Wednesday, November 12, 2025

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર માં ૮ લોકો સાથે ઈઝરાઈલ મોકલવાના નામે ૫૬ લાખ ની છેતરપિંડી

પોરબંદરના બખરલા ગામે રહેતા યુવાન સહિત આઠ લોકોને ઇઝરાયેલ મોકલવાનું જણાવી ઇશ્વરીયાના પિતા પુત્ર અને આણંદના શખ્સે સાથે મળીને રૂપિયા ૫૬ લાખની છેતરપીંડી કરી હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

બખરલા ગામે નવા વણકરવાસમાં રહેતા અને કડીયાકામની મજૂરી કરતા કનાભાઈ પુંજાભાઈ મારુ નામના ૩૬ વર્ષના યુવાને કુતિયાણા પોલીસમથકમાં છેતરપીંડી અંગેની વિધિવત પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે છ મહિના પહેલા તેમના ગામના કિશન મારૂ અને કરણ મારૂ બંને સીંગાપોર ખાતે કામધંધો કરવા ગયા હતા જેથી ફરિયાદી કનાભાઈ તેના મિત્રો સાથે બેઠા હતા ત્યારે એવું જણાવ્યુ હતુ કે તેને પણ સીંગાપોર જવાની ઇચ્છા છે અને તેના ગામના યુવાનોને ઇશ્વરીયા ગામના માધા રાજા રાઠોડે વિદેશ મોકલી આપ્યા છે જેથી ફરિયાદી અને તેના મિત્ર પ્રવીણ મારુ એમ બંને ઈશ્વરીયા ગામે માધાભાઈના ઘરે ગયા હતા. જયાં માધાનો પુત્ર જિજ્ઞેશ પણ હાજર હતો અને સીંગાપોર જવાની વાત કરતા માધાએ એવું કહ્ય હતુ કે, ‘તમારે સીંગાપોર જવું હોય તો ફાઇલ ખર્ચના ૧૦ હજાર અત્યારે આપવા પડશે અને વીઝા આવ્યેથી પાંચ લાખ પચાસ હજાર આપવાના થશે તેથી ફરિયાદીએ હા પાડી હતી અને ઘરે પરત ફર્યો હતો.

ફરિયાદી કનામારુ પોતાના ઘરે ગયા બાદ માધાએ તેના દીકરા જિજ્ઞેશના મોબાઈલમાં ગુગલ પે એકાઉન્ટમાં ૧૦ હજાર રૂપિયા મોકલી આપવા જણાવ્યુ હતુ અને ડોક્યુમેન્ટની પી.ડી.એફ. ફાઇલ મોકલવા જણાવ્યુ હતુ જેથી તા. ૧૦-૪-૨૫ના ફાઇલખર્ચના ૧૦ હજાર રૂપિયા ગુગલ પે કરી દીધા હતા. ત્યારબાદ માધાએ ફોન કરીને ફરિયાદી કનામારુને એવું જણાવ્યુ હતુ કે, ‘સીંગાપોરના વીઝા બંધ થયેલ છે તેથી ત્યાં જવાનું નહી થાય, ઇઝરાયેલમાં જવું હોય તો વીઝા ચાલુ છે કહેજો.’ જેથી ફરિયાદીએ તેને ‘ત્યાં જવાનો ખર્ચ કેટલો આવશે?’ આથી માધાએ તેને એવુ જણાવ્યુ હતુ કે, ‘તમારા ૧૦ હજાર રૂપિયા જમા છે અને ફાઇલખર્ચ ૩૦ હજાર થશે તેથી અલગથી ૨૦ હજાર આપવાના રહેશે. અને વીઝા આવ્યેથી ૬ લાખ ૭૦ હજાર આપવાના થશે અને ઇઝરાયેલ જવાનો કુલ ખર્ચ ૭ લાખ થશે.’

એ દરમ્યાન ફરિયાદી કનાના નાનાભાઇ જયેશને પણ માધા સાથે અગાઉ ઇઝરાયેલ જવા બાબતે વાતચીત કરી હતી અને માધાના કહેવા મુજબ તેના દીકરા જિજ્ઞેશના ગુગલ પેમાં જયેશે ૨૦ હજાર મોકલ્યા હતા અને ૧૦ હજાર આપવાના બાકી હતા તેથી નાનાભાઈ જયેશના ૧૦ હજાર અને ફરિયાદીના ૨૦ હજાર મળી ૩૦ હજાર રૂપિયા ગુગલ-પે કરી દીધા હતા. ફરિયાદીએ જણાવ્યુ છે કે ત્યારબાદ તે રાણાવાવની સીમમાં મજૂરીકામે જતો હતો ત્યારે આદિત્યાણાનો તેનો મિત્ર સુરેશ ગોવિંદ પરમાર અને તેનો મિત્ર ધીરુ નથુ વાઘેલા એમ બંનેને પણ ઇઝરાયેલ જવાની ઇચ્છા હોવાથી માધાભાઈ સાથે વાતચીત કરાવીને ૬૦ હજાર રૂપિયા ફાઇલ ખર્ચના ચૂકવ્યા હતા.

ફરિયાદીને જણાવ્યુ હતુ કે આદિત્યાણાના રાજુ કારા બગડા, ધીરુ નથુ વાઘેલા, રવિ પોલા પાંડાવદરાએ પણ વાતચીત થતા એ રીતે ૩૦-૩૦ હજારની રકમ ચૂકવાઈ હતી. ત્યારબાદ રવિએ તેમના મિત્રો દેગામના ઋત્વીક ભીમા ખરા અને આદિત્યાણાના વિજય રમેશ મારૂ સાથે વાતચીત થતા એ લોકોએ પણ ફાઇલ ખર્ચના ૩૦-૩૦ હજાર ચુકવ્યા હતા .ત્યારબાદ તા. ૬-૮-૨૦૨૫ના ફરિયાદી કના મુંજા મારૂ ઉપરાંત સુરેશ ગોવિંદ પરમાર, ધીરુ નથુ વાઘેલા, રવિ પોલા પાંડાવદરા, ઋત્વીક ભીમા ખરા અને વિજય રમેશ મારૂ એમ તમામ લોકોને વોટસએપમાં માધા રાજા રાઠોડે ઇઝરાયેલમાં જવા માટે યશ સુપરમાર્કેટ કંપનીના જોબ ઓફરનો લેટર મોકલાવ્યો હતો અને ત્યારબાદ તા. ૨૯-૮ના વીઝા લેટર મોકલાવ્યો હતો.

ત્યારબાદ માધાએ તમામને ફોન કરીને પાંચ-પાંચ લાખ રૂપિયા જમા કરાવવા કહ્યુ હતુ આથી ફરિયાદી અને અન્ય લોકોએ ‘હાલ અમારી પાસે પાંચ-પાંચ લાખ રૂપિયા નથી, અઢી-અઢી લાખ થાય તેમ છે આથી માધાએ તેઓને એક વ્યક્તિના અઢી-અઢી લાખ લેખે કુલ ૧૫ લાખ રૂપિયા કુતિયાણામાં વચ્છરાજ કોમ્પ્લેકસ ખાતે આવેલી તેની ઓફિસ ખાતે જમા કરાવવા જણાવ્યુ હતું. ત્યારબાદ ફરિયાદી અને અન્ય લોકોએ પણ કુતિયાણામાં આવેલી વચ્છરાજ કોમ્પલેકસની ઓફિસ ખાતે તા. ૩-૯ના કુલ ૬ લોકોએ અઢી-અઢી લાખ લેખે ૧૫ લાખ રોકડા આપી દીધા હતા અને માધાએ તા. ૫-૯-૨૫ના પોરબંદર એગ્રીમેન્ટ કરાવવા માટે કહ્યુ હતુ.

ફરિયાદમાં જણાવ્યુ છે કે તા. ૫-૯ના ફરિયાદી અને છ લોકો તેમજ જેના વિઝા આવ્યા ન હતા તે જયેશ મુંજા મારુ અને રાજુ કારા બગડા એમ આઠેય લોકો સુદામા ચોક પાસે આવેલ વકીલ ભરત ડી. પોપટની ઓફિસે ગયા હતા અને માધા અને તેના દિકરા જિજ્ઞેશ પણ હાજર હતા અને એક અજાણી વ્યકિત પણ ત્યાં આવી હતી જેની માધાએ ઓળખ કરાવતા એવુ જણાવ્યુ હતુ કે, ‘આ અમારા મોટા સાહેબ છે. આણંદ ખાતે રહે છે જેનું નામ વિશાલકુઉમાર નંદકિશોર અનાવત છે. તેમ કહ્યુ હતુ અને વિશાલે ૩૦૦-૩૦૦ના સ્ટેમ્પ ઉપર આઠેય લોકોના એગ્રીમેન્ટ કરાવ્યા હતા તથા કહ્યુ હતુ કે તમારા બાકી નીકળતા રૂપિયા જમા કરાવી દો એટલે મેડિકલ અને બાયોમેટ્રીકની કામગીરી થઇ જાશે.

ત્યારબાદ તા. ૬-૯ના ફરિયાદી અને તમામ છ લોકોએ ભાવસિંહજી હોસ્પિટલ પાસે આવેલ પી.એમ. આંગડીયા પેઢી ખાતે એક વ્યક્તિના અઢી લાખ લેખે ૧૫ લાખ રોકડા માધાભાઈને જમા કરાવ્યા હતા અને માધાએ આ રૂપિયા આંગળીયા મારફતે આણંદના વિશાલ કુમાર અનાવતને મોકલી આપ્યા હતા. ત્યારબાદ તા. ૮-૯ના જયેશ મુંજા મારૂના વોટસએપમાં જોબ ઓફર લેટર અને વીઝા મોકલાવ્યા હતા જેથી જયેશે માધાના કહેવા મુજબ પંચાવન હજાર ગુગલ પે અને ૩ લાખ ૩૦ હજાર વચ્છરાજ કોમ્પલેક્સની ઓફિસમાં જમા કરાવ્યા હતા. ત્યારબાદ માધાએ તા.૧૬-૯ના સાતેય લોકોને ફોન કરીને એવુ જણાવ્યુ હતુ કે તા. ૨૩-૯ના તમારા બાયોમેટ્રિક અને મેડિકલ છે તથા તા. ૨૪-૯ના તમારી ઇઝરાયેલ જવા માટેની ફલાઇટ છે તેથી તા. ૨૦-૯ના મુંબઇ જવા માટે નીકળી જજો. હું તમારી પાછળ મુંબઇ આવીશ.

ત્યારબાદ તા. ૧૭-૯ના ફરિયાદી ઉપરાંત સુરેશ ગોવિંદ પરમાર, ધીરુ નથુ વાઘેલા, રવિ પોલા પાંડાવદરા, ઋત્વીક ભીમા ખરા અને વિજય રમેશ મારુએ આપવાના બાકી રહેતા વ્યક્તિ દીઠ ૧ લાખ ૭૦ રોકડા અને જયેશ મુંજા મારુના ૨ લાખ ૮૫ હજાર મળી કુલ રૂા. ૧૩ લાખ ૫ હજાર રોકડા માધાને તેની વચ્છરાજ કોમ્પ્લેક્સની ઓફિસ ખાતે જમા કરાવ્યા હતા. એ જ દિવસે રાજુ કારા બગડાને પણ વીઝા અને જોબ ઓફર લેટર અપાયા હતા ત્યારબાદ બધા પોતપોતાના ઘરે જવા નીકળી ગયા હતા.

હવે તો વિદેશમાં પહોંચશુ અને જબરી કમાણી કરશું તેવા સોનેરી સ્વપ્ન સાથે તા. ૨૦-૫-૨૫ના તમામ આઠ લોકો અને અન્ય માધાભાઈના કોન્ટેકટથી ઈઝરાયેલ જવાવાળા ચાર મળી કુલ ૧૨ લોકો પોરબંદર રેલ્વેસ્ટેશનથી મુંબઈ જવા માટે ટ્રેનમાં નીકળ્યા હતા અને મુંબઇ જઇને આઠેય લોકો બે દિવસ સુધી અંધેરીમાં રૂમ ભાડે રાખીને રોકાયા હતા.

માધો એક-બે દિવસમાં મુંબઈ આવવાતો હતો પરંતુ દસ દિવસ સુધી તે ડોકાયો ન હતો અને તેથી ફરિયાદી સહિત અન્ય આઠ લોકોના ઇઝરાયેલ જવાના બાયોમેટ્રીક અને મેડિકલ પણ થયા ન હતા. તેથી માધાને ફોન કરી કહ્યુ હતુકે, ‘હવે અમારી પાસે ખર્ચ કરવાના પણ પૈસા નથી’ ઇઝરાયેલ જવાની વાત તો દૂર રહી પરંતુ માધાએ એવું જણાવ્યુ હતુ કે, ‘હવે તમારાથી હમણાં ઈઝરાયેલ નહી જવાય, પોરબંદર પાછા આવતા રહો તમારી ટિકિટના પૈસા હું મોકલુ છું’ તેમ કહી આઠ લોકો પૈકી એક સુરેશના ખાતામાં માધાએ ૯૮૦૦ રૂા. ગુગલપેથી ટ્રાન્સફર કર્યા હતા જેથી તેઓ મુંબઇથી પોરબંદર આવી ગયા હતા.

આઠે આઠ લોકો પોરબંદર પંથકમાં પરત ફર્યા બાદ માધાને ફોન કરતા અને રૂપિયાની ઉઘરાણી કરતા આડાઅવળા જવાબ આપતો હતો અને પૈસા આપી દેવાના ખોટા વાયદા કરતો હતો આથી તમામ આઠ લોકો ઇશ્વરીયા ગામે માધાના ઘરે ગયા ત્યારે તે હાજર ન હતો પણ તેના પુત્રો જિજ્ઞેશ અને જીતેશ હાજર હતા. તેમણે ફોનમાં માધા સાથે વાત કરાવી હતી અને તેણે ‘તમને બધાને ધીમે ધીમે પેમેન્ટ કરી આપીશ’ એમ કહેતા ફરિયાદી અને અન્ય લોકોને તેના પર વિશ્વાસ ન હતો તેથી માધાએ એવુ કહ્યુ હતુ કે, ‘આજે મારી પત્ની પોરબંદર ગઈ છે. આવતીકાલે તમને બધાને રૂપિયા સાત-સાત લાખના ચેક મળી જશે’

ત્યારબાદ બીજા દિવસે ફરીથી તમામ લોકો માધાના ઘરે ચેક લેવા જતા હતા ત્યારે બાવળાવદર ગામે માધાનો દિકરો જિજ્ઞેશ તેઓને મળ્યો હતો અને તમામને સાત-સાત લાખ રૂપિયાના એસ.બી.આઈ. બેન્કના એકાઉન્ટના ચેક આપ્યા હતા. તા.૧૪-૧૦-૨૫ના બધાએ એ ચેક બેન્કમાં જમા કરાવતા જિજ્ઞેશના ખાતામાં રૂપિયા નહી હોવાથી તમામના ચેક બાઉન્સ થયા હતા.

ત્યારબાદ માધાને ફોન ઉપર પૈસા આપવા માટે પ્રયત્નો કર્યા હતા પરંતુ તેણે તેનો ફોન બંધ કરી દીધો હતો અને જિજ્ઞેશ તેઓના ફોન ઉપાડતો જ ન હતો. આથી અત્યાર સુધી રૂપિયા પરત નહી મળતા અંતે ફરિયાદી કના મુંજા મારુ અને અન્ય સાત લોકો સહિત કુલ આઠ લોકો પાસેથી ઈઝરાયેલ મોકલવા માટે સાત-સાત લાખ રૂપિયા લેખે ૫૬ લાખ રૂપિયા મેળવી લીધા બાદ ઇઝરાયેલ નહી મોકલતા ઇશ્વરીયાના માધા રાજા રાઠોડ, તેના પુત્ર જિજ્ઞેશ રાઠોડ અને આણંદના હોનેસ્ટ હાઉસમાં સાયોના એપાર્ટમેન્ટ ખાતે રહેતા વિશાલકુમાર નંદકિશોર અનાવત સામે છેતરપીંડી અને વિશ્વાસ ઘાતની પોલીસ ફરિયાદ નોંધાવતા કુતિયાણા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે