પોરબંદરના સુભાષનગરમાં રહેતી 7 વર્ષીય બાળકી રમતા રમતા 5 રૂપિયાનો સિક્કો ગળી જતા પરિવાર માં દોડધામ મચી હતી. સિવિલ હોસ્પિટલ ના તબીબે દૂરબીન વડે ઓપરેશન કરી બાળકીનો જીવ બચાવ્યો હતો.
પોરબંદર ના સુભાષનગર વિસ્તારમાં રહેતી વંશીકા મહેશભાઈ સોલંકી (ઉવ ૭) નામની બાળકી ગઈ કાલે રમતા રમતા 5 રૂપિયાનો સિક્કો ગળી ગઈ હતી. જે સિક્કો અન્નનળીમાં ફસાઈ જતા પરિવાર માં દોડધામ મચી હતી. અને સારવાર માટે તાત્કાલિક સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જેથી સીએમ સેતુ યોજના અંતર્ગત ફરજ બજાવતા ઈએનટી સર્જન ડો. મહિડા ને બોલાવવામાં આવતા તેઓ તુરંત સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા. અને બાળકીનો એક્સરે કઢાવી સિક્કા નું લોકેશન મેળવ્યું હતું. ત્યાર બાદ ઓપરેશન થીયેટરમાં દૂરબીન વડે ઓપરેશન કરી 45 મિનિટની જહેમત બાદ સિક્કો બહાર કાઢવામાં સફળતા મળી હતી. તબીબ અને નર્સિંગ સ્ટાફે બાળકીની અન્નનળી માં ફસાયેલ સિક્કો કાઢી બાળકીને નવજીવન આપ્યું હતું.
હોસ્પિટલના સુત્રો એ જણાવ્યું હતું કે બાળકોને સિક્કા, લખોટી, બટન સહિતની વસ્તુઓ થી દૂર રાખવા જોઈએ. ક્યારેક રમતા રમતા બાળક આવી વસ્તુઓ મોઢા માં નાખી દે અથવા ક્યારેક નાક માં ફસાય જાય તો તેના જીવ નું જોખમ સર્જાઈ શકે છે.