Tuesday, December 6, 2022

|| तुम रक्षक काहू को डरना ||

નવરાત્રી ના પાવન પર્વ નિમિતે પોરબંદર નજીક આવેલ માં હરસિદ્ધિ ના મંદિર ખાતે ભક્તોની ભારે ભીડ:જાણો આ પૌરાણિક મંદિર નો સંપૂર્ણ ઈતિહાસ

પોરબંદર સહીત દેશભર માં નવરાત્રી નો ભક્તિમય માહોલ માં પ્રારંભ થયો છે. ત્યારે વિવિધ માઈ મંદિરો માં ભક્તો ની ભારે ભીડ જોવા મળે છે. અને ભક્તો દ્વારા માતાજી ને ચુંદડી,નૈવેદ,શ્રીફળ વગેરે દ્વારા રીઝવવા પ્રયાસ કરવામાં આવે છે. ત્યારે પોરબંદર દ્વારકા હાઈવે પર આવેલ હરસિદ્ધી માતાજી ના પૌરાણિક મંદિર ખાતે પણ પ્રથમ નોરતે ભક્તો ના ઘોડાપુર ઉમટ્યા હતા. મોટી સંખ્યા માં ભક્તો એ સવારે અને સાંજે માતાજી ની આરતી નો લાભ લીધો હતો. નવરાત્રી દરમ્યાન માતાજી ને દરરોજ અવનવા શણગાર કરવામાં આવી રહ્યા છે. જે દર્શન નો લાભ લઇ ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે.

પોરબંદર અને દ્વારકા વચ્ચે આવતું સુપ્રસિદ્ધ યાત્રાધામ હર્ષદ મંદિર પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે, જ્યાં એકબાજુ ઘૂઘવતો સમુદ્ર અને તેની ખાડી છે. તો બીજી બાજુ કોયલા ડુંગર ઉપર ધર્મની ધ્વજા ફરકાવતા હરસિદ્ધિ માતાજીનું પ્રાચીન મંદિર આવેલું છે. આ મંદિરનું જામનગર સ્થિત જામસાહેબ બાપુ ના ટ્રસ્ટ દ્વારા સંચાલન કરવામાં આવે છે અને અહી પુજારી તરીકે હરીશભાઈ મોઢા માતાજીની સેવા કરે છે. હાલ નવરાત્રી દરમ્યાન અહી ભક્તો ની ભારે ભીડ રહે છે. ત્યારે જાણીએ મંદિર નો ઈતિહાસ.

શ્રી હરસિદ્ધિ માતા મંદિર નો ઇતિહાસ
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા કલ્યાણપુર તાલુકાના હર્ષદ (ગાંધવી) મુકામે આવેલાં હરસિદ્ધિ માતાના મંદિરનું અનેરું મહાત્મ્ય છે. આ મંદિર દરિયા કિનારાની પાસે આવેલા એક પર્વત પર બનેલું છે, જે કોયલા ડુંગર તરીકે પ્રસિદ્ધ છે. કોયલા ડુંગરની ટોચે અને ડુંગરની તળેટીમાં એમ બંને જગ્યાએ માતાજીનાં મંદિરો છે, જેનાં દર્શન કરી દરરોજ હજારો ભક્તો ધન્યતા નો અનુભવ કરે છે. જો કે હાલ પર્વત પર નું મંદિર જર્જરિત હોવાથી અહી પ્રવેશ પર પ્રતિબંધ છે. આથી ભક્તો તળેટી માં આવેલ મંદિરે દર્શન કરે છે. આ બંને મંદિરો સાથે પૌરાણિક કથાઓ જોડાયેલી છે. હરસિદ્ધિ માં ને હર્ષદ, હર્ષત્, સિકોતેર અને વહાણવટી માતા જેવા નામો દ્વારા ઓળખાય છે. તેઓ ભગવાન શ્રીકૃષ્ણના કુળદેવી પણ છે.

