Friday, December 6, 2024

|| तुम रक्षक काहू को डरना ||

એક વો ભી દિવાલી થી, એક યે ભી દિવાલી હે:પોરબંદર ના તબીબ અને તેમના ધર્મપત્ની એ દિવાળી ની જૂની યાદો તાજા કરી

દિવાળી ના પાવન પર્વ દરમ્યાન પોરબંદર ના તબીબ અને તેના નિવૃત પ્રોફેસર પત્ની એ દિવાળી ની જૂની યાદો તાજા કરી હતી અને હાલ ના તહેવારો માં અગાઉ જેવો રોમાંચ રહ્યો ન હોવાનું પણ જણાવ્યું હતું.

પોરબંદર માં દિવાળી ના પાવન પર્વ નો ઉત્સાહ જોવા મળે છે પરંતુ સમય પ્રમાણે હવે તહેવારો પણ બદલાયા છે અગાઉ અમુક પ્રથા હતી તે પણ ધીરે ધીરે બંધ થતી જાય છે ત્યારે ૭૪ વર્ષીય સીનીયર તબીબ ડો જનક પંડિત અને તેમના નિવૃત પ્રોફેસર પત્ની કંચનબેન દ્વારા અગાઉ ની દિવાળી કઈ રીતે ઉજવવામાં આવતી હતી તે જૂની યાદો તાજા કરી હતી જનકભાઈ એ જણાવ્યું હતું કે હાલ ફાસ્ટફૂડ અને રેડીમેડ ના ઈન્સ્ટન્ટ જમાના માં અગાઉ જેવો તહેવારો નો રોમાંચ રહ્યો નથી અગાઉ દિવાળી ના એક માસ અગાઉ કપડા સીવડાવવા માટે દરજી ને આપવામાં આવતા હતા તો ખમતીધર પરિવારો તો ઘરે જ દરજી ને બેસાડતા હતા અત્યારે લોકો ૫ મિનીટ માં રેડીમેડ કપડા ની ખરીદી કરી લે છે પરંતુ સિવડાવી ને પહેરેલા કપડા જેવી તેમાં મજા નથી.

ડીજીટલ રંગોળી ની જગ્યા એ મીંડા થી રંગોળી કરવામાં આવતી હતી અને રાત્રે મોડે સુધી પરિવાર સાથે મળી રંગોળી કરતો હતો અને સવારે અન્ય ઘરો માં પણ રંગોળી જોવા જતા હતા એ સમયે ૫ રૂપિયા ના ફટાકડા માં તો બધા ભાઈ બહેન રાજી ના રેડ થઇ જતા રાણીબાગ પાસે તે સમયે ફટાકડા ની દુકાનો હતી તે સમયે ચાંદલિયા અને લવિંગીયા જેવા ફટાકડા નું ચલણ વધુ હતું દિવાળી અગાઉ બધા સગાસબંધી ના સરનામાં મેળવી દરેક ને દિવાળી ની શુભેચ્છા રૂપે કાર્ડ મોકલતા હતા જાતે લખી ને મોકલવા નો અને અન્ય એ મોક્લેલ કાર્ડ વાંચવાનો જે રોમાંચ હતો તે હાલ ના વોટ્સેપ ના ઈન્સ્ટન્ટ ફોરવડેડ મેસેજ માં નથી રહ્યો

કંચનબેને જણાવ્યું હતું કે નુતન વર્ષ નિમિતે સવારે સુદામા મંદિર અને મહાલક્ષ્મી મંદિરે ખાસ દર્શન કરવા જતા હતા અને સવારે ૫ વાગ્યા થી એક બીજા ના ઘરે રૂબરૂ સાલ મુબારક કરવા દોડી જતા હતા અત્યારે કોઈ ના ઘરે ૯ વાગ્યે જઈએ તો પણ મોઢું બગડી જતું હોય છે મીઠાઈ પણ જાતે બનાવતા જેમાં ચુરમા ના લાડુ,ઘૂઘરા વગેરે બનાવવામાં આવતા હતા દિવાળી ની સાંજે ગામ માં રોશની જોવા નીકળતા હતા સવારે ૪ વાગ્યાથી ગલીમાં-શેરીમાં ‘શુકન શુકન’, ‘તોરણ તોરણ’ના નાદ શરૂ થઈ જતા હતા તો મીઠું એટલે કે સબરસ વેચવા પણ અનેક લોકો ઘર સુધી આવતા હતા વડીલોને પગે લાગ્યા પછી ૨ રૂપિયા આપતા તો પણ બાળકો રાજી થઇ જતા હતા એક સમય હતો કે જ્યારે નવરાત્રી પૂરી થાય તે સાથે જ ઘરમાં સાફ સફાઈ અને સુશોભન શરૂ થઈ જતાં સફાઈ કામદાર, ચોકીદાર, પ્યૂન અને નાના કર્મચારીઓને દિવાળીની ‘બોણી’ આપવાનો એક ટ્રેન્ડ હતો. હાલની દિવાળીની ઉજવણીની પરંપરામાં એટલો બદલાવ આવ્યો છે કે બધું જ ‘ફટાફટ’ અને ‘રેડીમેઈડ’ થાય છે. સુખ, સંપત્તિ વધ્યાં છે પણ સમયનો અભાવ છે.

અન્ય સીનીયર સીટીઝન ને પૂછતા તેઓએ એવું જણાવ્યું હતું કે પહેલાંના જમાનામાં દિ‍વાળીના ૧૫-૨૦ દિવસ પહેલાં ઘરમાં દરજી બેસતો, દરેકનાં નવાં કપડાં સિવાતાં. ૧૦-૧૫ દિવસ પહેલાં ઘરમાં સાફસૂફી થતી. ઘરનો ખૂણેખૂણો ચોખ્ખો થતો. રંગરોગાન થતાં. અઠવાડિયા પહેલાં મીઠાઈઓ બનાવવાની શરૂઆત થઈ જતી. મઠિયાં, સતપડી, ઘૂઘરા, મગદળિયા લાડુ, મેસૂર, મોહનથાળ, ચોળાફળી વગેરેની સુગંધ અને સ્વાદ છેક દેવદિવાળી સુધી માણવા મળતાં. સગાંસંબંધીઓનો ‘સાલ મુબારક’નો સિલસિલો ઘરમાં એક મહિના સુધી ચાલતો. ‍વળી આપણે ત્યાં જેટલા આવ્યા હોય એ બધાને ત્યાં આપણે પણ જવું પડતું અને એ પણ સહકુટુંબ. ધનતેરસથી માંડીને ભાઈબીજ સુધીનો માહોલ તો કંઈક અલગ જ રહેતો નવાંનક્કોર કપડાંમાં સજ્જ અબાલ-વૃદ્ધો એકબીજાને ભેટતાં, હાથ મિલાવતાં જોવા મળતાં.

કાળીચૌદશે ઘરમાં વડાં બનતાં. સાંજે દહીંવડાં અચૂક ખાવા મળે. જૂના જમાનામાં મોટો લહાવો હતો ચોપડાપૂજનનો. દુકાન, ફૅક્ટરી, પેઢી, કામ-નોકરી કરવાના સ્થળે માલિકો ચોપડાપૂજન કરતા ત્યારે લોકો કુટુંબ સહિત અવશ્ય પહોંચે. બધાને નાનીમોટી બોણી મળે (રૂપિયાનું કવર ભેટરૂપે). ચા-નાસ્તા અને ઠંડાં પીણાંની રમઝટ બોલાય. મોડી રાતે સૂતળી બૉમ્બના ધડાકા થાય, આતશબાજી થાય. દાડમ, ભંભૂટિયા ફૂટે, ફૂલઝડી ઝગમગે. બાળકોને તો ગમ્મત પડી જતી. વર્કરો, કામદારો કે નોકરોને બોનસની લહાણી થતી. આજે ડિજિટાઇઝેશનના યુગમાં એ બધું ભૂતકાળ બની ગયું છે. પૂજનની રસમ જાળવવા, મુહૂર્ત સાચવવા પ્રતીકરૂપે ચોપડાપૂજન કરી સંતોષ માની લેવાય છે. આજે મોટા ભાગના લોકો દિવાળીની રજાના દિવસોમાં બહારગામ જવાનો પ્લાન બે મહિના પહેલાં ગોઠવી નાખે છે.

પહેલાંની અને આજની દિવાળીના માહાત્મ્ય વચ્ચેનો એક ખૂબ અગત્યનો અને મોટો ફરક નજરઅંદાજ કરી શકાય એમ જ નથી. એ ફેર છે જૂનાં વેરઝેર ભૂલી જવાનો. વર્ષ દરમ્યાન કોઈની સાથે મનદુ:ખ થયું હોય, અબોલા રહ્યા હોય, વિવાદ થયો હોય ત્યારે દિવાળી-નવા વર્ષનો દિવસ સુલેહ કરાવવાનું સાધન બની જતો. લોકો બધું ભૂલી જઈને હાથ મિલાવી લેતા, ગળે વળગીને ભૂતકાળ ભુલાવી દેતા.
દિવાળી એ પહેલાં પણ તહેવારોમાં રાજાધિરાજ હતી અને આજે પણ તહેવારોમાં શિરમોર છે. વર્ષમાં એક વાર આવે છે, પણ આખા વર્ષની આશા જગાડે છે, જિવાડે છે. એને માણવાનાં, આનંદ લેવાનાં સાધનો, સગવડ, રીતરસમ બદલાયાં છે, પણ એણે એનું પ્રભુત્વ ખોયું નથી એ આશ્વાસનરૂપ છે.

આ લખાય છે ત્યાં સુધીમાં સૌના મોબાઇલ શુભકામનાના સંદેશાથી છલોછલ થઈ ગયા હશે. ગ્રીટિંગ્સ કાર્ડ ભુલાયાં છે, પણ સંદેશા વીસરાયા નથી. કુદરતી રંગોની રંગાળીનો ઉમળકો ભલે ઓછો થયો, પણ રંગોળીનાં સ્ટિકર આજે પણ આંગણે શોભે છે. ઘરમાં મીઠાઈ ભલે બનતી અટકી ગઈ છે, પણ બજારમાંથી તૈયાર બૉક્સની ડિમાન્ડ તો છે જ. ઘરમાં દરજી ભલે નથી બેસતો, પણ મૉલમાંથી પોતાની મરજી મુજબના ડ્રેસ ખરીદવાનું ભુલાયું નથી. ભાવનામાં ભલે ઘટાડો થયો છે, પણ સામે દેખાડામાં એટલો જ વધારો થયો છે.બધું જ ચાલુ છે, પણ યંત્રવત્. હું કોઈને સંદેશો મોકલું અને સામે મને તરત જ સંદેશો આવે, ‘થૅન્ક યુ, સેમ ટુ યુ’. ધારો કે મેં તેને સંદેશો ન મોકલ્યો હોત તો? એ જ રીતે કોઈનો સંદેશો આપણા પર આવે ત્યારે આપણે પણ તરત જ હિસાબ ચૂકતે કરીએ છીએ. હૈયાનો નહીં, હિસાબનો ઉત્સવ. પહેલાં દિવાળીમાં લોકો નફા-નુકસાનનું સરવૈયું કાઢતા. આજે લોકો સંદેશા સરભર કરી રહ્યા છે.

હાથમાંથી રેતી સરકે તેમ રમા એકાદશીથી ભાઈબીજ સુધીના કેલેન્ડરના સાત પાના જાણે પલકારામાં ફરી ગયા હોય તેવું લાગવા માડે તે પ્રકારે સમય જતો રહે છે અને માત્ર યાદો રહી જાય છે, જો કે આ સમય આવનારા વર્ષને ઉત્સાહ સાથે વિતાવવાની તાજગી આપી જાય છે. ફાસ્ટફૂડનો યુગ છે એટલે દિવાળીના પખવાડીયા અગાઉ ઘર-ઘરમાં બનતાં ફરસાણ, મિઠાઈ અને વાનગીઓની સોડમ હવે દુકાનોમાં રહી ગઈ છે, ત્યારે એવું કહી શકાય કે આજના આ રેડીમેડ યુગમાં હવે બધું જ રેડીમેઈડ મળે છે અને તેમાં પણ આધુનિકતાનો રંગ ચઢી ચૂક્યો છે. આજના યંગસ્ટર્સ વોટ્સએપ અને એફ.બી. સહિતની સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર એકબીજાને ‘હેપ્પી ન્યૂ યર’ના રેડીમેડ આવેલા મેસેજ સેન્ડ કરશે. તો, બૂઝુર્ગો જૂની યાદો તાજી કરીને કહેશે કે એક યે ભી દિવાલી હૈ ઔર એકવો ભી દિવાલી થી.

ભાગદોડ ભરી જીંદગીમાં બેસતું વર્ષ અને ભાઈબીજ ‘લોહીના સગા’ અને અંગત સ્નેહીઓ માટે ‘મિલનનું પર્વ’ બની રહેશે. જે મળશે તેને ‘રૂબરૂ’ અને નહીં મળે શકે તેને મોબાઈલ ફોન અને ઈન્ટરનેટથી સાલ મુબારક, હેપ્પી ન્યૂ યર ને નૂતન વર્ષાભિનંદન કહેવાશે. ત્યારે મન એવું બોલી ઉઠે કે ખેર છોડો, આખીર યે ભી તો દિવાલી હી હૈ.

દિવાળીની ઉજવણી અંગે અન્ય એક બહેને એવું જણાવ્યું હતું કે તહેવારોની ઉજવણીની સાચી મજા તો ગામડાંમાં જ આવે અને આમ પણ અમારા સમયમાં શહેર કરતાં ગામડામાં વધુ લોકો રહેતા હતાં અમારા સમયમાં દિવાળી આવવાની હોય તેનાં પખવાડિયા પહેલા વાતાવરણ તહેવારમય બની જતું, મહિલાઓ ઘરની સાફ-સફાઈ કરવાથી લઈને નાસ્તા અને મિઠાઈઓ બનાવવી, આખા ઘરમાં લીપણ કરવું વગેરે જેવાં કાર્યોમાં વ્યસ્ત રહેતી. અને દિવાળીની રાત્રે ગામનાં બધાં લોકો ચોરા પર ભેગાં થઈ ગરબા રમતાં. આ રીતે પાંચ દિવસ બધાં આનંદ-ઉલ્લાસથી દિવાળીની ઉજવણી કરવામાં આવતી હતી, જો કે એ વાતો હવે માત્ર યાદોમાં છે, હવે તો તહેવાર માત્ર ઉજવવા પૂરતા જ ઉજવાય છે.

મિત્રો આપને આ આર્ટીકલ કેવો લાગ્યો અચૂક જણાવજો અને હા તમારા મિત્રો વડીલો સાથે આ આર્ટીકલ શેર કરવાનું ભૂલશો નહી

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે