પોરબંદર-માધવપુર હાઇવે પર આવેલ નરવાઈ મંદિર પાછળ રેતીચોરી કરતા શખ્સ ને વન વિભાગે ઝડપી લઇ ૭૦૦૦ નો દંડ વસુલ કર્યો હતો. બીજી તરફ બરડા અભયારણ્ય માં વાંસ ની ચોરી કરતા ૩ ને ઝડપી લીધા છે.
પોરબંદર વન વિભાગના નાયબ વન સંરક્ષક લોકેશ ભારદ્વાજ ના સીધા માર્ગદર્શન હેઠળ આર.એફ.ઓ.ની ટીમ દ્વારા પેટ્રોલીંગ દરમ્યાન રાણાવાવ રેન્જની રાણાવાવ રાઉન્ડની સ્ટેશન કટકી બીટના બરડા અભ્યારણ્ય વિસ્તારમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી વાંસ કાપવા માટે પ્રવેશ કરનાર ત્રણ ઇસમોને પકડી પાડવામાં આવ્યા હતા અને વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ ૧૯૭૨ની કલમની જોગવાઈ મુજબ ગુનો નોંધી અને સદરહુ ગુના અન્વયે આ ગુનો કરનાર બે મહિલા અને એક પુરૂષ કુલ ત્રણ તોહમતદારો જ્યોતિબેન અશોકભાઈ સરવૈયા, રશ્મીબેન જયેશભાઈ સરવૈયા તથા જયેશભાઇ વેલજીભાઈ સરવૈયા રે. વાગડીયાવાંસ, રાણાવાવવાળા પાસેથી રકમ રૂા. ૯૦૦૦ પેટે દંડ વસુલવા ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી.
એ સિવાય વન વીભાગનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમ્યાન રાણાવાવ રેન્જની પોરબંદર રાઉન્ડની ચોબારી બીટના નરવાઈ પાછળના જંગલ વિસ્તારમાંથી દરિયાઈ રેતીના પાવડા અને તગારા વડે રેતી ચોરી કરતા શખ્શ નવાગામ ના રહેવાસી મુરુ જીવ મોરી ને ઝડપી લીધો હતો અને તેની સામે ભારતીય વન અધિનિયમ ૧૯૨૭ની કલમની જોગવાઈ મુજબ રેતીચોરીનો ગુન્હો નોંધી અને ગુન્હા અન્વયે રૂા. ૭૦૦૦ દંડ વસુલવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.