Monday, October 2, 2023

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર અને રાણાવાવ ખાતે નેશનલ ગેમ્સ અવેરનેસ રેલી અને કાર્યક્રમ યોજાયો:ખેલમહાકુંભ માં ઉત્તમ પ્રદર્શન કરનાર શાળાઓ ને બિરદાવાઈ

પોરબંદર ખાતે નેશનલ ગેમ્સ અવેરનેસ રેલી અને કાર્યક્રમ યોજાયો હતો ઉપરાંત રાણાવાવ ખાતે પણ કાર્યક્રમ યોજાયો હતો.

રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ દ્રારા આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ સેલીબ્રેટીંગ યુનિટી થ્રૂ સ્પોટ્સ થીમ સાથે ૩૬ મા નેશનલ રમતોમા ગુજરાતના યુવાનો અને વિધાર્થીઓમા જાગૃતિ આવે તે હેતુથી અને રમતગમતની પ્રવૃતિઓને પ્રોત્સાહન મળે તે માટે ૩૬ મી નેશનલ ગેમ્સ અવેરનેસ કેમ્પેઇન અને સેલીબ્રેટીંગ યુનિટી થ્રુ સ્પોટ્સ થીમ સાથે પોરબંદર જિલ્લા રમત સંકુલ દ્રારા એમ.ડી.સાયન્સ કોલેજથી તાજાવાલા હોલ સુધી રેલી યોજાઇ હતી. તથા રેલી બાદ મહાનુભાવોની ઉપસ્થિતિમા અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો જેમા ખેલમહાકુંભમા જિલ્લા કક્ષાએ વિજેતા થયેલ શાળા/સંસ્થાઓને ચેક વિતરણ કરી સન્માન કરાયું હતું.

ગુજરાતના યુવાનો ખેલકૂદમા આગળ વધે તે માટે ગુજરાત સરકાર દ્રારા ખેલ મહાકુંભ કાર્યક્રમ હેઠળ રમતવીરોને પ્રોત્સાહન આપવામા આવે છે. ત્યારે આગામી સમયમા યોજાનાર ૩૬ મી નેશનલ ગેમ્સમા રાજ્યના યુવાનોમા જાગૃતિ આવે તે માટે પોરબંદર જિલ્લાના યુવાનોને રમત ગમતમા આગળ આવે તે માટે અવેરનેસ રેલી અને કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે ભાનુપ્રકાશજી સ્વામીએ કાર્યક્રમને અનુરૂપ પ્રાસંગિક પ્રવચનમા કહ્યુ કે, યુવાધન રમતગમતમા આગળ વધે તેઓનો શારીરિક અને માનસિક રીતે વધુ વિકાસ થાય તે માટે સરકાર દ્રારા રમતોને પ્રોત્સાહન આપવાની સાથે બજેટમા પણ વધારો કરવામા આવી રહ્યો છે.

જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતિ મંજુબેન કારાવદરાએ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના પ્રયાસોથી શિક્ષણ અને સરકારી નોકરીઓની જેમ રમતગમત ક્ષેત્રે પણ દિકરીઓ કાઠુ કાઢી રહી છે. નેશનલ ગેમ્સને માત્ર ૩ મહિનાના ટૂંકા સમયગાળામાં ગુજરાત રાજ્યએ આ પડકાર ઝીલીને રાજ્યના યુવાનો ૩૬ મા નેશનલ ગેમ્સમા વધુને વધુ જોડાય તથા અવેરનેસ આવે તે માટે આ કાર્યક્રમનુ આયોજન કરાયું છે.

આ તકે યુવાનોને પ્રોત્સાહન આપવા આવેલા પોરબંદરના ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયાએ કહ્યુ હતુ કે, રમતગમત અને યોગ થકી શારિરીક તથા માનસિક રીતે ફીટ થવા અપીલ કરવાની સાથે અમારા સમયમા જુની રમતો, ખેતી દ્રારા શરીર ફીટ રહેતુ તેમ જણાવ્યું હતું. આ તકે ધારાસભ્યએ રમત ગમતને ગુજરાત સરકારે પ્રોત્સાહન આપી અનેક યોજનાઓ કાર્યરત છે તેમ કહ્યું હતું.

