પોરબંદર માં ૫ વર્ષ પૂર્વે સગીરા સાથે સગાઈ કર્યા બાદ તેને વિવિધ સ્થળો એ ફરવા લઇ જઈ તેના પર દુષ્કર્મ ગુજાર્યા બાદ બુટલેગરે સગાઈ તોડી નાખવાની ધમકી આપતા સગીરા એ ફિનાઈલ પી આપઘાત નો પ્રયાસ કર્યો હતો. ત્યાર બાદ બુટલેગર સામે પોક્સો એક્ટ સહિતની કલમો વડે ગુન્હો નોંધાયો હતો. જે મામલે કોર્ટે આરોપી ને ૨૦ વર્ષ ની સખ્ત કેદ ની સજા ફટકારી છે.
પોરબંદર માં ૨૦૧૯માં એક મહિલાએ એવી પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે તેની સગીર વય ની પુત્રીની એ સમયે ત્રણેક માસ પહેલા મીતેષ ઉર્ફ ખાઇજાઉ રણછોડભાઈ ગોહેલ સાથે સગાઈ કરેલ હતી.
ગઇ તા. ૧૬-૧-૨૦૧૯ના રોજ બપોરના સમયે સગીરા ના ફોન માં એક યુવતી એ ફોન કરી જણાવેલ કે ‘તારી સગાઈ મિતેષ ઉર્ફે ખાઇજાઉ સાથે તોડી નાખ મારે તેની સાથે સંબંધ છે.’ તેમ વાત કરતા સગીરા એ માતાને આ બાબતે વાત કરતા સગીરા ની માતા એ જમાઈ મિતેષ ઉર્ફે ખાઇજાઉ તથા તેની માતાને વાતચીત કરવા સાંજના સમયે તેમના ઘરે બોલાવેલ હતા.
જેથી મિતેષ ઉર્ફે ખાઇજાઉ તથા તેની માતા તથા મિતેષનો મિત્ર ધવલ ઉર્ફે ભોયુ તથા પડોશમાં રહેતી મનીષાબેન પ્રતાપભાઇ આવેલ. અને બધા ઘરમાં બેસીને યુવતીના આવેલ ફોન બાબતે વાતચીત કરતા હતા. જેથી ઝગડો થવા લાગેલ અને ધવલ તથા મીતેષની માતા સગીરા અને તેની માતા ને ગાળો બોલવા લાગેલ અને ઝગડો કરવા લાગેલ આ વખતે મિતેષે સગીરા ને કહેલ કે ‘તમારા કારણે અવારનવાર ઝગડો થાય છે. મારે તારી સાથે સગાઇ રાખવી નથી અને અમારા ઘરેણા પાછા આપી દેજો’ તેવું કહી આ લોકો જતા રહેલ.
જેથી સગીરા ની માતા અને ભાઈ સગીરા ની માસી ના ઘરે આ બનાવની વાત કરવા ગયા અને ત્યાંથી પરત ઘરે આવ્યા ત્યારે સગીરા એ તેની માતા ને એવું જણાવ્યું હતું કે ‘મિતેષ સાથે મારી સગાઇ તોડી નાખશે તેની બીકે મેં ફિનાઈલ પીધેલ છે.’ જેથી સગીરા ને સરકારી દવાખાને લાવી સારવારમાં દાખલ કરી હતી અને ત્યાંથી તેણે આ બનાવમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી જેમાં આ બનાવનું કારણ એ જણાવ્યુ હતુ કે ફરીયાદીની ભોગ બનનાર દીકરીની સગાઇ ત્રણેક માસ પહેલા મિતેષ ઉર્ફે ખાઇજાઉ સાથે થયેલ હોય અને સગાઈ બાદ મિતેષ તથા ભોગ બનનાર જુનાગઢ, દીવ વગેરે જગ્યાએ એકલા ફરવા ગયેલ હોય અને આ મિતેષે ફરીયાદીની દીકરી સાથે તેની ઇચ્છા વિરૂધ્ધ શરીર સંબંધ બાંધેલ હોય તેમ છતા સગાઈ તોડવાનું જણાવતા હોય જેથી પોતાની બદનામી થવાની બીકે મરી જવા માટે ભોગ બનનારે આ ફીનાઈલ પીધેલાનુ જણાવેલ હતુ.જે અંગે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં આઈ.પી.સીની કલમ તથા પોકસોએકટની કલમ મુજબનો ગુન્હો દાખલ કરવામાં આવેલ હતો.
આ કામે પ્રોસીકયુશન તરફે પબ્લિક પ્રોસીકયુટર સુધિરસિંહ બી. જેઠવા તેમજ વીથ પ્રોસીકયુશન તરીકે એડવોકેટ ચેતનાબેન મોઢવાડીયા રોકાયેલા હતા. ઉપરોકત કામે સરકારી વકીલ દ્વારા ૩૩ જેટલા દસ્તાવેજી પુરાવાઓ અને કુલ ૧૭ જેટલા સાહેદો તપાસવામાં આવેલ હતા તથા સરકાર તરફે દલીલો કરવામાં આવેલ હતી. જે અનુસંધાને કોર્ટ દ્વારા ઉપરોકત કામે રજુ કરવામાં આવેલ મૌખિક તથા દસ્તાવેજી પુરાવાઓ તેમજ બન્ને પક્ષોની દલીલો સાંભળી આ કામના આરોપી મીતેશ ઉર્ફે ખાઇજાવ રણછોડભાઈ ગોહેલને એડી. ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ કે.એ. પઠાણ દ્વારા તકસીરવાન ઠરાવી ૨૦ વર્ષની સખત કેદની સજા તથા કુલ રૂા. ૧૯,૦૦૦ દંડ ફટકારતો હુકમ કરવામાં આવેલ છે.
ઉલ્લેખનીય છે કે મિતેશ ઉર્ફે ખાઈ જાવ સામે પ્રોહીબીશન ના અનેક ગુન્હા નોંધાયા છે અને તે બુટલેગર હોવાનું જાણવા મળે છે.