Monday, September 26, 2022

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર ખાતે યોજાયેલ ગુજરાત દલિત અધિકાર સંઘની બેઠકમાં ૧૮ મહત્વ ના પ્રશ્નો અંગે ઠરાવ કરાયો

પોરબંદર સહિત રાજયના અનુસુચિત જાતિ સમાજના અનેક પડતર પ્રશ્નોનું નિરાકરણ થતું નહીં હોવાથી અગત્યની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહત્વના ૧૮ પ્રશ્નોના ઠરાવ કરીને તેના નિરાકરણ માટે ચર્ચાઓ થઈ હતી.

દલિત અધિકાર સંઘ ગુજરાત પોરબંદર જિલ્લા પ્રમુખ રાણાભાઇ કારાભાઈ શીંગરખીયાના અધ્યક્ષ સ્થાને વણકર વિદ્યાર્થી ભવન ખાતે મિટીંગ મળેલ અને પોરબંદરમાંથી બહોળી સંખ્યામાં અનુસુચિત જાતિસમાજના આગેવાનો વડીલો એ હાજરી આપેલ. મિટીંગની શરૂઆતમાં ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને હારતોરા દીપ પ્રાગટ્ય કરીને દલિત અધિકાર સંઘ ગુજરાત ટ્રસ્ટ ૧૯૯૨ના સ્થાપક સ્વ. ફકીરભાઇ વાઘેલાને પુષ્પ અર્પણ કરીને દલિત અધિકાર સંઘ ગુજરાત પોરબંદર જિલ્લાની મિટીંગની શરૂઆત કરાઈ હતી.

જેમાં ઘણા બધા સમાજ લગતા મુદ્દાઓ ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવેલ. પોરબંદર જિલ્લા તેમજ દરેક રાજ્યમાં અનસુચિત જાતિ સમાજ ઉપર થતા અત્યાચાર બાબતે ગંભીરતાથી નોંધ લેવામાં આવી અને આ બાબતે ઠરાવ પસાર કરીને ઉગ્ર રજુઆતો કરવી. તેમજ સને-૨૦૦૬માં દલિત અધિકાર સંઘ ગુજરાતની રજુઆતોથી ફકીરભાઈ વાઘેલા રાષ્ટ્રીય અનુસુચિત જાતિ આયોગ પ્રેસિડેન્ટ, વાઈસ પ્રેસિડેન્ટ પોરબંદર જિલ્લાની મુલાકાતે આવેલ ત્યારે સાંથણીના કાર્યક્રમો કરવા જિલ્લાના વડાને સુચના આપેલ અને ૧૨૬ સફાઇ કામદારોને કાયમી કરવા સુચના આપેલ.

જેના હિસાબે પોરબંદર જિલ્લામાં સાંથણીની ખેતીની જમીન ૪૩૭ હેકટર જમીન ખેતીના હેતુ માટે અનુસૂચિત જાતિ સમાજના પરિવારો તેમજ માજી સૈનિકોને ખેતીની જમીન મળેલ ત્યારબાદથી આજ સુધી સાંથણીના કાર્યક્રમ સરકાર દ્વારા થયેલ ન હોય. જેથી સંગઠન દ્વારા સરકારમાં રજુઆતો કરવા માટે સર્વમતે ઠરાવો કરવામાં આવેલ. વિર શહીદોના નામ કાયમી ગુંજતા રહે જેથી દલિત અધિકાર સંઘ ગુજરાતની રજૂઆતથી વિર શહીદ કિશોર ડોડીયાના નામથી નિશાળનું નામકરણ સ્વ. ફકીરભાઇ વાઘેલાના હસ્તે અગાઉ કરવામાં આવેલ. તેમજ અગાઉ સને ૨૦૦૬માં પોરબંદર નગરપાલિકા જનરલ કમિટી મિટીંગમાં ઠરાવ કરેલ છે તે મુજબ બાલુબા કન્યાશાળા પાસે અર્ધ કદનું બાવલું વિર શહીદ કિશોર ડોડીયાનું મુકવા અંગે ઠરાવ થયેલ છે જે બાબતે પોરબંદર છાંયા નગરપાલિકા દ્વારા ઘટીત કાર્યવાહી કરીને મંજુરી આપવામાં આવે તે અંગે રજુઆતો કરવામાં આવશે.

છાંયા જય અંબેનગરના સાર્વજનિક પ્લોટમાં પેવરબ્લોક નાખવા અંગેની રજુઆત રામજીભાઈ ડોડીયા દ્વારા કરવામાં આવતા આ અંગે પોરબંદર છાયા નગરપાલિકામાં અલગથી રજુઆતો કરીને આ સાર્વજનિક ચોકમાં પેવર બ્લોક નાખવામાં આવે તો સારા-નરશા પ્રસંગે આ વિસ્તારના અનુસૂચિત જાતિ સમાજના પરિવારોને ફાયદા થાય તે માટે સંગઠન દ્વારા રજુઆત કરવામાં આવશે. ફટાણા ગામના આગેવાનની રજુઆતથી તલાટી મંત્રી અનુસુચિત જાતિ સમાજના લોકોને આવકના દાખલા ન આપતા હોય જેથી સરકારની યોજના ફ્રી શિક્ષણ અંગે પહેલા ધોરણમાં એડમીશન માટે બાળકોનું ભવિષ્ય બગડી રહેલ છે અને શિક્ષણથી વંચિત રહી જાય છે જેથી આ બાબતે દલિત અધિકાર સંઘ ગુજરાત પોરબંદર જિલ્લા દ્વારા જિલ્લાના વડા કલેકટર તેમજ વિકાસ અધિકારીને રજુઆતો કરીને હવે પછી પોરબંદર જિલ્લાના તમામ તલાટી મંત્રીઓ કોઈપણ અનુસુચિત જાતિ સમાજ કે બીજા અન્ય સમાજને ચેનકેન પ્રકારે ખોટી રીતે હેરાન પરેશાન ન કરે અને તેમની ફરજો યોગ્ય રીતે નિભાવે તેવી રજુઆત કરવામાં આવશે.

તેમજ દલિત અધિકાર સંઘ ગુજરાત પોરબંદર જિલ્લાના સંગઠન દ્વારા મુખ્ય અધિકારો અને માંગણીઓ માટે સતત લડતો આપવામાં આવશે જેમાં નીચે મુજબ ઉચ્ચ કક્ષાએ રજુઆતો કરવામાં આવશે. સરકારી નોકરીઓમાં “બેક લોગ”ની બાકી રહેલી જગ્યાઓ તાત્કાલિક ભરવામાં આવે અને વહેલી તકે “રોસ્ટર એકટ લાવવામાં આવે. એકઝીકયુટીવને મહત્વના સ્થાનો ઉપર સક્ષમ અનુસુચિત જાતિ સમાજના અધિકારીઓની નિમણૂંક કરવામાં આવે. અનુસૂચિત જાતિ સમાજના કર્મચારી, અધિકારીને ખોટા ગુન્હામાં સંડોવી પ્રમોશનથી વંચિત રાખવાના કાવતરા બંધ કરવામાં આવે. સહકારી સંસ્થાઓ, બોર્ડ નિગમો તેમજ સરકારી અનુદાનથી ચાલતી સંસ્થાઓમાં ‘અનામત પ્રથા’નો ચુસ્ત અમલ કરવામાં આવે.

અનુસૂચિત જાતિ સમાજના લોકોને આપવામાં આવેલ જમીનોના વાસ્તવિક કબ્જા આપવામાં આવે અને ખેતમજૂર, શ્રમિકોને લઘુતમ વેતન મોંઘવારીના સંદર્ભમાં વધારવામાં આવે.મીલો બંધ પડતા બેકાર મીલ કામદારોને વૈકલ્પિક રોજગારી આપવામાં આવે અને બાકી રહેલ પુનઃવસનના નાણા તાત્કાલિક ચુકવવામાં આવે. અનુસૂચિત જાતિ/જનજાતિ (અત્યાચાર નિવારણ) ધારો ૧૯૮૯ની છટકબારીઓ બંધ કરી અસરકારક અમલ કરવામાં આવે.

અનુસુચિત જાતિ માટેની ‘અંગભુત યોજના’માં વસ્તીના પ્રમાણમાં આયોજન કરવામાં આવે અને ખર્ચ કરવામાં આવે.‘સામાજિક સમરસતા’ પ્રબળ બનાવવા ધાર્મિક ટ્રસ્ટોમાં ફરજીયાતપણે એક અનુસુચિત જાતિ સમાજના ટ્રસ્ટીની નિમણુંક કરવામાં આવે. વણકર સહકારી મંડળીઓ રીબેટની બાકી રકમ તાત્કાલિક ચુકવવામાં આવે અને ‘હાથશાળ’ વ્યવસાયને ઉત્તેજન આપી બેકાર વણકર ભાઇઓને રોજગારી પૂરી પાડવામાં આવે ‘ચર્મ ઉદ્યોગ’ને આધુનિક સગવડો પૂરી પાડી પ્રોત્સાહન આપવામાં આવે અને ‘રોહિત” સમાજનાઉત્થાન માટે પગલા લેવામાં આવે.

