શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, ગુજરાત સરકાર હેઠળ જિલ્લાકક્ષાનો રોજગાર નિમણૂક પત્રો અને એપ્રેન્ટીસશીપ કરારપત્રોનો વિતરણ કાર્યક્રમ પોરબંદરના બિરલા હોલ ખાતે ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયાની ઉપસ્થિતિમાં યોજાયો હતો. જેમા ૨૦ લાભાર્થીઓને પ્રતિકાત્મક રૂપે સ્ટેજ પરથી તથા ૧૦૦ યુવાનોને કાર્યક્રમના સ્થળ પરથી નિમણૂક પત્રો એનાયત કરાયા હતા. આ ઉપરાંત ૧ હજારથી વધુ લાભાર્થીઓને ઓનલાઇન ટપાલ મારફત રોજગારપત્રો, એપ્રેન્ટીસશીપ કરારપત્રો વિતરણ કરાયા હતા.
કાર્યક્રમમાં આ તકે હાજર રહેલા ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયાએ કહ્યુ હતુ કે, રાજ્ય સરકાર દ્રારા યોજાતા રોજગારી મેળા તથા પ્લેસમેન્ટથી યુવાનોને નોકરીની શોધમાં ભટકવુ પડતુ નથી, ગુજરાત સરકાર યુવાઓને રોજગારી આપવામાં અગ્રેસર છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં વર્તમાન સરકારે રોજગાર મેળા યોજીને યુવાઓને ગમતાક્ષેત્રે નોકરી મળી રહે તે માટેનું પ્લેટફોર્મ ઉભુ કર્યુ છે. આ તકે ધારાસભ્યશ્રીએ યુવાઓને પ્રેરણાત્મક ઉદબોધનમા કહ્યુ કે, જીવનમાં નાની મોટી સમસ્યા આવે તો તેને પોઝીટીવથી લેજો, તથા કોઇપણ કામ નાનુ નથી હોતુ, દેશનું ભવિષ્ય યોવાનોના હાથમાં છે. ત્યારે યુવાનો રાજ્ય અને દેશને વધુ આગળ લઇ જાય તે માટે ડબલ એન્જીનની સરકાર કટીબધ્ધ છે.
જિલ્લા વિકાસ અધિકારી નિનામા એ કહ્યુ કે, આઇ.ટી.આઇ દ્રારા યુવાનોને રોજગારલક્ષી તાલીમ પુરી પાડવામાં આવે છે. તાલીમ બાદ કેમ્પસમાં પ્લેસમેન્ટ યોજવામાં આવે છે. રાજ્ય સરકાર દ્રારા રોજગાર મેળા યોજીને યુવાઓને વિવિધ ક્ષેત્રે રોજગારી મળે તે દિશામાં કાર્યરત છે.
રોજગાર અધિકારી દિનેશભાઇ પરમારે સ્વાગત પ્રવચનમાં કાર્યક્રમની રૂપરેખા આપી હતી. તથા જિલ્લા રોજગાર વિનીમય કચેરી દ્રારા જિલ્લાના યુવાનોને રોજગારી મળે તે હેતુથી યોજેલા રોજગાર મેળા અને સિધ્ધિઓ વર્ણવી હતી. કાર્યક્રમની આભાર વિધિ આઇ.ટી.આઇના આચાર્ય વાળાએ કરી હતી.
કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોએ તથા યુવાનોએ અમદાવાદ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલ રાજ્યકક્ષાનો લાઇવ કાર્યક્રમ નિહાળ્યો હતો. કાર્યક્રમમાં અધિકારીઓ, મહાનુભાવો, કોલેજના અધ્યાપકઓ, નોકરીદાતાઓ તથા યુવાન ભાઇઓ અને બહેનો હાજર રહ્યા હતા.




