પોરબંદરમાં બે વર્ષ પૂવે થયેલ સગીરાના અપહરણ-બળાત્કારના કેસમાં કોર્ટે આરોપીને વીસ વર્ષની સજા તથા ૨૬ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
પોરબંદર માં સગીરા અને આરોપી વિજય રાજુ ચાંડપા નજીકના જ વિસ્તારમાં રહેતા હોવાથી વિજય ને ભોગ બનનાર સાથે પરિચય થયો હતો. જેથી વિજયે ગત તા ૨૯-૩-૨૨ના સાંજના અરસામાં વિરડીપ્લોટ વિસ્તારમાંથી સગીરા નું અપહરણ કરી લઈ જઈ બળાત્કાર ગુજાર્યો હતો. આથી સગીરા ના પિતા એ આ અંગે કીર્તિમંદિર પોલીસસ્ટેશન ખાતે આઈ.પી.સી.ની કલમ તથા પોકસો એકટની કલમ મુજબ અપહરણ અને બળાત્કારનો ગુન્હો નોંધાવ્યો હતો.
જે કેસ કોર્ટ માં ચાલી જતા પ્રોસીકયુશન તરફે પબ્લિક પ્રોસીકયુટર સુધિરસિંહ બી. જેઠવા દ્વારા ૨૫ દસ્તાવેજી પુરાવાઓ તથા ૧૦ સાહેદો તપાસવામાં આવ્યા હતા. તથા સરકાર તરફે દલીલો રજૂ કરવામાં આવી હતી. જે અનુસંધાને બન્ને પક્ષોની દલીલો સાંભળી આરોપી વિજયને એડી. ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ કે.એ. પઠાણ દ્વારા આઈ.પી.સી. કલમ તથા પોકસો એકટની કલમ મુજબના ગુન્હામાં કસુરવાન ઠરાવી ૨૦ વર્ષની સખત કેદની સજા તથા રૂા. ૨૬,૦૦૦નો દંડ ફટકારતો હુકમ કરવામાં આવ્યો છે.