આ તકે ખેલમહાકુંભમા વિજેતા વિવિધ શાળા/સંસ્થાઓનુ સન્માન કરાયું હતું. જેમા પ્રથમ નંબરે વિજેતા ડિવાઇન પબ્લિક સ્કૂલ બોખીરાને રૂ.૧ લાખ ૫૦ હજારનો ચેક, બીજા નંબરે વિજેતા ડી.એલ.એસ.એસ. સાંદીપનિ સ્કૂલને રૂ.૧ લાખનો ચેક તથા ત્રીજા નંબરે વિજેતા જે.વી. જેમ્સ સ્કૂલને રૂ. ૭૫ હજારનો ચેક આપીને સન્માન કરાયુ હતુ. તેમજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, યોગ નિદર્શન કરાયુ હતુ. તથા ફીટ ઇન્ડીયા મુવમેન્ટના શપથ લેવડાવવામા આવ્યા હતા.

આ તકે, જિલ્લા વિકાસ અધિકારી વી.કે.અડવાણી, જિલ્લા પોલીસ વડા રવિ મોહન સૈની, નગરપાલિકા પ્રમુખ સરજુભાઇ કારિયા, સહિત યુવાનો તથા ખેલ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. તથા કાર્યક્રમનુ સંચાલન નિરવભાઇ જોષીએ કર્યુ હતું.

તો બીજી તરફ રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ તથા જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી દ્રારા પોરબંદરના રાણાવાવ ખાતે આવેલી સરકારી વિનયન કોલેજ ખાતે ૩૬ મા નેશનલ ગેમ્સ અવેરનેશ કાર્યક્રમ યોજાયો હતો. રાજ્યના યુવાનો, વિધાર્થીઓ શિક્ષણની સાથે સાથે રમત ગમત ક્ષેત્રે પણ આગળ વધે તે માટે રાજ્ય સરકાર કટીબધ્ધ છે. ખેલકૂદને પ્રોત્સાહન આપવાની રાજ્ય સરકારની નીતિના સુખદ પરિણામોના ભાગરૂપે રાજ્યના યુવાનો રમતગમતમા આગળ વધ્યા છે ત્યારે આગામી સમયમા યોજાનાર ૩૬મા નેશનલ ગેમ્સમા ગુજરાતના યુવાનોમા જાગૃતિ આવે તે હેતુથી સેલીબ્રેટીંગ યુનિટી થ્રુ સ્પોટ્સ થીમ સાથે યોજાઇ રહેલા કાર્યક્રમના ભાગરૂપે આજે રાણાવાવ ખાતે આવેલ સરકારી વિનયન કોલેજ ખાતે અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ જીવીબેને કહ્યુ કે, શસક્ત શરીરમા સશક્ત મન વસેલુ હોય છે. અત્યારે ટેકનોલોજીના સમયમા પણ યુવાધન રમતગમતમાં ભાગલઇને આગળ વધે તે માટે સરકાર દ્રારા પ્રોત્સાહન આપવામા આવે છે. બાળકોને મોબાઇલની રમતોના સ્થાને મેદાનમા રમાતી રમતોમા જોડાય તે ઇચ્છનીય છે.

કોલેજના આચાર્ય કે.કે.બુધ્ધભટ્ટીએ કહ્યુ કે, રમતએ અભ્યાસ સાથે શારીરિક ક્ષમતા લીડરશીપ, આયોજન અને સહકાર જેવા ગુણો શીખવે છે. આ રમતોનો મુખ્ય હેતુ રાષ્ટ્રીય એકતા વધુ મજબૂત બનાવાનો છે. યુવાનોના શારિરીક માનસિક વિકાસમા રમતોનુ ખુબ જ મહત્વ હોય છે ત્યારે સરકાર પણ રમતોને પ્રોત્સાહન આપે છે. આ પ્રસંગે ખેલમહાકુંભ તાલુકા કક્ષાએ વિજેતા શાળાઓને ઇનામ વિતરણ કરાયા હતા. તેમા પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર જવાહર નવોદય વિધાલયને રૂ. ૨૫ હજારનો ચેક, દ્રિતિય નંબર પ્રાપ્ત કરનાર મજીઠીયા ગર્લ્સ સ્કૂલને રૂ. ૧૫ હજારનો ચેક તથા તૃતિય નંબર પ્રાપ્ત કરનાર સિગ્મા સ્કૂલને રૂ. ૧૦ હજારનો ચેક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તથા વિધાર્થીઓ દ્રારા સાંસ્કૃતિક કાર્યક્રમો તથા યોગ નિદર્શન કરાયુ હતુ.

આ તકે કાર્યક્રમમા તાલુકા પંચાયતના પ્રમુખ સામતભાઇ મોઢવાડીયા, સહિત મહેમાનો તથા કોલેજના વિધાર્થીઓ અને ખેલાડીઓ હાજર રહ્યા હતા.

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે