પોરબંદરના રાણાવાવ નજીક પાવની સીમમાં દીપડાએ વધુ એક વાછરડીનું મારણ કર્યું છે. ત્યારે જીલ્લા કિશાન કોંગ્રેસ સમિતીના ચેરમેને વનવિભાગને રજૂઆત કરીને તેને પકડી બરડા ડુંગર માં છોડવાના બદલે ગીર ના જંગલ માં મુક્ત કરવા માંગ કરી છે.
રાણાવાવ પાવની સીમ વાડી વિસ્તારમાં રાત્રિ ના બરડા ડુંગર નજીક રેલવે ક્વાટરની બાજુમાં જીલ્લા કિશાન કોંગ્રેસ સમિતીના ચેરમેન પ્રતાપભાઈ ખિસ્તરીયાની વાડીના ખૂણા ઉપર દીપડા એ એક વાછરડીનું મારણ કરતા આજુબાજુના વિસ્તારમાં રહેતા ખેડૂતોમાં ફફડાટ ફેલાયો છે. જંગલી દીપડાઓ વારંવાર રાત્રિના સમયે આજુબાજુના ખેતરોમાં ઘુસીને માલઢોર નું તેમજ અન્ય પશુઓનું મારણ પણ વારંવાર કરે છે. ત્યારે ત્યાંના સ્થાનિક ખેડૂતો વતી પ્રતાપભાઈ એ માગ કરી છે કે આ દીપડાઓને તાત્કાલીક પાંજરે પુરીને ગીર અભ્યારણમાં મુકવામાં આવે તે જરૂરી છે.
કારણકે બરડા ડુંગરમાં આજુબાજુના વિસ્તારમાંથી વન વિભાગ દ્વારા દીપડાઓ બરડા ડુંગર માં મુકી દેવામાં આવતા હોવાથી દીપડાની સંખ્યા વધી રહી છે. અને શિકાર ની શોધમાં વાડી વિસ્તારમાં આવી ચડે છે. ત્યારે પશુઓ ઉપર પણ ઘણી વખત હુમલાના બનાવ બન્યા છે. તો બીજી તરફ ખેડૂતોને તેમના પાકમાં રાત્રે પાણી પાવા જવું પડતું હોય તો સતત ભયના ઓથાર હેઠળ રહેવું પડતું હોય છે. આથી ફોરેસ્ટ વિભાગ દ્વારા તેના ખોરાકની વ્યવસ્થા કરવામાં આવે,તેમના ઉપર સતત નજર રાખવામાં આવે તે માટે દરેક દીપડાઓને રેડિયો કોલર લગાડેલ હોવા જોઈએ. જેથી તેઓ ની ગતિવિધિ જાણી શકાય અને લોકોને અને તેના પશુઓ ને હેરાન કરતા દીપડાને તાત્કાલીક પકડી શકાય તેવી રજૂઆત કરવામાં આવી છે.