પોરબંદર માં ૫ વર્ષ પૂર્વે સગીરા નું અપહરણ કરી વારંવાર દુષ્કર્મ આચરનાર શખ્સ ને કોર્ટે આજીવન કેદ ની સજા અને રૂ ૩૯,૦૦૦ નો દંડ ફટકારવા હુકમ કર્યો છે.
પોરબંદર ના છાયા ચોકી ચાર રસ્તા નજીક રહેતા જીમ્મી ઉર્ફે કલ્પેશ ચંદુભાઈ અમલાણી નામના શખ્સે ગત તા. ૧૫/૦૩/૨૦૧૯ ના રોજ રાત્રે છાંયા વણકરવાસમાં રહેતા આધેડ ની સગીર વયની પુત્રી ને લલચાવી-ફોસલાવી અને લગ્ન કરવાની લાલચ આપી બદકામ કરવાના ઈરાદે અપહરણ કરી ગયો હતો. અને ત્યાર બાદ સગીરા સાથે અલગ-અલગ જગ્યાએ અનેક વખત બળાત્કાર ગુજાર્યો હતો.
જે અંગે સગીરા ના પિતા એ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં કલ્પેશ સામે આઈ.પી.સી., પોકસો એકટ તથા એટ્રોસીટી એકટની વિવિધ કલમ હેઠળ ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો. અને તપાસના અંતે આરોપી વિરૂધ્ધ પુરતા પુરાવા હોવાથી કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી હતી. જે કેસ માં પ્રોસીકયુશન તરફે પબ્લિક પ્રોસીકયુટર સુધિરસિંહ જેઠવા દવારા ૫૭ દસ્તાવેજી પુરાવાઓ તથા ૧૬ સાહેદો તપાસવામાં આવ્યા હતા. તથા સરકાર તરફે ધારદાર દલીલો કરવામાં આવી હતી કોર્ટ માં રજુ કરવામાં આવેલ મૌખિક તથા દસ્તાવેજી પુરાવાઓ તેમજ બન્ને પક્ષોની દલીલો સાંભળી જીમ્મી ઉર્ફે કલ્પેશ ને આજીવન કેદની રાજા તથા રૂ.૩૯,૦૦૦ નો દંડ ફટકારવામાં આવ્યો છે.