શ્રી હરસિદ્ધિ માતા ની પ્રાગટ્ય કથા
શ્રીકૃષ્ણ ભગવાનનાં કુળદેવી કહેવાતાં હરસિદ્ધિ માતાનું કોયલા ડુંગર પર પ્રાગટ્ય કેવી રીતે થયું તેની કથા એવી છે કે બેટદ્વારકામાં રહેતા રાક્ષસ શંખાસુરને હણવા માટે ભગવાન શ્રીકૃષ્ણએ તેમનાં કુળદેવી હરસિદ્ધિ માતાની કોયલા ડુંગર પાસે પૂજા-અર્ચના કરી. શ્રીકૃષ્ણની ભક્તિથી પ્રસન્ન થયેલી માતા કોયલા ડુંગર પર પ્રગટ થયાં અને શ્રીકૃષ્ણને કહ્યું કે તમે તો ત્રિભુવનના નાથ છો, સર્વશક્તિમાન છો, છતાં મને કેમ યાદ કરી? ત્યારે શ્રીકૃષ્ણએ માતાને વિનંતી કરી કે બેટદ્વારકામાં રહેતા રાક્ષસ શંખાસુરને હણવા માટે મારે તમારી સહાયતાની જરૂર છે. માતાજીએ વચન આપ્યું કે ‘જ્યારે તમે છપ્પનકોટિ યાદવો સાથે શંખાસુરને હણવા જશો ત્યારે દરિયાકિનારે ઊભા રહીને મારું સ્મરણ કરશો ત્યારે હું તમને મદદ કરવા આવી પહોંચીશ.

માતાજીના આશીર્વચન પ્રાપ્ત થતાં છપ્પનકોટિ યાદવો અને શ્રીકૃષ્ણએ મળીને કોયલા ડુંગરની ટોચ પર હરસિદ્ધિ માતાનું સ્થાપન કર્યું. કોયલા ડુંગરની ટોચ પર આવેલા મંદિરે જવા માટે ૪૦૦ જેટલાં પગથિયાં છે અને ઉપર પહોંચીને દર્શન કરનારને માતાજીનાં દર્શનની સાથે પ્રકૃતિનું પણ અનેરું સ્વરૂપ જોવા મળે છે, કારણ કે તળેટીમાં અરબી સમુદ્ર દ્રષ્ટિમાન થાય છે. ટોચ પરથી માતાજી નીચે કેવી રીતે આવ્યાં તેની પણ પૌરાણિક કથા ભારે રસપ્રદ છે.

એક એવી લોકવાયકા હતી કે દરિયામાં વેપારઅર્થે નીકળતાં વહાણ જ્યારે કોયલા ડુંગર પાસે માતાજીના મંદિરની સન્મુખ આવે ત્યારે તેમનું સ્મરણ કરીને દરિયામાં નાળિયેર પધરાવવું પડતું, જેથી તેમની આગળની મુસાફરી નિર્વિઘ્ને પાર પડે. એકવાર કચ્છના વેપારી જગડુશા તેમનાં સાત વહાણોમાં માલ ભરીને વેપારઅર્થે દરિયો ખેડવા નીકળ્યા પરંતુ તેઓ માતાજીની સન્મુખ આવતા આહુતિ આપવાનું ભૂલી ગયા એટલે તેમનાં છ વહાણ ડૂબી ગયાં. સાતમું વહાણ બચાવી લેવા માટે જગડુશાએ માતાજીને ભાવભરી પ્રાર્થના કરી, જેનાથી માતાજી પ્રસન્ન થયાં અને વરદાન માગવા કહ્યું. તે જ સમયે જગડુશાએ કહ્યું કે ‘માતાજી તમે ડુંગરની ટોચ પરથી તળેટીમાં પધારો અને આજ પછી કોઈનાં વહાણ ડૂબે નહીં તેવું કરો.

માતાજીએ જગડુશાની કસોટી કરવા માટે કહ્યું કે ‘જો તું દરેક પગથિયે મને બલિ ચઢાવે તો હું નીચે આવું. જગડુશાએ માતાજીની શરત માન્ય રાખી અને દરેક પગથિયે એક-એક પશુનો બલિ આપતા ગયા, પણ છેલ્લાં ચાર પગથિયાં બાકી હતાં ત્યારે બલિ ખૂટી ગયા એટલે જગડુશાએ પોતાના દીકરા, બે પત્નીઓનો બલિ આપ્યો અને છેલ્લા પગથિયે પોતાનો બલિ આપ્યો. આખરે માતાજી તેમની ભક્તિથી પ્રસન્ન થયાં અને જગડુશા, તેમનો દીકરો, બંને પત્નીઓ તથા તમામ બલિઓને સજીવન કર્યા અને જગડુશાએ માતાજીનું મંદિર ડુંગરની તળેટીમાં બંધાવ્યું. આજે પણ આ મંદિરનું ભારે મહાત્મ્ય છે.

બીજી પણ એક લોકવાયકા એવી છે કે મહારાજા વિક્રમાદિત્યે તપશ્ચર્યા કરીને દેવીને પ્રસન્ન કર્યા અને તેમને પોતાની સાથે ઉજજૈન લઈ ગયાં.આમ માતાજીનો વાસ રાત્રી દરમ્યાન ઉજજૈનના હરસિદ્ધ મંદિરમાં અને દિવસ દરમ્યાન દ્વારકા જીલ્લાના હરસિદ્ધ મંદિરમાં હોય છે. માતાજી અહી પધારે તે વખતે હિંડોળાનો અવાજ થાય ત્યાર બાદ જ આરતી કરવામાં આવે છે અને ત્યારબાદ જ દર્શન થાય છે.

બંન્ને મંદિરોના મુખ્ય પીઠ પર સરખા મંત્ર તેમ જ પાછળથી દેવીની મૂર્તિઓ લગભગ સરખી છે. હરસિદ્ધ માતાનું મંદિર માત્ર સમચોરસ ગર્ભગૃહનું બનેલું છે. તેની દીવાલો તદ્દન સાદી છે. તેની રચનામાં ભૂમિ સમાંતર થર છે. જે ટોંચે પહોંચતા પહોંચતા સાંકડા બનતા જાય છે તે તેની ખાસીયત છે. મંદિરના શિખર ઉપરની અણિયારી ટોચ જો કે આજે અસ્તિત્વ ધરાવતી નથી, આ મંદિર ટેકરીની ટોચે આવેલું છે. અત્યારે જે મંદિર છે તે લગભગ બારમાં શૈકામાં બનેલું હોય તેવું માનવામાં આવી રહ્યું છે.
હરસિદ્ધિ મંદિરની બારશાખને સુંદર અને સુશોભિત કરેલી છે.બારશાખમાં દેવદે વીઓની તકતી શિલ્પમાં ધ્યાન ખેંચે છે.દ્વારસાખ ઉંપર પણ તક્તીઓ ધ્યાન ખેંચે તેવી છે. અત્યારે દરિયાની ખારી હવાને લીધે શિલ્પનો નીચેનો કેટલોક ભાગ તૂટેલો જણાય છે મંડપમાં ચાર ખૂણામાં ચાર અને બાકીના આઠ થાંભલા ઉપર મંડપ રચાયો હોય તેવું જણાય છે.તેથી તો આ મંદિર પુરાતત્વવિદોને પણ આકર્ષિત કરે તેવું છે.

સૌરાષ્ટ્ર પશ્ર્ચિમ કિનારા ઉપર આવેલું મિયાણી હજાર-દોઢ હજાર વર્ષ જુનું યાત્રાધામ છે. હાલ એની ખ્યાતિ હર્ષદમાતાના થાનક તરીકે છે, પરંતુ પ્રાચીનકાળમાં તે સૂર્ય, શૈવ, શાક્ત, ગણેશ, વિષ્ણુ અને જૈન યાત્રાધામ પણ હશે. હાલ મીયાણીમાં નાનામોટાં કુલ વીસ મંદિરો આવેલાં છે. આ મંદિરોની વિશિષ્ટતા એ છે કે એમાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ એ ત્રણે મહાન દેવતાના પ્રાચીન થાનકો છે. અહી ચક્કર લગાવતા એવી અનુભૂતિ થાય છે કે મિયાણી સર્વધર્મ સમન્વયની નગરી અને સોમનાથ તથા દ્વારકાની સાથે બરાબરી કરી શકે તેવી મહાન શક્તિપીઠ હશે તેમ જણાવીને પોરબંદરના ઈતિહાસવિદ્ નરોત્તમભાઈ પલાણે ઉમેર્યું હતું કે, પુરાતત્ત્વવિદો માને છે કે હાલ જે સ્થળે તળેટીમાં માતાજીનું થાનક છે તે અર્ધકુદરતી અને અર્ધ માનવસર્જિત દોઢ હજાર વર્ષ જૂની શક્તિપીઠ હશે. કુદરતી ભાગ ડુંગરામાં ભોંયરા જેવો છે. તે મૂળ કૌલસ્થાન હશે. આ કૌલસ્થાન ઉપરથી જ ડુંગરનું નામ કોયલો ડુંગર પડ્યું જણાય છે.

વિધર્મીઓના આક્રમણને કારણે મૂળ થાનક નાશ પામ્યું હશે અને પછી એ જ સ્થળે કચ્છના જગડુશાહ દ્વારા માતાજીના યંત્રની સ્થાપના થઈ હશે. તથા ક્રમશ: હર્ષદમાતાની મૂર્તિ તથા જગડુશાહના પરિવારની મૂર્તિઓ બેસાડવામાં આવી હશે. આજે માતાજીનું આ થાનક જીવતું જાગતું થાનક છે અને દરરોજ હજાર યાત્રાળુઓ હર્ષદમાતાના દર્શને આવે છે. હર્ષદમાતાના મંદિરની આજુબાજુ હોટલ, લોજ, ધર્મશાળાઓ તથા બજાર ઊભાં થયેલા છે. આ મંદિરની સામે જ માતાજીના કવિની નાનકડી ડેરી છે. આ કવિ બ્રહ્મભટ્ટ હતા, જેમણે ‘હર્ષદબાવની’ વગેરે માતાજીના કવિત્તો અને દુહાઓની રચના કરેલી છે.

તળેટીમાંથી ડુંગર ઉપર જવાનાં પગથિયાં ચડતાં જમણી બાજુ સૂર્યદેરી અને ડાબી બાજુ ગણેશ તથા ચામુંડાની દેરીઓ આવેલી છે. સમગ્ર મિયાણીમાં આ ત્રણ દેરીઓ સૌથી જૂની છે તેની ઉપર ત્રણ, બે અને એકના ક્રમમાં મૈત્રકકાલીન ચંદ્રશાલાઓ કોતરેલી છે. હાલ એક દેરીનું આમલક નીચે તૂટેલું પડ્યું છે. ડુંગર ઉપર નાનકડો કિલ્લો છે અને તેમાં સુંદર કલાકારીગરીવાળું ભગ્ન મંદિર આવેલું છે. મૂળમાં આ શિવમંદિર હતું, પરંતુ પંદરમી સદીના આરંભમાં ઝફરખાને તેનું લિંગ ઉખેડીને ફેંકી દીધું છે અને તે સ્થળે ખાડો થઈ ગયેલો છે. શ્રદ્ધાળુઓ આ ખાડને નીચે જતું ભોંયરું માને છે. અહીંથી વર્તુ નદીનો સાગરસંગમ બહુ સુંદર દેખાય છે.

એક કાળે માતાજીનાં થાનક અને ગામ વચ્ચે ખાડીમાં હોડીઓ હાલતી હતી, યાત્રાળુઓ હોડીમાં બેસીને સમુદ્રની સફર માણી શકતા હતા, હવે પુલ થઈ જતાં હોડીઓ બંધ થઈ ગઈ છે. મિયાણી ગામમાં કુલ 6 મંદિરો આવેલાં છે, જેમાંથી નીલકંઠ મહાદેવનું મંદિર તથા ઋષભનાથનું જૈન મંદિર સૌથી મોટા અને શિલ્પખચિત છે. નીલકંઠના મંદિરમાં લકુલીશની મૂર્તિ આવેલી છે. ગામના પાદરમાં કુલ ચાર મંદિરો છે, જેમાં વિષ્ણુમંદિરની વરાહ ભગવાનની મૂર્તિ હાલ જૂનાગઢના મ્યુઝિયમમાં સંગ્રહાયેલ છે. બીજું ગણેશમંદિર છે, થોડે દૂર ખાડીના કાંઠે વિરલ એવું બ્રહ્મામંદિર આવેલુ છે. આ મંદિરની બ્રહ્મામૂર્તિ પણ દર્શનીય છે.

બ્રહ્માદેરીથી પાંચ ડેરાં આવતાં વચ્ચેના રોડના કાંઠે હમણાં થોડા સમય પહેલાં બીજું બ્રહ્મામંદિર બન્યું છે. એની અંદર આવેલી બ્રહ્મામૂર્તિ પણ પ્રાચીન છે. પાંચ ડેરા મૂળમાં શિવપંચાયતન છે અને ત્યાં આવેલા શિલાલેખ ઉપરથી તે હજાર વર્ષ જૂનું સ્થાન છે. એક કાળે અહીં વિશાળ ગૌશાળા હતી અને પોરબંદર રાજ્યનું છેલ્લું થાણું હતું. આજે સાધુબાવા રહે છે, પણ ભવ્યતા નાશ પામી છે. ભગવાન યુગે યુગે નવો અવતાર ધારણ કરે છે, તેમ મંદિર મૂર્તિ અને જૂનાં દેવસ્થાનો ભુલાઈ જાય છે. નવા યુગના નવા દેવતા મંડાય છે અને તેના શંખનગારા વાગે છે.

ભુલાયેલી દેવનગરી મિયાણી
મિયાણી હાલ ભુલાયેલી દેવનગરી છે. 1900 છપ્પનિયા દુષ્કાળમાં મિયાણીના બાગબગીચા અને બંદરની જાહોજલાલી નાશ પામ્યા. અંગ્રેજ સરકારે ભાટિયા વેપારીઓને મુંબઈમાં વધુ સગવડ આપી, આથી મિયાણીની આજુબાજુના વેપારીઓ મુંબઈ પહોંચી ગયા. દુકાળનાં કારણે ઉપરાઉપરી પાંચેક વરસ વર્તુ નદીમાં પૂર આવ્યા નહીં. બંદર ધોવાણું નહીં અને સતત અંદર આવી રહેલી દરિયાની રેતીથી મિયાણીનું બારું પુરાઈ ગયું. પોરબંદર રાજ્ય પાસે આ બંદર સાફ કરાવવા માટેના સાધનસામગ્રી નહોતા, પરિણામે મિયાણી બંદરનો નાશ થયો. 1947 પછી મિયાણી સાવ ભુલાઈ ગયું. આજે મિયાણીનું અસ્તિત્વ માત્ર હર્ષદ માતાના આધારે જ ટકી રહ્યું છે તેમ પણ નરોત્તમભાઈ પલાણે ઉમેર્યું હતું.

હરસિદ્ધિ માતા ઘણા બધા કુટુંબમાં કુળદેવી તરીકે પૂજાય છે. તેમનામાં શ્રદ્ધા ધરવતા અનેક લોકો તેમની માનતા માને છે. અને બાધા ઉતરાવવા માટે આ સ્થળે આવે છે. તેથી આ મંદિરનું જેટલું ધાર્મિક મહત્વ રહેલું છે તેટલું જ તેના દરિયા કિનારાનું આકર્ષણ રહેલુ છે.અહિનો દરિયા કિનારો ખૂબ જ નયનરમ્ય છે.મંદિરની પાછળ એક કિલોમીટર દુર સુધી રેતીવાળો છીછરો દરિયા કિનારો જોવા મળે છે. આમ આ મંદિર પ્રવાસન સ્થળ તરીકે પણ જોવામાં આવે છે.

આ સ્થાનક પોરબંદરથી 40 કિમી અને દ્વારકાથી 50 કિમીના અંતરે આવેલું છે. પોરબંદરથી દર કલાકે એસ.ટી. બસની સગવડ છે. અહીં દર્શનાર્થે આવેલા ભક્તોને રોકાવા ઘર્મશાળાઓ પણ ઘણી છે. આ સિવાય કોયલા ડુંગરની તળેટીમાં આવેલ બજારમાં ચા-નાસ્તો, ભોજન, માતાજીનો ચઢાવો વગેરે મળી રહે છે.

માતા હરસિદ્ધિ આરતી દરમ્યાન રહે છે હાજર
હાલાર અને સોરઠની ધરતીની સરદહ ઉપર આવેલ હરસિધ્ધિમાતાનું તિર્થધામ ભગવાન શ્રી ક્રિષ્ના તથા રાજા વિક્રમાદિત્યના કુળદેવીનું સ્થાનક છે. હાલરના સાગરકાઠાની સૃષ્ટીમાં ગાંધવી ગામની હદમાં મેઢાખાડીના કિનારે હરસિધ્ધિમાતાજીનું મંદિર આવેલ છે. કોયલા ડુંગર ઉપર આવેલ હરસિધ્ધિમાતાનું મંદિર ચાલુકય કાળનું મંદિર છે. આરતી અત્યંત અદભૂત છે. એવું કહેવાય છે કે માતા હરસિદ્ધિ એ આરતી દરમિયાન હાજર રહે છે.
નવરાત્રીમાં રહેશે ભક્તોની ભીડ
પોરબંદરથી 40 કિલોમીટર દૂર આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ હર્ષદ ખાતે નવરાત્રી દરમિયાન હજારો ભક્તોની ભીડ ઉમટી પડશે. માત્ર પોરબંદર પંથકમાંથી જ નહીં, પરંતુ સૌરાષ્ટ્ર અને ગુજરાતના ગામોમાંથી પણ અનેક માઈભક્તો હર્ષદમાતાજીના દર્શનાર્થે આવશે. આમ પણ આ પ્રવાસન ધામ હોવાથી રવિવાર અને રજાના દિવસોમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. ત્યારે નવરાત્રીના નવેનવ દિવસ સવિશેષ પ્રવાસીઓ જોવા મળશે.
પગપાળા ચાલીને પહોંચવાની માનતા
પોરબંદરથી અસંખ્ય શ્રદ્ધાળુઓ દર શનિવારે રાત્રે હર્ષદ જવા માટે પગપાળા નીકળે છે, ત્યારે નવરાત્રી દરમિયાન તેની સંખ્યા પણ ખૂબ વધે છે . અહીંથી ત્યાં જવા માટેનો મુખ્ય હાઈવે વાહનોથી સતત ધમધમતો હોવાથી પ્રવાસીઓને કોઈ અગવડતા પડતી નથી. નવરાત્રીના 9 દિવસો દરમિયાન ઘણા લોકો પોરબંદરથી હર્ષદ સંઘમાં પણ જશે.

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે