પોરબંદરમાં ૫ વર્ષ પૂર્વે સગીરા ઉપર અવારનવાર બળાત્કાર ગુજારનાર શખ્શને કોર્ટે ૨૦ વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે.
પોરબંદર ની મહિલાની મોટી પુત્રી સાથે પરીક્ષિત પરમાણંદ જોષીનું સગપણ નક્કી થયુ હતુ. પરંતુ તેને પરીક્ષિત પસંદ ન હોવાથી તે પોતાની નાનીના ઘરે ચાલી ગઇ હતી. ત્યારબાદ મહિલાના પતિનું અવસાન થયું હતું. તેના અવસાન બાદ પરીક્ષિત અવારનવાર મહિલાના ઘરે આવતો હતો. અને મોટી બહેને સગપણની ના પાડી હોવાથી તેની નાની સગીરવયની બહેનને પ્રેમજાળમાં ફસાવીને ‘તારી બહેન મને પસંદ કરતી નથી, તું મને પસંદ છે.’ તેમ કહી લગ્નની લાલચ આપી તા. ૧૭-૫-૧૯ થી ૨૭-૧૨-૧૯ દરમિયાન સગીરાના મકાનમાં જ અવારનવાર બળજબરીપૂર્વક બળાત્કાર ગુજાર્યો હતો. અને સાત માસનો ગર્ભ પણ રાખી દીધો હતો તેથી તે સમયે પોસ્કો અને બળાત્કાર સહિતની કલમો હેઠળ પરીક્ષિત સામે ફરિયાદ નોંધાઈ હતી.
જેમાં પ્રોસીકયુશન તરફે પબ્લિક પ્રોસીકયુટર સુધિરસિંહ બી. જેઠવા દ્વારા ૬૦ દસ્તાવેજી પુરાવાઓ તથા ૨૨ સાહેદોને તપાસવામાં આવ્યા હતા. તથા સરકાર તરફે દલીલો કરવામાં આવી હતી. જે અનુસંધાને આરોપી પરીક્ષિતભાઇ પરમાણંદ જોષીને એડી. ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ કે.એ. પઠાણ દ્વારા તકસીરવાન ઠરાવી ૨૦ વર્ષની સખત કેદની સજા તથા રૂા. ૧૦,૦૦૦ દંડ ફટકારતો હુકમ કરવામાં આવ્યો છે.