માધવપુર નજીક દરિયાકાંઠે થી ડ્રગ્સ ના પેકેટ મળી આવવાનો સિલસિલો યથાવત હોય તેમ મારીજુઆના ના વધુ ૧૫ પેકેટ મળી આવતા પોલીસે તે કબ્જે કરી જાણવા જોગ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
માધવપુર અને ગોરસર વચ્ચે ના દરિયાકાંઠે થી ગત તા ૩ ના રોજ પોલીસે શંકાસ્પદ પદાર્થ ભરેલા ૨૧ પેકેટ બિનવારસી કબ્જે કર્યા હતા. જે કબ્જે કરી એફ એસ એલ કીટ વડે તપાસ કરતા આ માં આ પદાર્થ હસીશ એટલે કે મારીજુઆના હોવાનું સામે આવ્યું હતું. પોલીસે રૂ ૩૪,૮૧,૨૦૦ની કીમત ના કુલ ૨૩ કિલો ૨૦૮ ગ્રામ વજન ધરાવતા ૨૧ પેકેટ કબ્જે કરી અજાણ્યા શખ્સો સામે ગુન્હો નોંધાવ્યો હતો. જેમાં ભારત ના યુવાધન ને બરબાદ કરવા આ જથ્થો દરિયાઈ માર્ગે ગેરકાયદે લાવતી વખતે દરિયાઈ સુરક્ષા એજન્સી ના ડર થી દરિયામાં ફેંકી દેતા દરિયાઈ પ્રવાહ સાથે દરિયાકાંઠે તણાઈ આવ્યું હોવાનું નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
જેમાં પોલીસે મરીન તેમજ એસઓજી સહિતની અલગ-અલગ ટીમો બનાવી માધવપુર આસપાસના દરીયા કિનારા વિસ્તારમાં ચેકિંગ હાથ ધર્યુ હતુ. જે દરમિયાન અંદાજે રૂ ૧૮ લાખની કીમત ના વધુ ૧૫ જેટલા નશીલા પદાર્થના પેકેટો મળી આવ્યા હતા.અને આ અંગે જાણવા જોગ નોંધી છે. મળી આવેલા પેકેટો અગાઉ મળ્યા હતા તે પ્રકાર ના જ હોવાથી તે પણ હસીશ હોવાની શક્યતા છે. તેમ છતાં તેની પણ એફ એસ એલ દ્વારા તપાસ હાથ ધરાઈ છે.
માધવપુર માં જે રીતે છેલ્લા બે દિવસથી ડ્રગ્સ ના પેકેટો મળવાનો સીલસીલો યથાવત રહ્યો છે. ત્યારે પોલીસે દરિયાઈ પટ્ટી પર આવેલા લેન્ડીંગ પોંઈન્ટ સહિતના વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામા આવ્યું છે. જેથી હજુ પણ કેટલાક પેકેટ મળી આવવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે. માધવપુર ના દરીયાકિનારે પ્રથમ વખત આટલી માત્રામાં નશીલા પદાર્થોનો જથ્થો મળી આવ્યો છે. જેને લઈ સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક બની છે. આ જથ્થો કંઈ રીતે માધવપુર સુધી પહોંચ્યો તે જાણવા કમર કસી છે.