કુછડી ગામે રહેતા દંપતી ને અમેરિકા જવાની લાલચ આપી ટુકડા-મીયાણીના શખ્સ અને બખરલાની મહિલાએ આઠ લાખની છેતરપીંડી કરી હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
કુછડી ગામે મહેર સમાજ પાસે રહેતા અને જે.સી.બી. ડ્રાયવીંગનો વ્યવસાય કરતા વિજય લાખણશી ઓડેદરા(ઉવ ૨૭)એ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબતે પોરબંદરના ઉદ્યોગનગરમાં આવેલ દીપક કારાવદરાની મહાદેવ ક્રેન સર્વિસનું જે.સી.બી. મશીન ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યો છે. એકાદ વર્ષ પહેલા તેની પત્ની હીરલને દુબઇ કામ અર્થે જવાનો વિચાર આવ્યો હતો આથી હીરલની મૂળ બખરલા તથા હાલ દુબઈ રહેતી બહેનપણી વર્ષા જેતાભાઈ ઓડેદરા સાથે વોટસએપ કોલમાં વાત થઇ હતી. અને વેકેન્સી બાબતે પૂછપરછ કરતા વર્ષાએ તાત્કાલિક દુબઈ આવવુ હોય તો વેકેન્સી છે તેમ જણાવ્યુ હતુ.
પરંતુ વિજયના પત્ની હિરલબેન પાસે પાસપોર્ટ તૈયાર ન હોવાથી તાત્કાલિક દુબઇ જઇ શકે તેમ નહી હોવાથી વાતચીત આગળ વધી ન હતી. ત્યારબાદ એક-બે દિવસમાં વર્ષાએ ફરી હિરલને ફોન કરીને ‘અમેરિકાના કેલીફોર્નીયામાં જવુ હોય તો વેકેન્સી છે. ૩૫ લાખ રૂપિયા ભરવા પડશે’ જેથી આટલા રૂપિયાની સગવડ નહી હોવાથી વર્ષાને ના પાડી હતી. ફરીથી એક-બે દિવસ પછી વર્ષાએ હિરલને વોટસએપ કોલ કરીને ‘મારા જાણીતા અમેરિકામાં વિજયભાઈ ઓડેદરા છે જે મારી નાની બહેન કૃપાને કેલીફોર્નીયા લઇ જવા માટે ઇન્ડિયા આવવાના છે. જો તમારે કેલીફોર્નીયા જવું હોય તો વિજય ઓડેદરા તમારા ૩૫ લાખ રૂા. અત્યારે ભરી દેશે બાદમાં તમારે ત્રણ-ચાર લાખ રૂપિયા વિજયને વધારે ચુકવી દેવાના રહેશે. અત્યારે તમારે કોઇ ખર્ચ કરવાનો થતો નથી. પાસપોર્ટ પણ વિજય કરાવી દેશે.’ તેમ જણાવ્યુ હતુ.
ત્યારબાદ એ જ દિવસે વિજય ઓડેદરાનો હિરલના મોબાઈલમાં વોટસએપ કોલ આવ્યો હતો અને એવુ કહ્યુ હતુ કે ‘હું પોરબંદરના છાયાનો મૂળ રહેવાસી છું અને વર્ષોથી કેલીફોર્નીયામાં રહુ છું. ત્યાં મારી મિલ્કત છે. મારે અમેરિકા માણસો લઇ જવાના છે. તમારે હાલ કોઇ ખર્ચ કરવાનો થતો નથી.’ તેમ કહેતા વિજયની વાતમાં પતિ-પત્ની ભોળવાઇ ગયા હતા અને ફરિયાદી વિજય લાખણશી ઓડેદરા અને તેના પત્ની હિરલબેન બંનેને અમેરિકા લઈ જશે અને બંનેના રૂપિયા પણ તે ભરી દેશે તેમ જણાવ્યુ હતુ. આથી અમેરિકા જવા માટે બંને પતિ-પત્નીએ હા પાડી હતી.
ત્યારબાદ વિજયે ફોન કરીને ફરિયાદી વિજયને તથા તેની પત્ની હિરલને અમદાવાદ બોલાવ્યા હતા અને કાંકરીયા તળાવ ખાતે તેઓને મળ્યા હતા ત્યાં વિજય સાથે વર્ષાની નાની બેન કૃપા પણ હાજર હતી. ત્યારબાદ તેણે ફરિયાદી અને તેની પત્નીની અમુક ડોકયુમેન્ટમાં સહી કરાવી હતી ત્યારબાદ તેઓ ઘરે પરત આવતા રહ્યા હતા. ત્યારબાદ પત્ની હિરલને રાજકોટ ખાતે નવો પાસપોર્ટ કઢાવવાનું કહ્યુ હતુ અને અમુક ફોર્મમાં સહી લીધી હતી. ત્યારબાદ હિરલ રાજકોટથી પોરબંદર આવી ગઇ હતી. એ પછી ગત સાતમ-આઠમના તહેવાર સમયે વિજયે ફોન કરીને ફરિયાદી વિજયને એવુ જણાવ્યુ હતુ કે, ‘આપણે સાતમ-આઠમના તહેવાર પછી નીકળવાનું છે. તમે તૈયારી કરી રાખજો’ હિરલનો પાસપોર્ટ પણ આવી ગયો હતો તેથી તે સમયે વિજયને રૂબરૂ મળ્યા ન હતા.
જન્માષ્ટમીના તહેવાર પૂર્ણ થતા વિજયે ફોન કરીને ફરીયાદીને એવુ જણાવ્યુ હતુ કે ‘હું તમારા અમેરિકા જવા માટેના રૂપિયા ભરુ છું પણ મારા અમેરીકન ડોલર હજુ આવ્યા નથી. એટલે ૧૫ લાખ જેટલા રૂપિયા ઘટે છે. માટે એ રૂપિયા ભરવામાં મને મદદ કરો’ તેમ કહેતા ફરિયાદીએ તેને કહ્યુ હતુ કે, ‘અમારી પાસે આટલા રૂપિયા નથી અને અમારે કેલીફોર્નીયા જવુ નથી.’ ત્યારબાદ વર્ષા જેતા ઓડેદરાનો એ જ દિવસે દુબઇથી ફોન આવ્યો હતો અને ‘વિજય તમને આટલીબધી મદદ કરે છે. અમેરિકાથી ડોલર આવ્યા નથી એટલે તમારા માટે થઇને રૂપિયા માંગ્યા છે. તમને વિશ્વાસ નથી?’ તેના ડોલર આવી જશે એટલે આપી દેશે એમ કહ્યુ હતુ.
બીજા દિવસે વિજય ઓડેદરાનો ફરિયાદીને ફોન આવ્યો હતો અને એવુ કહ્યુ હતુ કે, ‘તમારાથી જેટલા રૂપિયાની સગવડ થાય એટલી કરી દો બાકીના રૂપિયાની વ્યવસ્થા હું કરી લઇશ’ તેમ કહેતા ફરિયાદીએ તેના પરિવારજનો સાથે વાત કરી હતી. ત્યારબાદ ફરિયાદીના પત્ની હિરલબેન, ભાભી સંધ્યાબેન અને માસી દેવીબેનના દાગીના તા. ૨૦-૮-૨૦૨૪ના પોરબંદરમાં પુજાર મોબાઇલની પાછળ બજાજ ફાયનાન્સની ઓફિસે મિલન તેરૈયા પાસે ગીરવે રખાવ્યા હતા. અને આ દાગીના બદલ મીલને આઠ લાખ રૂપિયા આર.ટી.જી.એસ. મારફતે ફરિયાદીના બેન્ક ખાતામાં નાખ્યા હતા. એ જ દિવસે ફરિયાદીએ વિજયને ફોન કરતા તેણે એક પ્રતાપ કે. ઓડેદરા નામના બેન્ક ખાતાના નંબર મોકલ્યા હતા તેમાં આ રૂપિયા નાખવાનું કહેતા આથી ફરિયાદીએ તેમાં આઠ લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા અને રૂપિયા મળી ગયાનો ફોન પણ આવી ગયો હતો.
ત્યારબાદ વિજયે ફરીયાદીના ફોન ઉપાડવાનું બંધ કર્યુ હતુ અને વર્ષાને ફોન કરતા તે પણ અલગ-અલગ બહાના બતાવવા લાગી હતી. ત્યારબાદ ફરીયાદીની પત્ની હિરલને તેના માવતરે પિતા છગનભાઇ અરભમભાઇ ખુંટીને ઘરે જવાનું થતા હિરલ ત્યાંગઇ હતી અને ત્યાં હિરલને તેની બહેનપણી ક્રિષ્ના વાણંદ મળતા બંને વચ્ચે વિદેશ થવાની ચર્ચા થઇ હતી. આથી ક્રિષ્નાને હિરલે વિજય ઓડેદરાનો મોબાઇલમાં ફોટો બતાવ્યો હતો. તો ક્રિષ્ના ચોંકી ઉઠી હતી અને તેણે એવુ કહ્યુ હતુ કે, ‘હું આને ઓળખું છું, આનું નામ વિજય નથી પણ ટુકડા-મીયાણીનો પરબત કાના ઓડેદરા છે.’ પરબત અને વર્ષા જેતા ઓડેદરા ગમે તેનો રોલ કરીને છેતરપીંડી કરે છે તેમ કહેતા હિરલના પગ નીચેથી ધરતી ખસી ગઇ હતી અને તાત્કાલિક તેણે પતિ વિજયને જાણ કરી હતી.
ત્યારબાદ ફરિયાદી વિજય લાખણશી ઓડેદરાએ પરબત ઉર્ફે વિજય કાના ઓડેદરાને ફોન કરતા તે ખોટા બહાના બતાવવા લાગ્યો હતો. ચારેક મહિના પહેલા તેના પિતા કાનાભાઇએ પણ ફરિયાદી વિજયને એવુ જણાવ્યુ હતુ કે ‘પરબત ઘરે આવતો નથી પણ તે આવશે એટલે તમને તમારા રૂપિયા આપી દેશું’ પરંતુ હજુ સુધી રૂપિયા પરત આપ્યા નહી હોવાથી અને તે બંનેનો કોન્ટેકટ નહી થતો હોવાથી અંતે હાર્બર મરીન પોલીસ સ્ટેશન ખાતે આવીને તે બંને વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
આ પોલીસ ફરિયાદમાં ટુકડા મીયાણીના પરબત ઉર્ફે વિજય કાના ઓડેદરા અને બખરલાની વર્ષા જેતા ઓડેદરા સામે તા. ૨૦-૮-૨૪થી અત્યાર સુધીમાં આઠ લાખ રૂપિયા પ્રતાપ કે. ઓડેદરાના બેન્ક એકાઉન્ટમાં નખાવી દંપતી ને વિદેશ ન મોકલી છેતરપીંડી અને વિશ્વાસઘાત કર્યો હોવાની ફરિયાદ નોંધાવતા હાર્બર મરીન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.