસને સો વર્ષ પૂર્ણ થયા ત્યારે નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું. આમ વિશ્વની આ એકમાત્ર સંસ્થા છે કે જેને પાંચ પાંચ નોબેલ પારિતોષિકની સન્માનવામાં આવી હોય.
■રેડક્રોસના સાત સિદ્ધાંતો
સૈનિકોની સુખાકારી માટે શરૂ થયેલી આ સંસ્થાએ સમય જતાં કુદરતી આપત્તિઓમાં સહાય તથા શાંતિ કાળમાં જન આરોગ્ય અને જનસુખાકારીના કાર્યો શરૂ કર્યા. વિચારવાદ કે સંપ્રદાયથી પર રહીને આ માનવતાવાદી સંસ્થા કોઇપણ પ્રકારના ભેદભાવ વગર માનવતા, ભેદભાવ રહિતતા, તટસ્થતા, સ્વતંત્રતા, સ્વૈચ્છિક સેવા, એકતા અને વૈશ્વિકતા જેવા સાત મૂળભૂત સિદ્ધાંતો સાથે કામ કરતી સંસ્થા છે.
વિશ્વની સૌથી મોટી માનવતાવાદી સંસ્થા રેડક્રોસ સોસાયટી 200 કરતાં પણ વધુ દેશોમાં સેવા ક્ષેત્રે કામ કરી રહી છે, ત્યારે પોરબંદર ડિસ્ટ્રીકટ રેડક્રોસ સોસાયટીના ચેરમેન તરીકે વિજેતા બન્યા બાદ લાખણશી ગોરાણીયાએ વિધિવત રીતે જવાબદારી સ્વીકારતાં જણાવ્યું હતું કે પોરબંદર વિસ્તારમાં છેવાળાના માણસ સુધી રેડક્રોસની સેવાઓને પહોંચતી કરવામાં સમગ્ર ટીમને સાથે લઈને સહિયારા પ્રયાસો હાથ ધરવામાં આવશે. આ તબક્કે ડો. સુરેશભાઈ ગાંધી અને રેડક્રોસની સમગ્ર ટીમે લાખણશી ગોરાણીયાને અભિનંદન આપી શુભેચ્છાઓ પાઠવી હતી.



