મૂળ ફટાણાના તથા છેલ્લા કેટલાક સમયથી પોરબંદર રહેતા કુખ્યાત સખ્શે ગત સપ્તાહે વેપારી પાસે ખંડણી માંગી પોલીસ કંટ્રોલરૂમ માં ગાળો કાઢ્યા બાદ હવે કોન્ટ્રાક્ટર પાસે દારૂ પીવાના પૈસા માગીને કારના કાચ ફોડી એટ્રોસીટીની ખોટી ફરિયાદ કરવાની ધમકી આપતા વધુ ફરિયાદ નોંધાઈ છે.
પોરબંદર ના સીતરામનગર માં આવેલ રામેશ્વર મંદિર સામે રહેતા અને કોન્ટ્રાકટરનો વ્યવસાય કરતા ભીમભાઈ ભરતભાઈ પરમાર(ઉવ ૩૩)એ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તા. ૨૬ ના ઘરે મહેમાન આવ્યા હોવાથી બેઠા હતા. તે દરમ્યાન આઠેક વાગ્યે કાચ તૂટવાનો અવાજ આવતા ઘરની બહાર નીકળીને જોયુ તો ફટાણાનો કુખ્યાત સખ્શ મહેશ રામા બથવાર ત્યાં ઉભો હતો. અને ભીમભાઈ ના મિત્રની કારના કાચને પથ્થર મારીને તોડતો હતો.
આથી ભીમભાઈએ તેને આવુ કરવાનું કારણ પૂછતા તેણે ‘મારે દારૂ પીવો છે જેથી દારૂના પૈસા આપો’ તેવી માંગણી કરતા ભીમભાઈ એ પૈસા આપવાની ના પાડતા ગાળો બોલવા લાગ્યો હતો તે દરમિયાન ભીમભાઈના માતા મંજુબેન પણ ત્યાં જતા તેઓએ પણ મહેશને ગાળો કાઢવાનુ કારણ પૂછતા મહેશે કે ‘ખોટી એટ્રોસીટીની ફરિયાદ કરી જેલમાં પુરાવી દઇશ’ અને મારી વિરુધ્ધ ફરિયાદ કરશો તો તમને બન્ને મા-દિકરાને જાનથી મારી નાખીશ’ તેવી ધમકી આપી હતી અને કારનો પાછળનો કાચ તોડીને ૬૦૦૦ રૂા.નું નુકશાન કર્યું હતું. પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મહેશે ગત અઠવાડિયે તે જ વિસ્તાર માં એક વેપારી પાસે ખંડણી માંગી હતી. અને પોલીસ કંટ્રોલરૂમ માં ફોન કરી ગાળો કાઢી હતી. જે અંગે તે સમયે ૨ ગુન્હા નોંધાયા હતા ત્યારે વધુ એક ફરિયાદ નોંધાઈ છે.