પોરબંદર જિલ્લાની વિવિધ બેંકોના સહકારથી એસ.બી.આઈ લીડ બેંક દ્વારા આજે તા.૨૧ ના રોજ બિરલા હોલ પોરબંદર ખાતે ક્રેડિટ આઉટરીચ કાર્યક્રમ અન્વયે લોન મેળો યોજાયો હતો. જેમાં ૧૪૩૦ જેટલા લાભાર્થીઓને રૂ.૪૭ કરોડથી વધુ રકમની લોનના ચેક વિતરણ કરાયા હતા. ઉપરાંત સરકારની ફ્લેગશીપ યોજનાઓ વિશે વિસ્તૃત જાણકારી અપાઈ હતી.
આ લોનમેળામાં કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી મુદ્રા લોન, સ્ટેન્ડ અપ ઇન્ડિયા સહિત યોજના હેઠળ અરજદારોને મંજૂરી પત્રકો અપાયા હતા.
આ પ્રસંગે જિલ્લા કલેકટર કે.ડી.લાખાણીએ અરજદારોને શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે, છેવાડાના માનવીના વિકાસ અને સુખાકારી માટે સરકારની વિવિધ યોજનાઓ હેઠળ ધંધો વ્યવસાય, શિક્ષણ, કૃષિ સહિત ક્ષેત્રે લોન આપવામાં આવે છે. આ પૈસાનો સદુપયોગ થાય અને સમયસર બેંકને પૈસાની ભરપાઈ કરવામાં આવે તે લાભાર્થીની ફરજ છે.
આ તકે જિલ્લા કલેકટરે તથા અન્ય મહાનુભાવોએ લાભાર્થીઓને ચેક વિતરણ કરવાની સાથે શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે એસબીઆઇ બેન્કના આસિસ્ટન્ટ મેનેજર ભુપેન્દ્રભાઈ રામાણીએ જણાવ્યું કે, સોસાયટીના વિકાસ માટે બેંકની સેવા અને લોન આપવામાં આવે છે. તેમણે અટલ પેન્શન યોજના, પી.એમ.જે.જે.બી.વાય, પી. એમ.એસ.બી.વાય સહિત યોજનાઓનો લાભ લેવા ઉપસ્થિત લોકોને અનુરોધ કર્યો હતો.
લોન મેળામાં જિલ્લા પંચાયત પ્રમુખ પરબતભાઇ પરમાર, પોરબંદર છાયા નગરપાલિકા પ્રમુખ શ્રીમતી ચેતનાબેન તિવારી, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર જનરલ મેનેજર ધર્મેશ પરમાર, ડાયરેકટર પશુપાલન ડૉ.ગેહલોત સહિત વિવિધ બેન્કોના મેનેજર, મહાનુભાવો સહિત સ્ટાફ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.