પોરબંદર તાલુકાના બગવદર અને કુતિયાણા તાલુકાના ઈશ્વરીયા ગામને રાજયસરકાર દ્વારા સ્માર્ટ વિલેજ જાહેર કરાયા છે, અને બંને ગામને પાંચ-પાંચ લાખ રૂપિયાનો પુરસ્કાર અપાશે.
ગુજરાતમાં તાલુકા દીઠ એક ગામ સ્માર્ટ વિલેજ તરીકે વિકસાવવાની દિશામાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. તેમણે સ્માર્ટ વિલેજ યોજના અંતર્ગત ૧૬ જિલ્લાની ૩૫ ગ્રામ પંચાયતો સ્માર્ટ વિલેજ જાહેર કરી છે. આ દરેક ગામને પાંચ લાખ રૂપિયાની પુરસ્કાર રકમ મળશે. આ રકમને ગ્રામ પંચાયતના વિકાસ કાર્યો માટેના સ્વભંડોળમાં આ રકમ ઉપયોગમાં લેવાશે.
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ રાજયમાં તાલુકા દીઠ એક ગામ સ્માર્ટ વિલેજ બનાવવાના વિકાસલક્ષી અભિગમ સાથે ૧૬ જિલ્લાના ૩૫ ગામોને સ્માર્ટ વિલેજ જાહેર કર્યા છે. જેમાં પોરબંદર તાલુકાના બગવદરગામ અને કુતિયાણા તાલુકા માં ઈશ્વરીયા ગામનો સમાવેશ કરી સ્માર્ટ વિલેજ પ્રોત્સાહક યોજનાને વધુ વ્યાપક સ્વરૂપે વિસ્તારી છે. ઈશ્વરીયા ગામ કાલિન્દી નદી પર સ્થિત છે અને ત્યાં એક મધ્યમ સિંચાઈ યોજના છે જેને કાલિન્દી સિંચાઈ યોજના કહેવામાં આવે છે. ગામના ખેડૂતો સખત મહેનત કરે છે અને મોટા પ્રમાણમાં લીલા મરચાનું ઉત્પાદન કરે છે. જે છેક રાજકોટ સુધી વેચાય છે. પોતાની હાઈસ્કૂલ ધરાવતું એક પ્રગતિશીલ ગામ લગ્ન વગેરે જેવા સમારોહનું આયોજન કરવા માટે એક વિશાળ પટેલ સમાજનું મકાન પણ આવેલું છે. તથા બગવદર ગામે સુર્યરન્નાદે મંદિર તથા તેની પાસે જળસંચય, પોલીસ સ્ટેશન સાહેલી સંસ્થા દ્વારા મહિલાઓની રોજગારલક્ષી પ્રવૃતિ અને બાળકોને સર્વોત્તમ શિક્ષણ, હાઇસ્કુલ, સરકારી દવાખાના સહિતની સુવિધાઓ છે. તેથી પોરબંદરના આ બન્ને ગામને અનેક પ્રકારે લાભ થશે.
સ્માર્ટ વિલેજ પ્રોત્સાહક યોજનામાં પસંદ થયેલા આ ગામોના સર્વાંગી વિકાસ માટે ગ્રામ પંચાયત દીઠ પાંચ લાખ રૂપિયાની પુરસ્કાર રકમ આપવામાં આવશે. એટલું જ નહી આ ગામોને વિકાસ કામો માટેના સ્વભંડોળનો આ પુરસ્કાર રાશિ ભાગ બનશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના ગામોને શહેરો સમકક્ષ સ્માર્ટ, સસ્ટેઇનેબલ અને સુવિધાયુકત બનાવવાની નેમ સાથે અર્બન-આત્મા ગામનો વિચાર આપેલો છે. ૧૧ માપદંડોમાં (૧) સરસ ગ્રામ વાટિકા (૨) ફરજિયાત ડોર ટુ ડોર ક્લેકશન (3) દરેક ઘરે પીવાના પાણીના નળ કનેકશન (૪) પંચાયત વેરા વસુલાત (૫) રસ્તા પર ઉકરડા ન હોય અને રસ્તાઓ નિયમિત સાફ થાય (૬) સ્માર્ટ ઈ-ગ્રામ સેન્ટરની સુવિધા (૭) ગ્રામ પંચાયત કચેરી ઉપર સોલર રૂફટોપ (૮)ઑપન ડેફીકેશન ફ્રી વિલેજ (૯) ગ્રામ પંચાયત દ્વારા લાઇટબીલ ભરવાની નિયમિતતા (૧૦) ગામમાં ગટર બનાવવી, તેમજ (૧૧) ગામતળના પાકા રસ્તાને આવરી લેવાયા છે.
ગામો પસંદ કરતાં પૂર્વે ગ્રામ પંચાયત ધ્વારા ભરેલ ફોર્મ અન્વયે તાલુકા કક્ષાની સમિતિએ રૂબર મુલાકાત લઇ પ્રાથમિક ચકાસણી કરી હતી અને એ પ્રમાણે ગુણ આપી પોતાના અભિપ્રાય સાથેની જીલ્લા કક્ષાની સમિતિમાં દરખાસ્ત મોકલી આપી હતી. આ ફોર્મના આધારે મેરીટના બેઝ પર સ્માર્ટ વિલેજની પસંગી જીલ્લા કક્ષાની સમિતિ ધ્વારા કરવામાં આવી છે. ૯૦ ટકા ગુણ મેળવેલ ગ્રામ પંચાયતોને થર્ડ પાર્ટી વેરીફીકેશન કરાવ્યા પછી જ પુરસ્કાર જાહેર કરવામાં આવ્યા છે. પુરસ્કાર માટે જે જીલ્લા પસંદ કરવામાં આવ્યા છે તેમાં ગાંધીનગર, નર્મદ, વલસાડ, કચ્છ, અમરેલી, પોરબંદર, છોટા ઉદેપુર, આણંદ, મોરબી, સુરત, સાબરકાંઠા, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, ભાવનગર, વડોદરા અને ખેડાનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમા પોરબંદર જીલ્લામાં બગવદર અને ઈશ્વરીયાનો સમાવેશ થતા ખુશીની લાંગણી ફેલાઇ છે.