કુતિયાણા ગામે મેડીકલ ડીગ્રી વગર પ્રેક્ટીસ કરતા શખ્શ ને એસઓજી ટીમે ઝડપી લઇ તેની પાસે થી મેડીકલ તપાસણીના સાધનો,ઇન્જેક્શન,દવા મળી રૂ ૨૧૦૪૩ નો મુદામાલ કબ્જે કર્યો છે.
પોરબંદર સ્પેશીયલ ઓપરેશન ગ્રુપની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે બાતમી મળી હતી કે કુતિયાણા ગામે થેપડા ઝાપા પાસે આવેલ રાધાકૃષ્ણ બિલ્ડીંગમાં રહેતો તરૂણસિંહ પ્રતાપસિંહ ચૌહાણ(ઉવ ૬૪) કોઇપણ પ્રકારની ડીગ્રી વગર મેડીકલ પ્રેક્ટીસ કરીને લોકો ની સારવાર કરી રહ્યો છે. આથી પોલીસે તાત્કાલિક ત્યાં દરોડો પાડતા તરૂણસિંહ કોઈ માન્ય યુનિવર્સીટીની ડીગ્રી ન હોવા છતાં મેડીકલ પ્રેક્ટીસ કરીને દવા અને સારવાર કરતો હોવાનું બહાર આવ્યું હતુ. તેથી પોલીસે તેની પાસેથી ૧૯૮૪૩ ની કીમત નો દવાનો જથ્થો,ઇન્જેકશનો,વિવિધ પ્રકારની કેપ્સુલ અને ટેબલેટ અને ૧૨૦૦ ની રોકડ મળી કુલ રૂ.૨૧૦૪૩ નો મુદામાલ કબ્જે કરીને ધરપકડ કરી હતી.
આ શખ્સ પાસે થી બે સ્ટેથોસ્કોપ અને બી.પી. માપવાનું મશીન પણ પોલીસે કબ્જે કર્યું હતુ. કબ્જે કરેલી દવાઓ માં મોટાભાગની દવાઓતાવ,શરદી,ઉધરસ માથું દુખવું જેવી સામાન્ય બિમારીઓની હતી. આથી સામાન્ય મેડીકલ સ્ટોરમાં મળી શકે તેવી દવાઓનો મોટો જથ્થો આ શખ્શ પાસે કઈ રીતે આવ્યો તે અંગે પણ પોલીસે તપાસ શરુ કરી છે. આ શખ્સ ની પોલીસે પુછપરછ કરતા પોતે વર્ષો અગાઉ ધો 12 ની પરીક્ષા આપી હતી. પરંતુ તેમાં તે નાપાસ થયો હતો. અને અહી ઘણા સમય થી પ્રેક્ટીસ કરતો હોવાનું પણ જાણવા મળે છે. પોલીસ દ્વારા અવારનવાર લોકો ના આરોગ્ય સાથે ચેડા કરતા બોગસ તબીબો ને ઝડપી લેવામાં આવે છે. પરંતુ ખરેખર આ જેની જવાબદારી છે તે આરોગ્ય વિભાગ ઊંઘ માં હોય તેમ લાગી રહ્યું છે.