સફાઇ કામદારો દ્વારા ‘માથે મેલુ ઉપાડવાની” ધૃણિત અને અમાનનીય પ્રથા સદંતર બંધ કરી વૈકલ્પિક રોજગાર પુરો પાડવામાં આવે. નગરપાલિકા, મહાનગરપાલિકામાં જયાં સફાઇ કામદારોની ‘બીટ’ સંપૂર્ણ રીતે ભરાય નહીં ત્યાં સુધી સફાઇ કામમાં કોન્ટ્રાકટ પ્રથા દાખલ કરવામાં ન આવે. અતિ પછાત એવી વાલ્મીકિ, સેનમાં, નાડી, હાડી, ગરો, તુરી વગેરેના ઉત્કર્ષ માટે વિશિષ્ટ યોજનાઓ ઘડવામાં આવે, તેમના વંશ પરંપરાગત ધંધાને પ્રોત્સાહન આપવામાં આવે. અતિ પછાત જાતિઓ માટેનું જુદું ‘વિકાસ બોર્ડ” ઘડવામાં આવે. વિચરતિ- વિમુકત જાતિના વિદ્યાર્થીઓને શૈક્ષણિક સંસ્થામાં જે લાભ આપવામાં આવે છે તે કાયમી ધોરણે કરવામાં આવે.

બી.પી.એલ. યાદીમાં ક્ષતિને કારણે અનુસુચિત જાતિ સમાજના લાભાર્થીઓને લાભ મળતો નથી તેથી તેમને સુધારવામાં આવે. તાલુકા, જિલ્લા પંચાયતની માફક નગરપાલિકા, મહાનગરપાલિકામાં પણ સમાજીક ન્યાય સમિતિની રચના કરવામાં આવે. અનુસુચિત જાતિ સમાજના ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપવા નાણાકીય એજન્સીઓ દ્વારા ઓછા વ્યાજે ધિરાણ કરવામાં આવે. ઉપર મુજબની રજુઆતો ઉચ્ચ કક્ષાએ વખતો વખત સંગઠન કરતુ રહેશે.તેમજ આગામી દિવસોમાં ફરીથી દલીત અધિકાર સંઘ ગુજરાત પોરબંદર જિલ્લાની મિટીંગ આવશે અને ઘટિત રજુઆતો કરવામાં આવશે.

મિટીંગમાં દલિત અધિકાર સંઘ ગુજરાત પોરબંદર જિલ્લાના પ્રમુખ રાણાભાઇ કારાભાઈ શીંગરખીયા તેમજ મગનભાઇ સાદીયા, પુંજાભાઇ શીંગરખીચા, પૂર્વ સભ્ય છાયા નગરપાલિકા ભરતભાઈ કારાભાઈ શીંગરખીયા, સમસ્ત અનુ. જાતિ પ્રમુખ સુમનભાઇ બેચરભાઇ ચાવડા, સામાજિક જિલ્લા પંચાયત ચેરમેન હેમંતભાઇ ડોડીયા, વણકર સમાજ વિદ્યાર્થી ભવન ટ્રસ્ટી હીરાભાઇ રાજાભાઇ ખરા, આનંદભાઇ દાફડા, પોરબંદર-છાંયા નગર પાલિકાના સભ્ય લાભુબેન માધવજીભાઇ મકવાણા તેમજ મહિલા અગ્રણી ઉર્મિલાબેન ગૌતમભાઇ શીંગરખીયા તેમજ રામજીભાઇ ડોડીયા, દેવશીભાઇ ડોડીયા, પુંજાભાઇ વાળા, આવળભાઇ શીંગરખીયા, જેઠાભાઇ ચાવડા, આનંદભાઇ રાઠોડ, પુંજાભાઇ પાંડાવદરા, બાલુભાઇ શીંગરખીયા, હસુભાઇ કટારીયા, હરદાસભાઈ ચાંચીચા, બાબુભાઇ પરમાર, સવદાસભાઇ પાંડાવદરા, ભીમાભાઇ વિકમા, પીઠાભાઇ શીંગરખીયા, પ્રવીણભાઇ મારૂ, કિશનભાઇ જેઠાભાઇ શીંગરખીયા, નિલેશભાઇ શીંગરખીયા, વિજયભાઈ રાઠોડ, નાનજીભાઇ પાંડાવદરા, પ્રવીણભાઇ પાંડાવદરા, મનોજભાઇ શીંગરખીયા, દાનાભાઇ વાળા તેમજ ઘણા આગેવાનો હાજર રહ્યા હતા.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે