પોરબંદરના જાણીતા સેવાભાવિ તબીબ ડો.સુરેખાબેન શાહનું વિશિષ્ટ વ્યક્તિ તરીકે પ.પુ.ગો.૧૦૮ શ્રી વસંતરાયજી મહારાજશ્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.
મહાપ્રભુ શ્રીમદ વલ્લભાચાર્યજીના પ્રાગટ્ય ઉત્સવ નિમિત્તે એક સપ્તાહથી ઉજવાતા મહોત્સવની પૂર્ણાહુતિરૂપે યોજાયેલ ધર્મસભામાં પોરબંદરની એક સેવાભાવી સંસ્થા આશા હોસ્પિટલનું સન્માન કરવામાં આવ્યું તથા એક સેવાભાવી વ્યક્તિ તરીકે ડૉક્ટર સુરેખા શાહને વિશેષ વ્યક્તિ તરીકેનું સન્માન તેમણે વિવિધ ક્ષેત્રોમાં કરેલ સેવાઓ બદલ પ.પુ.ગો. ૧૦૮ શ્રી વસંત રાયજી મહારાજના હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો.
ખીચોખીચ ભરાયેલ સભામાં આચાર્યશ્રીઓના અમૃત વચન સાંભળવા આવેલા હજારો ભાવિકોની હાજરીમાં મળેલ સન્માન પ્રત્યે ડો.સુરેખા શાહે ઊંડા આભારની લાગણી વ્યક્ત કરી અને જણાવ્યું કે વૈષ્ણવ આચાર્યોના આશીર્વાદ મારી આધ્યાત્મિક સફરમાં ખૂબ જ ઉપયોગી નીવડશે. અખંડ ભૂમંડલાચાર્ય જગતગુરૂ શ્રી વલ્લભાર્યજી શ્રી મહાપ્રભુજીના ૫૪૬ માં મંગલમય પ્રાદુર્ભાવ મહોત્સવના ઉપલક્ષ્યમાં આયોજિત ધર્મસભા શ્રીમદ્ વલ્લભાચાર્યજી પ્રાકટય મહોત્સવમાં વ્યકિત વિશેષ ડો. સુરેખાબેન શાહ (એમ.ડી) નું ઉત્સવ પ્રેરક પૂ.ગો. ૧૦૮ શ્રી વસંતરાયજી મહારાજશ્રીના અભિવાદનપત્ર અપાયું હતું.
જેમાં જણાવાયું હતું કે, આપશ્રી બાળપણથી જ અભ્યાસમાં ખુબજ તેજસ્વી અને હંમેશા પ્રથમ ક્રમાંકે ઉતીર્ણ થઈ જામનગર મેડીકલ કોલેજથી એમ.બી.બી.એસ, અને એમ.ડી. ની પછી પ્રાપ્ત કરી ઉચ્ચકક્ષાના ગાયનેકોલોજીસ્ટ થઈ આજીવન અપરણિત રહી માતા-પિતા સમાજ અને દેશની સેવાના નિર્ધાર સાથે પોરબંદરમાં સ્થાયી થઈ આજીવન સેવા પારાયણ રહ્યા છો. આપ પોરબંદરમાં આઇ.એમ.એ. પ્રેસીડન્ટ, પોરબંદર રોટરી કલબના પ્રથમ મહિલા પ્રમુખ રહી ડિસ્ટ્રીકટ લેવલના આઠ એવોર્ડ પ્રાપ્ત કરેલ છે. ખાદી ભંડાર તથા કસ્તુરબા ફાઉન્ડેશનમાં ટ્રસ્ટી, કલરવ સાહિત્ય સંસ્થાના ભૂતપૂર્વ પ્રમુખ રહી ચુક્યા છો.
આપના માતા-પિતાના નામથી બનાવેલ ટ્રસ્ટ શારદા નંદલાલ શાહ ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે અનેકવિધ સેવાકીય કાર્યો ઉપરાંત એક એમ્બ્યુલન્સનું પોરબંદર શહેરને દાન કરેલ છે, જે ખુબજ ગૌરવની વાત છે. આપ ડોકટર ઉપરાંત એક સાહિત્કાર અને અભિનેત્રી પણ છો આવો ત્રિવેણીસંગમ ભાગ્યે જ જોવા મળે છે. ૧૯૯૭-૯૮ માં આપે ગુજરાત લેવલની સાહિત્ય પરિષદનું આયોજન કર્યું હતું. જેમાં ૫૩ સાહિત્યકારો હાજર રહ્યા હતા. દવાઓનો ભાવવધારો રોકવા પ્રોડકટ પેટન્ટની વિરૂધ્ધ એક પુસ્તક તબીબી ક્ષેત્ર અને સ્વદેશ અભિયાન જેની ચાર ભાષા ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને કન્નડ ભાષામાં અત્યાર સુધીમાં ૪૦,૦૦૦ નકલ પ્રકાશિત છે.
તેમણે સ્ત્રી સશકિતકરણ સમર્થનમાં પૂર્તિમાં ટહૂકો ભૂલી કોયલ’ નામની કટાર લખેલી છે. અખબારમાં ઉતિષ્ઠ જાગ્રત નામની કટાર સ્વદેશી ભાવનાના સમર્થનમાં લખી છે. ગાંધી દર્શન વિશે લેખો લખેલ ઉપરાંત દૂરદર્શનની ગાંધીજીની જીવનકથા આધારિત મેરી કહાણી’ સીરીચલમાં તેમણે પોરબંદરના મહારાણીનો પ્રશંસનીય અભિનય કરેલો છે, જે પોરબંદર માટે ગૌરવ અનુભવવા યોગ્ય છે. તત્કાલિન ગુજરાતના મુખ્યમંત્રી હાલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે આપે વિશિષ્ટ મહિલા એવોર્ડ તથા સન્માન પ્રાપ્ત કરેલ છે.તેમને ભારત સરકાર દ્વારા ૨૦૧૩ માં આઉટ સ્ટેન્ડીંગ વુમન’ એવોર્ડ એનાયત થયેલા છે જે ભારતભરમાંથી માત્ર ૨૭ મહીલાઓને એનાયત થયેલ હતો.
ઉપરાંત તેમણે પ્રેરણાધોધ એવોર્ડ સુષ્મા સ્વરાજ એવોર્ડ જેવા અનેક પુરસ્કારો પ્રાપ્ત કર્યા છે. માતા-પિતાના નામથી સત્યનારાયણ પરિસરમાં શારદ નંદલાલ હોલ નામે સ્મૃતિ મંદિર બનાવનાર ડો.સુરેખાબેન શાહ પોરબંદરના પ્રથમ મહિલા છે.જેનું ઉદઘાટન ૨૦૧૭ માં પૂ.ગો.શ્રી વસંતરાયજી મહારાજશ્રીના હસ્તે થયુંહતું. આપના માતા-પિતા ચુસ્ત વૈષ્ણવ હતા તથા આપના ઘરે સેવા સ્વરૂપથી ઠાકોરજી બિરાજે છે જે વૈષ્ણવ સમાજ માટે ખૂબ જ ગૌરવની વાત છે. આપના જેવા ઉત્કૃષ્ટ પ્રતિભાવંત સમાજ સેવિકા આજીવન સેવા પરાયણ રહી પોરબંદરને મદદરૂપ થયા છો ત્યારે આપને સમાન અર્ધ્ય અર્પણ કરતા અમો અત્યંત હર્ષ અને આનંદની લાગણી અનુભવીએ છીએ, આપ નિરોગી દીર્ઘાયુષ્ય પ્રાપ્ત કરો અને આપની સેવા જયોત હરહંમેશ પ્રજવલિત રહે તેવી ખૂબ-ખૂબ મંગલ કામનાઓ અને શુભેચ્છાઓ પ.પુ.ગો.શ્રી વસંતકુમાર મહારાજ પાઠવી હતી. ડો.શાહના આ સન્માન બદલ સૌએ શુભેરછાઓ આપી હતી,આપ્રસંગે પ.પુ.ગો.૧૦૮ જય વલ્લભલાલજી મહોદયશ્રી પણ ઉપસ્થિત રહ્યા હતા.