Friday, September 20, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદરના જળપ્લાવિત ક્ષેત્રોની માહિતી આપતા પુસ્તકનું ગાંધીનગર ખાતે થયું વિમોચન

પોરબંદરના જળપ્લાવિત ક્ષેત્રોની માહિતી આપતું પુસ્તક પ્રકાશિત થયું છે. મોકરસાગર વેટલેન્ડ કન્ઝર્વેશન કમિટી તથા બર્ડ કન્ઝર્વેશન સોસાયટી ગુજરાતનું સંયુક્ત પ્રકાશન છે. ગુજરાત ઇકોલોજી કમીશન દ્વારા આ પુસ્તકના લેખક મોકરસાગર કમિટીના પ્રમુખ ડો.ધવલ વારગીયા તથા નિવૃત વન અધિકારી ઉદય વોરા છે.

ગુજરાત ઇકોલોજી કમીશન દ્વારા યોજાયેલી કાર્યશિબિર પ્રકૃતિ શિક્ષણ નવા પડકારો અને વ્યૂહરચનાના ઉદ્ઘાટન દરમિયાન વિમોચન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં ૩૦ થી વધુ જીલ્લોમાંથી ૯૦ જેટલા પ્રકૃતિ શિક્ષણ સાથે સંકળાયેલા લોકો જોડાયા હતા,એ તમામને આ પુસ્તક આપવામાં આવ્યું હતું.

ડો.ધવલ વારગીયા અને ઉદય વોરા લિખિત આ પુસ્તક ભારત સરકારની પર્યાવરણ અનુરૂપ જીવનશૈલી પર આધારિત છે. અને ઈ.આઇ.એ.સી.પી, પર્યાવરણ માહિતી,જાગૃતિ,ક્ષમતા નિર્માણ અને આજીવિકા કાર્યક્રમ અંતર્ગત પ્રકાશિત કરવામાં આવ્યું છે. ગુજરાત ઇકોલોજી કમિશનના મેમ્બર સેક્રેટરી મહેશ સિંઘે માહિતી આપતા જણાવ્યું કે,પર્યાવરણ અને પરિસરતંત્ર અંગેની લોકજાગૃતિ ઉભી કરવા માટે ભાગીદર બનવા મોકરસાગર કમિટી તથા કન્ઝર્વેશન ગુજરાતને બિરદાવે છે. પોરબંદર સ્થિત મોકરસાગર વેટલેન્ડ કન્ઝર્વેશન કમિટી ઘણા વર્ષોથી પોરબંદરના જળપ્લાવિત વિસ્તારોના સંરક્ષણ અને લોકજાગૃતિ ફેલાવવા ઘણા વર્ષોથી વૈજ્ઞાનિક ઢબે પ્રયત્નો કરતી આવી છે,શાળામાં કાર્યક્રમો,ગણતરી,સરકારી તેમજ બિનસરકારી સંસ્થાઓ સાથે સંયોજન કરી વેટલેન્ડ બચાવવાના કાર્યો કર્યા છે.

આ પુસ્તકમાં પોરબંદરના વિવિધ જળપ્લાવિત ક્ષેત્રો વિષે માહિતી આપવામાં આવી છે. સાથે-સાથે અહીં થયેલ પક્ષી ગણતરી,જંતુનાશક દવાઓ અને હેવી મેટલથી થતું નુકશાન ઇકો ટુરીઝમ તથા ડો.ધવલ વારગીયા દ્વારા પોરબંદર વેટલેન્ડના પક્ષીઓના સુંદર ફોટો પ્રકાશિત થયા છે. ગુજરાતના ખુબ મહત્વના પ્રદેશ એવા પોરબંદરને એક આગવું સ્થાન પ્રાપ્ત થયું છે. અને મોકરસાગર જેવા આદર્શ વેટલેન્ડ વિસ્તારના સંરક્ષણને વેગ મળ્યો છે. સાથે-સાથે આ બુકમાં પોરબંદરના જળપ્લાવિત વિસ્તારોનું કાયદેસર ધોરણે તથા બને એટલું જલ્દી સંરક્ષણ થાય તથા રામસર સાઈટ તરીકે જાહેરાત થાય તેવી પણ માંગણી કરવામાં આવી છે.

પોરબંદરના પ્રકૃતિપ્રેમી યુવાનોને આ પુસ્તિકા આવનારા દિવસોમાં વિનામુલ્યે આપવામાં આવશે. ગાંધીનગર ખાતે યોજાયેલા સેમીનારમાં ગુજરાત ઇકોલોજી કમિશનના મેમ્બર સેક્રેટરી મહેશ સિંઘે જણાવ્યું કે,આજના ટેકનોલોજીના યુગમાં હવે પ્રકૃતિના જતન માટે દરેક ક્ષેત્રના અગ્રણીઓથી માંડી સામાન્ય લોકોનો સહયોગ મેળવવો તે આજના સમયની આવશ્યકતા છે.

ગુજરાત ઇકોલોજી કમિશન દ્વારા પ્રકૃતિ શિક્ષણ-નવા પડકારો અને વ્યુહરચના અંગે ગાંધીનગર ખાતે એક સેમિનાર યોજવામાં આવ્યો હતો. તે પ્રસંગે મહેશ સિંઘે સાંપ્રત સમયમાં પ્રકૃતિ શિક્ષણ ક્ષેત્રના પડકારો અને અભિગમ વિશે વાત કરી હતી. આ અંગે તેમણે જણાવ્યું કે પ્રકૃતિ શિક્ષણ માટે હવે ટેકનોલોજીનો ઉપયોગ કરવો પડશે. આ માધ્યમ દ્વારા પ્રકૃતિના જતનના શિક્ષણનો વ્યાપ વધારવો પડશે, તોજ સમાજના દરેક વર્ગ, વચ અને ક્ષેત્રના લોકોમાં જાગૃતિ લાવી શકાશે. વધુને વધુ લોકોને આવરી લઇ પ્રકૃતિની નજીક લઇ જઇ પ્રકૃતિની સંરક્ષણની ભાવના તેમનામાં વિકસાવવી પડશે.

નિવૃત્ત અધિક મુખ્ય વન સંરક્ષક ડી.એસ નવુએ જણાવ્યું કે ભારતમાં પ્રકૃતિ શિક્ષણનો આરંભ સૌપ્રથમ ગુજરાતના હીંડોળગઢમાં અને બીજા ક્રમે સાસણમાં થયો હતો. તે પછી તેનો વ્યાપ સમગ્ર ભારતના વિવિધ રાજ્યો અને ભારતની નજીકના દેશોમાં થવા લાગ્યો. જ્યારે નિવૃત્ત અધિક વન સંરક્ષક ભરત પાઠક, સંશોધક પ્રણવ ત્રિવેદી, સ્કાયફોરેસ્ટ યૂથ ક્લબ (કેશોદ)ના રેવતુભા રાયજાદા , નિશ્ચલ જોષી અને નિત્યાનંદ શ્રીવાસ્તવ સહિતના અગ્રણીઓએ પ્રકૃતિ શિક્ષણ ક્ષેત્રની વિસ્તરતી ક્ષિતિજો અને પરિણામલક્ષી વ્યૂહરચના અંગે જાણકારી આપી હતી. આ શિબિરનો મુળ હેતુ એ હતો કે સંવેદનશીલતા અને વિજ્ઞાનના સમન્વય સાથે પ્રકૃતિ શિક્ષણ શિબિરો યોજવી, બાળકોને જાગૃત કરવા માટે ગામે ગામ પ્રકૃતિ સંરક્ષણ કાર્યક્રમો કરવા, બાળકો વન અને વન્ય પ્રાણીઓને ઓળખતા થાય તે શિબિરો યોજવી. નેચર એજ્યુકેશન કાર્યક્રમમાં ઉદય વોરા અને ચૈતન્ય નિમાવત સહિત રાજ્યભરમાંથી અનેક પ્રકૃતિ પ્રેમીઓ જોડાયા હતાં.

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે