પોરબંદર
જાપાનીઝ યુવક યુવતી પોરબંદર નજીક આવેલ આર્ષ સંસ્કૃતિ તીર્થ ખાતે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે લગ્નગ્રંથી થી જોડાશે :ગણેશજી ના ફોટા સાથે જાપાનીઝ ભાષામાં કંકોત્રી છપાવી :બળદગાડા માં નીકળશે જાન
એક તરફ ભારત માં હવે કોર્ટ મેરેજ સહીત ના લગ્નો નું પ્રમાણ વધી રહ્યું છે.અને ભારતીય પરંપરા મુજબ ના લગ્નો માં પણ કેટલાક વિદેશી રીત રીવાજો અપનાવવામાં આવી રહ્યા છે.ત્યારે ભારત થી લાખો કિમી દુર આવેલ જાપાન દેશ ના એક યુવા યુવતી એ પોરબંદર ના કુછડી નજીક આવેલા આર્ષ સંસ્કૃતિ તીર્થ આશ્રમ ખાતે ભારતીય અને હિંદુ પરંપરા પ્રમાણે લગ્ન વિધિ થી જોડાશે
પોરબંદર નજીક કુછડી ગામના સીમ વિસ્તારમાં આર્ષ સંસ્કૃતિ તિર્થ આશ્રમ આવેલ છે. આ આશ્રમ ખાતે વિદેશીઓ ભારતીય સંસ્કૃતિના અભ્યાસ માટે અવારનવાર આવી પહોંચે છે. આર્ષ સંસ્કૃતિ તિર્થમાં વિદેશીઓ ભારતીય સંસ્કૃતિથી અવગત થવા તેમજ આપણી સંસ્કૃતિના પદ્ધતિસરના અભ્યાસ માટે આવે છે. અહીં પૂજા-અર્ચના કરવી, મંત્રોચ્ચાર વેદ-વેદગાન, વેદોચ્ચાર, ઉપનિષદ, શ્લોકનું જ્ઞાન, ગીતા સહિત અંગેનું માર્ગદર્શન પણ મેળવે છે. ત્યારે જાપાન ના તોશીયાકી અને તેરુયો ઉરનીશી નામના દંપતી ની પુત્રી ચીઓરી ત્યાંના જ વતની નોબારુ કુરુતા અને એકો કુરુતા ના પુત્ર ક્ઝુય સાથે હિંદુ પરમ્પરા મુજબ લગ્ન કરવા માટે પોરબંદર ના આર્ષ સંસ્કૃતિ તીર્થ ખાતે આવી છે.આ લગ્ન માટે તેઓએ એક તરફ જાપાનીઝ ભાષા અને બીજી બાજુ ગુજરાતી ભાષા માં ગણેશજી ની તસ્વીર સાથે ખાસ કંકોત્રી પણ છપાવી છે અને બન્ને ના લગ્ન તા ૨૭-૨  ના રોજ સાંજે ૫  વાગ્યે યોજાશે આ લગ્ન હિંદુ રીતરિવાજ અને પરંપરા મુજબ કરવામાં આવશે . જેમાં સવારે બન્ને ની પીઠી ચોળવામાં આવશે ત્યાર બાદ મંડપ રોપણ સહીત ની વિધિ કરવામાં આવશે ત્યાર બાદ નજીક ની એક વાડી ખાતે થી બળદગાડા માં ક્ઝુય ની જાન આર્ષ સંસ્કૃતિ તીર્થ ખાતે આવશે . જ્યાં રસ્તા માં દાંડીયારાસ ની રમઝટ પણ બોલાવવામાં આવશે ત્યાર બાદ આશ્રમ ખાતે હિંદુ રીત રીવાજ મુજબ બન્ને ના લગ્ન લેવામાં આવશે . જેમાં જવતલ હોમવાથી લઇ અને હસ્તમેળાપ સુધી ની વિધિ અને ત્યાર બાદ કન્યા વિદાય પણ કરવામાં આવશે .
પોરબંદર ના કુછડી અને રીણાવાડા ગામ પાસે આવેલ આર્ષ સંસ્કૃતિ તીર્થ ખાતે છેલા ૧૪ વરસ થી અહીના સ્વામીની નિગમાનંદા સરસ્વતીજી અને સ્વામીની નિત્યકલ્યાણાનંદા સરસ્વતીજી દ્વારા ભારતીયો ઉપરાંત જાપાનીઝ સહીત ના વિદેશીઓ ને વેદાંત,ગીતા અને ઉપનિષદ નું જ્ઞાન આપવામાં આવી રહ્યું છે. તો અઠવાડિયા માં બે વખત જાપાનીઝ સહીત ના વિદેશીઓ ને ઈન્ટરનેટ મારફત પણ ભગવદ્ગીતા અને ઉપનિષદ નું જ્ઞાન આપવામાં આવે છે. ઘણા વરસો પૂર્વે કોઇમ્બતુર ખાતે એક જાપાનીઝ યુવાન ભગવદગીતા અને શાસ્ત્રો નું જ્ઞાન મેળવતા હતા. જ્યાં પોરબંદર ના આ સ્વામીની નીગમાનંદા સરસ્વતીજી પણ શાસ્ત્રો નો અભ્યાસ કરી રહ્યા હતા. જાપાનીઝ યુવાને અભ્યાસ બાદ સ્વામી ચેતનાનંદ સરસ્વતીજી નામ ધારણ કરી અને જાપાન ના ક્યોટો શહેર માં એક આશ્રમ ખોલી અને ત્યાના લોકો ને વેદાંત અને ઉપનિષદનું જ્ઞાન આપી રહ્યાં છે. ઉપરાંત અન્ય જાપાનીઝ લોકો ને પણ ઈન્ટરનેટ મારફત ભગવદ ગીતા અને ઉપનિષદ નું ઓનલાઈન શિક્ષણ આપી રહ્યા છે. જેના લગ્ન થવાના છે તે બન્ને યુવક યુવતી પણ અગાઉ સ્વામી ચેતનાનંદ સરસ્વતીજી પાસે થી ઈન્ટરનેટ મારફત અને બાદ માં રૂબરૂ માં પણ ભારતીય વેદ ,ગીતા અને ઉપનિષદ નું જ્ઞાન મેળવ્યું હતું. જેનાથી બન્ને ભારતીય સંસ્કૃતિ અને પરંપરા થી આકર્ષાઈ ને ભારતીય સંસ્કૃતિ મુજબ લગ્ન કરવાનો નિર્ણય લીધો છે ઉલ્લેખનીય છે કે ગત વરસે એક જાપાનીઝ યુવક યુવતી ના લગ્ન આશ્રમ ખાતે ભારતીય સંસ્કૃતિ મુજબ કરાયા હતા ત્યારે વધુ એક જાપાનીઝ યુગલ ભારતીય સંસ્કૃતિ મુજબ લગ્નગ્રંથી થી જોડાશે.

Advertisement