મહિલાઓ આત્મનિર્ભર તથા સ્વાવલંબી બને તે માટે વડાપ્રધાનના દિશા નિર્દેશનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નેતૃત્વમાં રાજ્ય સરકાર મહિલાઓને પુરુષ સમોવડી બનાવવા તેમજ સમાજના મુખ્ય પ્રવાહમાં લાવવા માટે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા અનેકવિધ યોજનાઓનો લાભ પહોંચાડી રહી છે. જેમાં મુખ્યત્વે વહાલી દીકરી યોજના, ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના , ગંગા સ્વરૂપા પુનઃ લગ્ન આર્થિક સહાય યોજના તથા સખી વન સ્ટોપ સેન્ટરનો સમાવેશ થાય છે.
મહિલાઓ પોતાનું જીવન ગૌરવતાપૂર્ણ રીતે વ્યતીત કરી શકે તેમજ આજના આધુનિક યુગના પ્રવાહમાં તાલમેલ સાધી શકે તે હેતુથી સરકારશ્રી દ્વારા ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે. જેમાં વિધવા બહેનોને મહિને રૂ.૧૨૫૦ ની આર્થિક સહાય ડી.બી.ટીના માધ્યમથી તેમના બેંક એકાઉન્ટમાં જમા કરાવવામાં આવે છે.
જેમાં પોરબંદર જિલ્લામાં વર્ષ ૨૦૨૨-૨૩ અંતર્ગત કુલ ૨૧૦૬૮ હજાર કરતાં વધારે ગંગા સ્વરૂપા બહેનો આર્થિક સહાય ચૂકવી સમાજની મુખ્યાધારામાં સમાવેશ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત પોરબંદર તાલુકામાં શહેરી વિસ્તારની ૮હજાર બહેનો તથા ગ્રામ્ય વિસ્તારની ૫૬૯૦ બહેનો મળી તાલુકામાં કુલ ૧૪૬૩૮ જેટલી બહેનોને આર્થિક સહાય ચુકવવામાં આવી છે. જ્યારે રાણાવાવ તાલુકાની ૩૭૭૬ તથા કુતિયાણાના તાલુકાની ૨૭૦૬ મહિલાઓને આર્થિક સહાય ચૂકવવામાં આવી છે.
સમાજનાં સાંપ્રત પ્રવાહમાં મહિલા ઓને પુનઃ સ્થાપિત કરવા તેમજ સામાજિક માનસિકતામાં પરિવર્તન લાવવાં માટે ગંગા સ્વરૂપા પુનઃ લગ્ન આર્થિક સહાય યોજના અમલમાં મુકવામાં આવી છે. જેમાં રૂ.૨૫ હજારની સહાય પુનઃ લગ્ન કરનાર ગંગા સ્વરૂપા બહેનોના ખાતામાં સીધી ચૂકવણી કરવામાં આવે છે તથા રૂ.૨૫ હજાર રાષ્ટ્રીય બચત પત્રોમાં રોકાણ કરી એમ કુલ રૂ.૫૦ હજારની સહાય ચુકવવામાં આવે છે. જે અંતર્ગત પોરબંદર જિલ્લામાં વર્ષ ૨૦૨૨-૨૩માં કુલ ૧૧ ગંગા સ્વરૂપા બહેનોને યોજનાનો લાભ પ્રાપ્ત થયો છે.
દીકરીઓનું ભવિષ્ય સુરક્ષિત થાય તેમજ દીકરીઓમાં શિક્ષણનો ડ્રોપ આઉટ રેશિયો ઘટે તે હેતુથી સરકારશ્રી દ્વારા વ્હાલી દીકરી યોજના અમલમાં મુકવામાં આવી છે. જેમાં દીકરીને ધો. ૧ માં પ્રવેશ મેળવી વખતે રૂ.૪ હજાર, ધો.૯ માં પ્રવેશ વખતે રૂ.૬ હજાર તેમજ દીકરી ૧૮ વર્ષની ઉંમરે રૂ.૧ લાખ એમ મળીને કુલ રૂ.૧ લાખ ૧૦ હજારની સહાય ચુકવવામાં આવે છે. જે અંતર્ગત પોરબંદર જિલ્લામાં વર્ષ ૨૦૨૨-૨૩માં કુલ ૩૫૫૯ જેટલી દીકરીઓને વ્હાલી દીકરી યોજનાનો લાભ પ્રાપ્ત થયો છે.
આમ પોરબંદર જિલ્લાની ૨૪ હજાર કરતા વધારે મહિલાઓને આર્થિક સહાય ચૂકવીને સમાજની મુખ્યધારામાં સમાવેશ કરવાનો પ્રયાસ મહિલા અને બાળ અધિકારીની કચેરી પોરબંદર દ્રારા કરાયો છે.