કુતિયાણા ના કોટડા ગામે ૬ જુગારીઓ ને પોલીસે પકડ્યા બાદ તેઓને ઢોર માર માર્યો હોવાના આક્ષેપ થયા છે જો કે પોલીસે આ આક્ષેપો ફગાવ્યા છે
કોટડા ગામની પટ્ટી સીમ માં રામાપીર ના મંદિર પાસે જાહેર માં જુગાર ચાલી રહ્યો હોવાની બાતમી ના આધારે પોલીસે દરોડો પાડી જુગાર રમી રહેલા દુદાભાઇ ભીમાભાઇ દાસા, કુંભાભાઇ પુંજાભાઇ કડેગીયા, રામા કારાભાઇ બાપોદરા, જીતેશ ઉફે જીવો લખમણભાઇ બાપોદરા, ભીમા દેવાણંદભાઇ ગલ તથા ભીમા રણમલભાઇ ગલ ને ઝડપી લઇ તેની પાસે થી રૂ ૧૬૪૧૦ ની રોકડ તથા ૫ મોબાઇલ અને ૨ બાઈક મળી કુલ રૂા.૪૪૯૧૦ નો મુદામાલ કબજે કર્યો હતો.
ત્યાર બાદ તમામ જુગારીઓ ને ઈજાગ્રસ્ત હાલતમાં મોડી રાત્રે પોરબંદર ની સરકારી હોસ્પીટલે સારવાર માં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓના શરીર પર ઈજા ના નિશાન નજરે ચડતા હતા. ઈજાગ્રસ્તો એ મીડિયા ને એવું જણાવ્યું હતું કે પોલીસે તેઓને ન મારવા ના રૂપિયા માંગ્યા હતા. પરંતુ તેઓએ તે ન આપતા તમામ ને પોલીસે પાઈપ અને પટ્ટા વડે બેફામપણે ઢોર માર માર્યો હતો.
બનાવ ની જાણ થતા મહેર શક્તીસેના અને કિશાન સંઘ ના આગેવાનો પણ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા. અને પોલીસ ના અમાનુષી માર અંગે તેઓ ઉચ્ચ કક્ષા એ રજૂઆત કરશે તેવું જણાવ્યું હતું. અને એવું પણ જણાવ્યું હતું કે પોલીસે કાયદો હાથ માં લઇ ને જે હરકત કરી છે. તેની સામે વાંધો છે. કાયદેસર ની કાર્યવાહી કરવાના બદલે તેઓને માર મારવાનું કૃત્ય કર્યું છે તે અયોગ્ય છે.
આ અંગે કુતિયાણા ના પી એસ આઈ એ.એ.મકવાણા ને પૂછતા તેઓએ એવું જણાવ્યું હતું કે પોલીસે કોઈ જુગારી પાસે કોઈ પણ રકમ માંગી ન હતી. પરંતુ જુગાર રમતા પકડી લીધા હતા એટલે પોલીસ પર ખોટા આક્ષેપ કરવામાં આવ્યા છે.